છત્તીસગઢના દુર્ગ-રાયપુર પાસે આવેલા ગામમાં સોમવારે એક જ પરિવારના 4 લોકોની હત્યા કરવામાં આવી છે. મૃત્યુ પામનારાઓમાં પતિ-પત્ની અને વૃદ્ધ માતા-પિતા સામેલ છે. ઘરની પુત્રવધૂના માથામાં પથ્થર મારવામાં આવ્યો છે, તેનો મૃતદેહ ઘરની અંદરથી મળ્યો છે. જ્યારે અન્ય ત્રણ મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળ્યા છે. 11 વર્ષના બાળક પર પણ હુમલો કરાયો હતો. હુમલો કરનારાએ તેમનું માથું ફોડી નાખ્યું છે. બાળકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હુમલો કોણે અને કેમ કર્યો, એની કોઈ જ માહિતી મળી નથી.
પુત્રવધૂની લાશ જોઈને ગામના લોકોને ખ્યાલ આવ્યો
બાલારામનો પરિવાર ગામથી લગભગ એક કિલોમીટર દૂર ખેતરમાં જ મકાન બનાવીને રહેતો હતો. બાલારામ, તેમની પત્ની દુલારી, પુત્ર રોહિત અને પુત્રવધૂ કીર્તિની હત્યા કરવામાં આવી છે. 11 વર્ષનો ભાણેજ દુર્ગેશ અને 3 ભાણેજ બચી ગયા છે. સવારે ગામના લોકો બાલારામના ઘરની પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે પુત્રવધૂનો મૃતદેહ લોહીથી લથબથ પડ્યો જોયો હતો. ઘરની અંદર જતાં દુલારીનો મૃતદેહ પણ જોવા મળ્યો. આ સમગ્ર ઘટના રાયપુર-પાટન માર્ગ પર સ્થિત ખુડમુડા ગામની છે.
બાળકના નિવેદન બાદ આરોપીઓની જાણકારી મળી શકે છે
ગ્રામવાસીઓ પાસેથી સૂચના મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ફોરેન્સિક ટીમ પહોંચ્યા પછી લગભગ એક કલાક બાદ દરવાજો ખોલવામાં આવ્યો, ત્યારે પાણીની ટાંકીમાંથી બાલારામ અને રોહિતના મૃતદેહ પણ મળ્યા હતા. ઈજાગ્રસ્ત બાળક દુર્ગેશ હજુ આઘાતમાં છે, તેથી પોલીસ તેની પાસેથી કોઈ માહિતી નથી મેળવી શકી. પોલીસનું માનવું છે કે દુર્ગેશનું નિવેદન લીધા બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.