• Gujarati News
  • National
  • Thar Jeep Was Out To Trample Farmers At 90 Speed, Innova And Scorpio Passed Behind; 8 People Lost Their Lives

લખીમપુર હિંસાનો અનકટ વીડિયો:90ની સ્પીડથી આવતી થાર જીપે 8 ખેડૂતને કચડી નાખ્યા, પાછળથી ઈનોવા અને સ્કોર્પિયો પણ નીકળી હતી

12 દિવસ પહેલા

લખીમપુર ખીરીના તિકુનિયા ગામમાં ત્રણ ઓક્ટોબરની બપોરે થયેલી હિંસાનો અનકટ વીડિયો સામે આવ્યો છે, જેમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને એક થાર જીપ કચડતા નજરે આવી રહી છે. જીપની પાછળ ઈનોવા અને સ્કોર્પિયો કાર પણ પસાર થઈ હતી. એટલામાં જ ખળભળાટ મચી ગયો. અત્યારસુધી ઘટનાના 3 વીડિયો સામે આવી ચૂક્યા છે. જોકે ગાડીમાં કોણ સવાર છે એ વાતની પુષ્ટિ હજી થઈ શકી નથી. ઘટનાથી ખેડૂતોમાં હજી પણ રોષ છે.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે કાર લગભગ 80-90ની ઝડપે આવી હતી
ભારતીય કિસાન સંઘ (BKU)ના નેતા રામસિંહ ગિલોનીના જણાવ્યા અનુસાર, ખેડૂતોના આંદોલનમાં સેંકડોની સંખ્યામાં ભીડ હતી. પોલીસ દળ પણ તહેનાત કરવામાં આવ્યું હતું. દરેક જગ્યાએ બેરિકેડ્સ લગાવવામાં આવ્યાં હતાં. સાંજે અમે મંચ પરથી દરેક સાથે વાત કરી રહ્યા હતા. અચાનક તિકુનિયા બાજુથી 3 ગાડી ઝડપથી આવતી જોવા મળી હતી. તમામ ગાડી લગભગ 80થી 90ની ઝડપે આવી રહી હતી. આગળ જઈને ત્રણેય કાર પલટી ખાઈ ગઈ.

આ દરમિયાન કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાએ ગાડીમાંથી ઊતરતાંની સાથે જ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. લોકોએ તેમને પકડવાનો પ્રયાસ કર્યો. ત્યાર બાદ પોલીસે તેમને પકડ્યા હતા અને આગળ કારમાં લઈ ગયા હતા.

કાફલામાં પૂર્વ કોંગ્રેસ સાંસદ અખિલેશ દાસનો ભત્રીજો હોવાનો દાવો
હિંસા સાથે સંબંધિત બીજો વીડિયો 5 ઓક્ટોબરે સામે આવ્યો હતો. આ ઘટનામાં પોલીસ માઇક લઈને ઈજાગ્રસ્ત થયેલા યુવકનું નિવેદન રેકોર્ડ કરી રહી હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિએ પોલીસ સમક્ષ દાવો કર્યો હતો કે કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અખિલેશ દાસનો ભત્રીજો અંકિત દાસ પણ કાફલામાં પોતાની ફોર્ચ્યુનર કારમાં હતો.

નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે તે લખનઉના હુસૈનગંજનો રહેવાસી છે. અમે અંકિત દાસની કારમાં બેઠા હતા. તેઓ લખનઉથી લખીમપુર આવ્યા હતા અને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 5 લોકો સવાર હતા. કાફલામાં તેમની આગળ થાર જીપ રસ્તા પર ઊભેલા લોકોને કચડી રહી હતી.

અંકિત દાસની કાળા રંગની ફોર્ચ્યુનર ગાડી એ જીપની પાછળ જ હતી. એ જ સમયે ભીડે તે લોકો પર હુમલો કરી દીધો. થાર જીપમાં કોણ સવાર હતું એ બાબતે યુવકે કશું પણ કહેવાની મનાઈ કરી.

ટેનીના દીકરા આશિષ મિશ્ર સહિત 14 પર FIR
3 ઓક્ટોબરે હચમચાવી દે એવી ઘટનામાં 4 ખેડૂત સહિત 8 લોકોના જીવ ગયા. UP સરકારે દરેક મૃતક ખેડૂતના પરિવારને 45 લાખ રુપિયાનો ચેક આપવાનો નિર્દેશ ઓફિસરોને આપી દીધો છે. પોલીસે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર ટેનીના દીકરા આશિષ મિશ્ર સહિત 14 લોકો વિરુદ્ધ FIR નોંધી છે. જોકે આ બાબતે કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

ઘટનામાં મૃત્યુ પામેલા ખેડૂતો

  • શુભમ મિશ્રા (27) લખીમપુર
  • હરિઓમ મિશ્રા (26) રહેવાસી ફરધન.
  • રમણ કશ્યપ (30) રહેવાસી નિગ્હસન.
  • શ્યામસુંદર નિષાદ (30) રહેવાસી સિંગાહી
  • લવપ્રીત સિંહ (18) રહેવાસી પલિયાકલા.
  • નક્ષત્રસિંહ (55) રહેવાસી ધોરહરા .
  • ગુરુવિંદર સિંહ (40) રહેવાસી નાનપરા, બહરાઈચ.
  • દલજિત સિંહ (36) રહેવાસી નાનપરા, બહરાઈચ.
અન્ય સમાચારો પણ છે...