પુલવામામાં આતંકી હુમલો:આતંકવાદીઓએ 4 દિવસમાં બીજીવાર CRPFની ટીમને નિશાન બનાવી IED બ્લાસ્ટ કર્યો, એક જવાન ઘાયલ

પુલવામા2 વર્ષ પહેલા
હુમલો CRPFને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.
  • આ હુમલો જમ્મુ-કાશ્મીરના પુલવામાના ગંગુ વિસ્તારમાં થયો, સર્ચ ઓપરેશન ચાલું
  • 1 જુલાઈના રોજ સોપોરમાં CRPF ઉપર હુમલો થયો હતો, તેમા એક જવા શહીદ થયો હતો

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ CRPF ઉપર હુમલો કર્યો છે. આ હુમલો IEDથી કરાયો છે. તેમા એક જવાન ઘાયલ થયો હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે આતંકવાદીઓ મોટું નુકસાન પહોંચાડવા માગતા હતા, પરંતુ નિષ્ફળ રહ્યા છે.

4 દિવસ પહેલા સોપોરમાં હુમલો થયો હતો
જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોરમાં CRPF ઉપર 4 દિવસ પહેલા હુમલો થયો હતો. ફાયરિંગમાં એક જવાન શહીદ થયો હતો અને ત્રણ ઘાયલ થયા હતા. આતંકવાદીઓના ફાયરિંગમાં એક નાગરિકનું પણ મોત થયું હતું. તેની સાથે તેનો ત્રણ વર્ષનો પૌત્ર પણ હતો. સુરક્ષાદળે બાળકને બચાવી લીધું હતું.

મે મહિનામાં આવો જ એક હુમલો નિષ્ફળ રહ્યો હતો
જવાનોએ 28 મેના રોજ આવા જ એક હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. બાંદીપોરા જિલ્લામાં રાજપુરા રોડ પર શાદીપુરાની પાસે એક સફેદ સેન્ટ્રો કાર મળી હતી, જેમાં IED(ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ) મળ્યું હતું. કારની અંદર ડ્રમમાં વિસ્ફોટક રાખવામાં આવ્યું હતું. સમાચાર મળતાની સાથે જ જવાનોએ આજુબાજુના વિસ્તારને ખાલી કરાવ્યો હતો. પછીથી બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે કારને ઉડાવી દીધી હતી. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ કારમાં 40-50 કિલો વિસ્ફોટક હતું.

પુલવામા હુમલામાં 350 કિલો IEDનો ઉપયોગ થયો હતો

  • 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાં પુલવામાના અવન્તીપુરા વિસ્તારમાં સીઆરપીએફ પર આતંકવાદી હુમલો થયો હતો. ગોરીપુરા ગામની પાસે થયેલા હુમલામાં 44 જવાનો શહીદ થયા હતા.
  • આતંકવાદીએ વિસ્ફોટકથી ભરેલી કારને સીઆરપીએફના જવાનોને લઈ જઈ રહેલી બસ સાથે અથડાવી હતી. હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. પુલવામા હુમલો કાશ્મીરમાં થયેલા હુમલાઓમાં સૌથી મોટો આતંકી હુમલો હતો. આતંકીઓએ હુમલા માટે 350 કિલો IEDનો ઉપયોગ કર્યો હતો.
અન્ય સમાચારો પણ છે...