• Gujarati News
  • National
  • The Army Chief Was Given The Responsibility Of The Chief Of Staff Committee Of The Three Armies

જનરલ નરવણે CDS નહીં, પણ COSCના અધ્યક્ષ બન્યા:આર્મી ચીફને ત્રણેય સેનાની ચીફ ઓફ સ્ટાફ કમિટીની જવાબદારી મળી

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું હતું

આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ ચીફ ઓફ સ્ટાફ કમિટી (COSC)ના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. તેમને દેશના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બનાવવામાં આવે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ આ દરમિયાન બુધવારે તેમને COSCનું પદ સોંપવામાં આવ્યું હતું. ત્રણેય સેનાના વડાઓની બનેલી સમિતિના અધ્યક્ષનું આ પદ દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવતના 8 ડિસેમ્બરના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન બાદ એ ખાલી પડ્યું હતું.

હવે CDS બનવાનો દાવો મજબૂત
સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે નવા CDS વિશે હજુ કોઈ ચર્ચા થઈ નથી, પરંતુ ત્રણેય સેવાઓના વડાઓમાં સૌથી વરિષ્ઠ હોવાના કારણે જનરલ નરવણેને COSC અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. અને એનાથી આગામી સીડીએસ બનવાનો તેમનો દાવો મજબૂત બન્યો છે.

IAF ચીફ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી 30 સપ્ટેમ્બરે, જ્યારે નેવી ચીફ એડમિરલ આર. હરિ કુમારે 30 નવેમ્બરે પોતાનું પદ સંભાળ્યું હતું. એનાથી વિપરીત જનરલ નરવણેને આર્મી-પ્રમુખ બનાવ્યાને લગભગ બે વર્ષ થઈ ગયાં છે. 61 વર્ષીય જનરલ નરવણેએ જનરલ બિપિન રાવતની નિવૃત્તિ પછી અને દેશના પ્રથમ CDS તરીકે પ્રમોશન પછી 31 ડિસેમ્બર, 2019ના રોજ ચીફ ઑફ આર્મી સ્ટાફ (COAS), એટલે કે આર્મી ચીફની જવાબદારી સંભાળી હતી.

શું છે COSC અને કઈ રીતે અધ્યક્ષની નિમણૂક થાય છે
COSCએ ત્રણેય સેનાના વડાઓની બનેલી સમિતિ છે, જે ઓપરેશન અને અન્ય મુદ્દાઓને લઈને ત્રણેય સેના વચ્ચે તાલમેલ જાળવવાનું કામ કરે છે. જનરલ નરવણેને પણ એ જ રીતે જૂની પરંપરા હેઠળ COSCના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જે CDSના પદની રચના પહેલાં અમલમાં હતી. આ પરંપરા હેઠળ, ત્રણેય સૈન્યના વડાઓમાં સૌથી વરિષ્ઠ અધિકારીની COSCઅધ્યક્ષપદે નિમણૂક કરવામાં આવી હતી.

CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું હતું.
CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું હતું.

જનરલ રાવતનું દુર્ઘટનામાં થયું હતું નિધન
દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવતનું 8 ડિસેમ્બરે હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં નિધન થયું હતું, જ્યારે તેઓ પોતાની પત્ની અને 12 અન્ય સૈન્ય અધિકારીઓની સાથે તામિલનાડુના કુન્નુરમાં એક કાર્યક્રમમાં સામેલ થવા માટે જઇ રહ્યા હતા. તેમનું MI-17V5 હેલિકોપ્ટર લેન્ડ થવાના સ્થળથી માત્ર 7 કિલોમીટર દૂર જંગલોમાં અચાનક જ ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં જનરલ રાવત, તેમનાં પત્ની અને 11 અન્ય અધિકારી શહીદ થયા હતા, જ્યારે એકમાત્ર ઇજાગ્રસ્ત ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું 8 દિવસની હોસ્પિટલમાં સારવાર બાદ બુધવારે નિધન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...