ભાસ્કર એક્સક્લુઝિવ:ટુરિસ્ટ, મેડિકલ વિઝાની આડમાં આતંકવાદીઓની ઘૂસણખોરી

ગુવાહાટી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતમાં ઘૂસવા માટે નવી પેટર્ન
  • આ આતંકી અલ કાયદા સાથે જોડાયેલા જેહાદી સંગઠનના સભ્યો

બાંગ્લાદેશના જેહાદી આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવા નવા નવા અખતર અપનાવી રહ્યા છે. હાલમાં જ આસામ પોલીસે ઝડપેલા કેટલાક આતંકીઓ અને મુજાહિદ્દીનોની પૂછપરછમાં આ મોડસ ઓપરેન્ડી સામે આવી છે. માલુમ પડ્યું છે કે, આતંકીઓ બાંગ્લાદેશથી આસામના રસ્તે ભારતમાં ઘૂસવા માટે મેડિકલ અને ટુરિસ્ટ વિઝાનો ઉપયોગ કરી રહ્યા છે. મિત્ર દેશ હોવાના કારણે બાંગ્લાદેશના નાગરિકો માટે ભારતના આ વિઝા મેળવવા ઘણાં સરળ છે.

સામાન્ય રીતે આતંકીઓ પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદેથી ઘૂસણખોરી કરીને ભારતના વિવિધ રાજ્યોમાં પહોંચે છે. ત્યાર પછી દેશવિરોધી ગતિવિધિઓને અંજામ આપે છે. જોકે, છેલ્લા કેટલાક સમયમાં જમ્મુ-કાશ્મીર સિવાય પૂર્વોત્તર રાજ્યોમાં પણ સેના અને સુરક્ષા દળોની ચોક્સાઈના કારણે આતંકીઓ તેમના મનસૂબામાં સફળ નથી થયા.

આસામના કેટલાક જિલ્લામાં પણ પોલીસે અનેક આતંકીઓની ધરપકડ કરીને સફળતા હાંસલ કરી છે. આ આતંકીઓ બાંગ્લાદેશ સ્થિત અને અલ કાયદા સાથે જોડાયેલા જેહાદી સંગઠનોના સભ્ય હોવાનું માલુમ પડ્યું છે. બાંગ્લાદેશના મોટા ભાગના જેહાદી તત્ત્વોના આકા કુખ્યાત પાકિસ્તાની એજન્સી ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ ISIના ઉચ્ચ અધિકારીઓ છે.

હરકત-ઉલ-મુજાહિદ્દીન પહેલા પકડાયેલા અનેક સભ્યોના હવાલાથી તેમના પાક.થી બાંગ્લાદેશ અને ત્યાંથી આસામ થઈને ભારતના બીજા રાજ્યોમાં ઘૂસવાની વાત સામે આવી ચૂકી છે.
આતંકીઓ ત્રણ રસ્તેથી ઘૂસણખોરી કરે છે, પછી દેશના બીજા રાજ્યોમાં પહોંચે છે: ગુપ્તચર તંત્રના સૂત્રોના મતે, વર્ષોથી જેહાદીઓ બાંગ્લાદેશથી ભારતમાં આવવા જાણીતા માર્ગોનો જ ઉપયોગ કરે છે. આ અંગે સુરક્ષા દળોને કોઈ સંકેત મળે, ત્યાં સુધી તેઓ બીજા રસ્તા અપનાવી લે છે. સામાન્ય રીતે પૂર્વોત્તરના કોઈ સરહદી રાજ્ય અને ત્યાંથી વાયા આસામ દેશના બીજા રાજ્યમાં પહોંચવા આતંકીઓ ત્રણ વિસ્તારોના દુર્ગમ રસ્તાઓનો પણ સહારો લે છે. તેમાં પહેલો રસ્તો છે ચટગાંવ હિલ ટ્રેક (સીએચટી)થી બાંગ્લાદેશથી ત્રિપુરા અને મિઝોરમ કે મણિપુરમાંથી પ્રવેશ.

બીજો રસ્તો છે ડીમા હાસાઉ જિલ્લામાંથી પ્રવેશવાનો. એનએસસીએન જેવા અનેક સંગઠનો આ રસ્તેથી જ ઘૂસણખોરી કરે છે. ત્રીજો રસ્તો છે ગારો હિલ્સ, જે સરળ છે. જેહાદી તત્ત્વો પહેલા બે રસ્તાનો ઉપયોગ ઓછો કરે છે. તેના બદલે કરીમગંજ અને ગારો હિલ્સ જેવા સરળ માર્ગ વધુ પસંદ કરે છે

અન્ય સમાચારો પણ છે...