ઉત્તરાખંડના જોશીમઠમાં જમીન ધસી રહી છે. 600થી વધુ ઘરમાં તિરાડો પડી છે, જેને કારણે લોકો ભયભીતમાં છે. 50,000ની વસતિ ધરાવતા શહેરમાં દિવસ તો પસાર થઈ જાય છે, પરંતુ રાત વિતાવવી મુશ્કેલ બની ગઈ છે. ભૂગર્ભ જળ સતત લીકેજ થઈ રહ્યું છે. પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. કડકડતી ઠંડીમાં લોકો ઘરની બહાર રહેવા મજબૂર થયા છે. તેમને ડર છે કે ગમે ત્યારે મકાન તૂટી પડી શકે છે.
ત્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી શનિવારે ઉત્તરાખંડના જોશીમઠ ખાતે એક મંદિર અને અનેક મકાનો ધરાશાયી થયા બાદ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા પહોંચ્યા હતા. તેમણે લગભગ 600 પરિવારોને તાત્કાલિક પોતાના ઘર ખાલી કરવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટ પહોંચ્યો જોશીમઠનો કેસ
જોશીમઠમાં જમીન ધસવાનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. આ મુદ્દે જ્યોતિષ્પિઠના જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે શનિવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છએ. પરમેશ્વરનાથ મિશ્રએ અરજીમાં કહ્યું કે જમીન ધસતા અઢી હજાર વર્ષથી પણ વધું જૂના મઠને નુકસાન થઈ રહ્યું છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. પરિસ્થિતિને જોતા સુપ્રીમ કોર્ટ કોઈ એક્શન લે અને સરકારને આદેશ આપે કે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.
શંકરાચાર્યએ વધુમાં કહ્યું કે વિકાસ યોજનાઓના બાય પ્રોડક્ટના કારણે ઐતિહાસિક સાંસ્કૃતિક અને પ્રાચીન મઠનું અસ્તિત્વ સંકટમાં આવી ગયું છે. અરજીમાં ભૂસ્ખલન અને જમીન ધસવા, જમીન ફાટવા જેવી ઘટનાઓનો સામનો કરવા આ વિસ્તારના લોકોના જાનમાલની સલામતી સુનિશ્ચિત કરવા માટે તેને રાષ્ટ્રીય આફત જાહેર કરવાની માગ કરવામાં આવી છે. અરજીમાં અસરગ્રસ્તોના પુનર્વસનની સાથે તેમને આર્થિક મદદ આપવાનો આદેશ આપવા પણ કોર્ટને અપીલ કરવામાં આવી છે.
6 મહિનાનું મકાનનું ભાડું રાજ્ય સરકાર ચૂકવશે
આ પહેલાં સીએમ ધામીએ શુક્રવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આમાં જોખમી વિસ્તારને તાત્કાલિક ખાલી કરાવવાનો અને અસરગ્રસ્ત પરિવારો માટે સલામત સ્થળે એક વિશાળ પુનર્વસન કેન્દ્ર બનાવવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જોખમી મકાનોમાં રહેતા 600 પરિવારને તાત્કાલિક સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી હતી. જે લોકોનાં ઘર વસવાટલાયક નથી અથવા ક્ષતિગ્રસ્ત છે તે પરિવારોને ભાડાના મકાનમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે, એના માટે તેમને દર મહિને 4,000 રૂપિયા આપવામાં આવશે. આ રકમ 6 મહિના માટે સીએમ રિલીફ ફંડમાંથી આપવામાં આવશે.
જોશીમઠને લઈ આજનાં મોટા અપડેટ્સ
પહેલા ફોટામાં જુઓ... જોશીમઠની હાલત
જોશીમઠમાં એવું કેમ થઈ રહ્યું છે, 2 મોટાં કારણ
પ્રથમ- NTPCની હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની ટનલ અને ચારધામ ઓલ વેધર રોડ નિર્માણને આ માટે જવાબદાર ગણવામાં આવી રહ્યું છે. ટનલમાં કાટમાળ ઘૂસી ગયો છે. હવે ટનલ બંધ છે. પ્રોજેક્ટની 16 કિમી લાંબી ટનલ જોશીમઠની નીચેથી પસાર થઈ રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ટનલમાં ગેસ ઉત્પન્ન થઈ રહ્યો છે, જે ઉપરની તરફ દબાણ કરી રહ્યો છે, જેને કારણે જમીન ધસી રહી છે.
બીજું- જોશીમઠ થીજી ગયેલા ગ્લેશિયર પર વસેલું છે.
જમીન ધસી પડવાથી શું થઈ રહ્યું છે?
ઘરોમાં તિરાડો પડી ગઈ: જોશીમઠ અલકનંદા નદી તરફ સરકી રહ્યું છે. આર્મી બ્રિગેડ, ગઢવાલ સ્કાઉટ્સ અને ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસની બટાલિયન પણ છે.
જોશીમઠના અસ્તિત્વ પર જોખમ: ભૂસ્તરશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે જો નિર્ણાયક પગલાં તાત્કાલિક લેવામાં નહીં આવે તો મોટી દુર્ઘટના થઈ શકે છે. જોશીમઠમાં કશું જ નહીં રહે.
રવિગ્રામ વોર્ડનાં મકાનોમાં સૌથી વધુ તિરાડો: જોશીમઠમાં કુલ 561 મકાન અને દુકાનોમાં તિરાડો પડી હોવાની માહિતી સામે આવી છે, જેમાં સૌથી વધુ અસર રવિગ્રામ વોર્ડનાં 153 મકાન છે. ગાંધીનગર વોર્ડમાં 127, મારવાડી વોર્ડમાં 28, લોઅર બજાર વોર્ડમાં 24, સિંહધાર વોર્ડમાં 52, મનોહર બાગ વોર્ડમાં 71, ઉપર બજાર વોર્ડમાં 29, સુનીલ વોર્ડમાં 27 અને પરસારીમાં 50 મકાન અને દુકાનોમાં તિરાડો પડી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.