પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિદ્ધુની મુક્તિ પર સસ્પેન્સ યથાવત્ છે. હવે તેની પત્ની ડૉ.નવજોત કૌર સિદ્ધુએ ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેણે સોશિયલ મીડિયા પર લખ્યું- નવજોત સિદ્ધુ ખૂનખાર જાનવરની કેટેગરીમાં આવે છે, તેથી જ તેને આઝાદીના 75મા વર્ષમાં મુક્તિની રાહત આપવામાં આવી નથી. દરેકને તેનાથી દૂર રહેવા વિનંતી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સિદ્ધુ સહિત અન્ય કેદીઓને મુક્ત કરવા માટે કેબિનેટની બેઠક યોજાવાની હતી, પરંતુ બેઠક થઈ ન હતી. એ જ સમયે એવી પણ ચર્ચા છે કે જો સિદ્ધુને એક વર્ષની જેલ થઈ છે, તો તેની મહત્તમ 1 મહિનાની સજા માફ થઈ શકે છે, પરંતુ હવે તે આ નિયમમાં આવતો નથી.
સિદ્ધુના ખાતામાંથી રૂટ મેપ જાહેર થયો હતો
નવજોત સિદ્ધુની મુક્તિની ચર્ચા ત્યારે સામે આવી જ્યારે તેના વેરિફાઈડ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી રૂટ મેપ શેર કરવામાં આવ્યો. એમાં કહેવામાં આવ્યું હતું કે સિદ્ધુ પટિયાલા સેન્ટ્રલ જેલ છોડીને કેટલીક જગ્યાએ રોકાશે, જ્યાં તેમનું સ્વાગત કરી શકાય. તેમના સમર્થકોને પણ ત્યાં એકઠા થવાની અપીલ કરવામાં આવી હતી.
પટિયાલામાં લગાવેલાં સ્વાગત બોર્ડ ઉતારી લેવાયાં
નવજોત સિદ્ધુના સ્વાગત માટે સમર્થકોએ પટિયાલામાં ઘણી જગ્યાએ બોર્ડ લગાવ્યાં હતાં. આ વાતની જાણ થતાં જ પટિયાલા મ્યુનિસિપલ કોર્પોરેશને આ બોર્ડ હટાવવાનું શરૂ કરી દીધું છે. લુધિયાણામાં પણ તેમના સમર્થકો દ્વારા બોર્ડ લગાવાયાં હતાં, એટલે ચર્ચાએ જોર પકડ્યું હતું કે સિદ્ધુ બહાર આવી શકે છે.
જો છૂટશે નહીં તો હવે એપ્રિલમાં બહાર આવશે
જો નવજોત સિદ્ધુને આજે છોડવામાં નહીં આવે તો તે એપ્રિલમાં બહાર આવશે. રોડ રેજ કેસમાં સુપ્રીમ કોર્ટે 19 મેના રોજ સિદ્ધુને એક વર્ષની જેલની સજા ફટકારી હતી. એ બાદ તેણે 20 મેના રોજ આત્મસમર્પણ કર્યું હતું. ત્યારથી તે પટિયાલા સેન્ટ્રલ જેલમાં બંધ છે. જોકે આ સમયગાળા દરમિયાન તેણે કોઈ પેરોલ લીધી નથી.
રાહુલની રેલીનું આમંત્રણ આપવામાં આવ્યું હતું
નવજોત સિદ્ધુને 30 જાન્યુઆરીએ રાહુલ ગાંધીની શ્રીનગર રેલી માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જો તે આજે જેલમાંથી બહાર આવ્યો હોત તો રેલીમાં પણ સામેલ થઈ શક્યો હોત. જેલવાસના કારણે તે ભારત જોડો યાત્રામાં હાજર રહી શક્યો નહોતો, પરંતુ તેનો પરિવાર ભારત જોડો યાત્રામાં જોડાયો હતો.
રોડ રેજ કેસમાં સજા થઈ હતી
રોડ રેજના 34 વર્ષ જૂના કેસમાં સુપ્રીમ કોર્ટે નવજોત સિંહ સિદ્ધુને 1 વર્ષની જેલની સજા ફટકારી હતી. પંજાબમાં 1988માં રોડ રેજની ઘટનામાં સિદ્ધુના મુક્કાથી એક વૃદ્ધનું મોત થયું હતું. આ કેસમાં હાઈકોર્ટે તેને એક વર્ષની જેલની સજા ફટકારી હતી. જોકે સુપ્રીમ કોર્ટે તેને હત્યા નહીં, પણ દોષી, માનવહત્યાના આરોપમાંથી મુક્ત કર્યા અને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો. આ કેસમાં પીડિતાના પરિવારે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી, જેના પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે સિદ્ધુને એક વર્ષની જેલની સજા સંભળાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.