હવે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના હુમલા સતત વધી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 એપ્રિલે ઘાટીની મુલાકાતે જવાના છે. તે પહેલા આતંકવાદી આ ઘટનાઓથી લોકોમાં ભય પેદા કરવા માંગે છે. શુક્રવારે સાંજે બારામુલ્લા જિલ્લાના પટ્ટન વિસ્તારમાં આતંકવાદીઓએ સરપંચ મંજૂર અહેમદ બાંગરુની ગોળી મારીને હત્યા કરી નાખી હતી.
છેલ્લા 12 દિવસમાં આતંકવાદી હુમલાની આ 7મી ઘટના છે. ઘાટીમાં આ સતત હુમલાઓમાં આતંકવાદીઓ સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યા છે. મૃત્યુ પામેલા લોકોમાં કેટલાક પરપ્રાંતિય મજૂરો અને કાશ્મીરી હિંદુઓ સિવાય ત્યાંના નાગરિકો પણ સામેલ છે.
હત્યાની પેટર્ન પણ સમાન છે
આ ગુનાઓને અંજામ આપવાની પદ્ધતિ પણ એક જેવી જ છે. આ આતંકવાદીઓ સાંજના અંધારામાં લોકોને નિશાન બનાવીને અંધાધૂંધ ગોળીબાર કરી રહ્યા છે. અખિલ જમ્મુ અને કાશ્મીર પંચાયત સમિતિના અધ્યક્ષ શફીક મીરે જણાવ્યું કે 2012થી કાશ્મીરમાં 25થી વધુ પંચ-સરપંચોની હત્યા કરવામાં આવી છે. આ વર્ષે માર્ચમાં કાશ્મીરમાં 8 લોકોને નિશાન બનાવીને હત્યા કરવામાં આવી છે. એક મહિનામાં આતંકવાદીઓએ ઘાટીના 10માંથી 7 જિલ્લામાં ઘટનાઓને અંજામ આપ્યો છે.
વડાપ્રધાનની મુલાકાત પહેલા આ હુમલાઓએ ચિંતા વધારી
આ આતેકવાદી હુમલાઓએ સરકારી સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે. વડાપ્રધાન મોદી 24 એપ્રિલે પંચાયત સભ્યોને સંબોધિત કરવા માટે ઘાટીમાં આવી રહ્યા છે. આ બાબતે અધિકારીઓ પીએમની સુરક્ષા માટે સતત વ્યવસ્થા કરી રહી છે. ત્યારે આ ઘટનાઓ બાદ પંચાયતના સભ્યોમાં ભય ફેલાયો છે અને તેમની મુશ્કેલીઓ વધી છે.
સુરક્ષાના કારણે શ્રીનગરમાં આશ્રયસ્થાનમાં રહેતા એક પંચાયત સભ્યે કહ્યું કે અમારું જીવન નર્ક બની ગયું છે. આખો પરિવાર 24 કલાક ચિંતામાં રહે છે. અમે મુક્તપણે ફરી પણ શકતા નથી. આતંકવાદીઓ અમને નિશાન બનાવી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરમાં 4,400 સરપંચો અને 35,000 થી વધુ પંચો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.