વિવાદ બાદ ભાજપ એક્શનમાં:મોહમ્મદ પયગંબર સાહેબ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી બાદ દૂધના દાઝેલા ભાજપે હવે 38 બફાટબાજોની યાદી બનાવી

નવી દિલ્હી24 દિવસ પહેલાલેખક: સુજીત ઠાકુર
  • કૉપી લિંક
  • 27 નેતાને ઠપકો પણ અપાયો

ભાજપે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારા પોતાના 38 નેતાની યાદી બનાવી છે. પાર્ટીએ તેમાંથી 27 નેતાને આવાં નિવેદનોથી બચવાની સલાહ આપી છે. તેમને સૂચન કરાયું છે કે ધાર્મિક મુદ્દાઓને લઇને નિવેદન આપતાં પહેલાં સક્ષમ પદાધિકારીની અનુમતિ લે. મોહમ્મદ પયગંબર સાહેબ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ નૂપુર શર્મા અને નવીન કુમાર પર કાર્યવાહી પછી ગત 8 વર્ષ (સપ્ટેમ્બર 2014થી 3 મે 2022 સુધી )માં નેતાઓ દ્વારા અપાયેલાં નિવેદનોને આઇટી નિષ્ણાતોએ સર્ચ કર્યા હતા.

અંદાજે 5200 નિવેદન બિનજરૂરી મળ્યાં, જ્યારે 2700 નિવેદનમાં સંવેદનશીલ શબ્દોનો ઉપયોગ કરાયો હતો. જ્યારે 38 નેતાનાં નિવેદનો ધાર્મિક ભાવનાને ઠેંસ પહોંચાડનારાં હતાં. એમાં અનંત કુમાર હેગડે, શોભા કરંદલાજે, ગિરિરાજ સિંહ, તથાગત રાય, પ્રતાપ સિન્હા, વિનય કટિયાર, મહેશ શર્મા, ટી. રાજા સિંહ, વિક્રમ સિંહ સૈની, સાક્ષી મહારાજ, સંગીત સોમનાં નિવેદનો સામેલ છે.

કુવૈતના સ્ટોર્સમાં ભારતીય સામાનનો બોયકોટ કરાયો
ભાજપ નેતાઓની ટિપ્પણીનો આરબ દેશોમાં વિરોધ હજી શાંત નથી થયો. આ ટિપ્પણીઓના વિરોધમાં કુવૈતના અનેક સુપર માર્કેટ અને મૉલમાંથી ભારતીય કંપનીઓની ચીજવસ્તુઓ હટાવી દેવાઈ છે. આ ટિપ્પણીઓને ઈસ્લામ વિરુદ્ધની કહીને કુવૈતની અલ રદિયા કો-ઓપરેટિવ સોસાયટીએ તેના સ્ટોર્સમાંથી ભારતીય ચા, ચોખા, મસાલા, મરચું અને પ્લાસ્ટિક શીટ્સ જેવી ચીજવસ્તુઓને શેલ્ફમાંથી હટાવીને ટ્રોલીઓમાં જમા કરી દીધો છે. અહીંના સ્ટોર્સમાં અરબી ભાષામાં લખાયું છે કે અમે ભારતીય ઉત્પાદનો હટાવી દીધા છે.

આ દરમિયાન ઈજિપ્તની અલ અઝહર યુનિવર્સિટીના પ્રવક્તાએ પણ ભારત સરકારની આકરા શબ્દોમાં ટીકા કરી છે. આ સાથે ભારત સરકારનો વિરોધ કરનારા ઈસ્લામિક દેશોમાં વધુ બે દેશ ઉમેરાયા છે. બીજી તરફ, કતાર, સાઉદી અરેબિયા, અફઘાનિસ્તાન, ઈરાન પછી ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓપરેશને (ઓઆઈસી) પણ ભાજપ નેતા નૂપુર શર્મા અને નવીન જિંદાલનાં નિવેદનોનો વિરોધ કર્યો છે.

વિવાદાસ્પદ નિવેદન આપનાર નૂપુર શર્મા.
વિવાદાસ્પદ નિવેદન આપનાર નૂપુર શર્મા.

આરબ દેશોમાં સોશિયલ મીડિયા પર ‘બોયકોટ ઈન્ડિયા’ જેવા હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યા છે. જોકે ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાન અને ઓઆઈસીનાં નિવેદનોને બિનજરૂરી અને સંકીર્ણ માનસિકતા ધરાવતાં કહ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ કહ્યું છે કે ભારત તમામ ધર્મો પ્રત્યે ઊંડું સન્માન ધરાવે છે. કેટલાક લોકોએ અયોગ્ય ટિપ્પણી કરી એનો અર્થ એ નથી કે તેઓ ભારત સરકારના વિચારોને રજૂ કરે છે. એ દુઃખની વાત છે કે ઓઆઈસીએ એકવાર ફરી લોકોને ગેરમાર્ગે દોરતી અને ઉતાવળે ટિપ્પણી કરી છે, જે કેટલાંક સ્વાર્થી તત્ત્વોનો વિભાજનકારી એજન્ડા દર્શાવે છે. હકીકતમાં ઓઆઈસીએ ભારતની ટીકા કરતા યુએન સમક્ષ માગ કરી હતી કે ભારતમાં મુસ્લિમોના અધિકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.

નૂપુર શર્માને ધમકી મળતાં FIR
દિલ્હી પોલીસે નૂપુર શર્માને ધમકીઓ મળતાં એફઆઈઆર દાખલ કરી છે. એક પોલીસ અધિકારીએ સોમવારે કહ્યું હતું કે અમે એફઆઈઆરના આધારે તપાસ શરૂ કરી છે. નૂપુર શર્માનો આરોપ છે કે તેમને દુષ્કર્મની પણ ધમકીઓ મળી રહી છે. બીજી તરફ, મહારાષ્ટ્ર પોલીસે નૂપુર શર્મા વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભવવાની ફરિયાદ પછી તેની પૂછપરછની તૈયારી શરૂ કરી છે.

પાકિસ્તાન સરકાર તેમની લઘુમતીઓની સુરક્ષા કરે
ભારતે પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ અને વિદેશ મંત્રાલયનાં નિવેદન પણ ફગાવી દીધા છે. આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા બાગચીએ કહ્યું હતું કે લઘુમતીઓના અધિકારોનું સતત ઉલ્લંઘન કરનારો દેશ બીજા દેશ સામે આવી ટિપ્પણી કરી રહ્યો છે એ ગળે નથી ઊતરતું. પાકિસ્તાનમાં હિંદુઓ, શીખો, ખ્રિસ્તીઓ, અહેમદિયા સહિતની લઘુમતીઓની પાકિસ્તાનમાં દયનીય સ્થિતિ છે અને વિશ્વ તેનું સાક્ષી છે. પાકિસ્તાને પહેલા પોતાના દેશની લઘુમતીઓની સુરક્ષા કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...