સંસદની સ્થાયી સમિતિનો રિપોર્ટ:સ્કૂલોમાં વેદ-ગીતા ભણાવો, આદિવાસીઓની સાથે મરાઠા-શીખ ઈતિહાસ પણ સામેલ કરો

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પાઠ્યપુસ્તકોના કન્ટેન્ટની સાથે લેઆઉટ-ડિઝાઈનમાં સુધારા માટે રજૂઆત
  • દેશની દરેક ભાષામાં ઈતિહાસનાં પુસ્તકો પ્રકાશિત કરવાની પણ સમિતિની ભલામણ

સ્કૂલનાં પુસ્તકોમાં સુધારા માટે રચાયેલી સંસદીય સમિતિએ ચારેય વેદ અને ભગવદ્ ગીતાનું વિવરણ પણ અભ્યાસક્રમમાં દાખલ કરવાનું સૂચન કર્યું છે. આ સમિતિને દેશભરમાંથી આશરે 20 હજાર સૂચનો મળ્યાં હતાં, જેમાંથી કેટલાક રિપોર્ટમાં સામેલ કરીને સરકારને સોંપાયા છે.

હાલમાં જ સંસદમાં રજૂ કરાયેલા આ રિપોર્ટમાં લોકોએ સૂચન કર્યાં છે કે, પાઠ્યપુસ્તકોમાં ઈતિહાસની પ્રસિદ્ધ મહિલાઓને પણ નાયક તરીકે રજૂ કરવી જોઈએ. આ ઉપરાંત શીખ, મરાઠા, જાટ, ગુર્જર, આદિવાસીઓના ઈતિહાસ તેમજ ભારતીય મહાકાવ્યોને પણ પુસ્તકોમાં જગ્યા આપવાની માંગ કરાઈ છે. આ સિવાય એનસીઈઆરટી અને એસઈઆરટીનાં પુસ્તકો હિન્દી, અંગ્રેજી સિવાય બંધારણની આઠમી સૂચિમાં સામેલ તેમજ તેમાં સામેલ ના હોય તેવી ભાષાઓમાં પણ પ્રકાશિત થવાં જોઈએ.

ભાજપ સાંસદ ડૉ. વિનય સહસ્ત્રબુદ્ધેની અધ્યક્ષતા ધરાવતી 31 સભ્યની સ્થાયી સમિતિએ આ રિપોર્ટમાં કહ્યું છે કે ચારેય વેદ, ગીતા તેમજ બૌદ્ધ ધર્મનું વિવરણ સ્કૂલના અભ્યાસક્રમમાં સામેલ કરવું જોઈએ. તમામ દેશોમાં ધાર્મિક અભ્યાસ માટે સમર્પિત યુનિવર્સિટીઓ છે, જ્યારે ભારતમાં એવું નથી. ઈરાનની તેહરાન યુનિવર્સિટીમાં ઉપનિષદ એક વિષય તરીકે ભણાવાય છે. ઈતિહાસનાં પુસ્તકોમાં વિક્રમાદિત્ય, ચોલ, ચાલુક્ય, વિજયનગર, ગોંડવાના શાસકો, ત્રાવણકોર તેમજ ઉત્તર પૂર્વના ઈતિહાસને સામેલ કરવા પણ પૂરતું ધ્યાન આપવાની જરૂર છે.

દરેક વિષયનાં પાઠ્યપુસ્તક તૈયાર કરવા માટે વિવિધ વિષયના નિષ્ણાતોનાં સૂચનો લેવા જોઈએ, જેથી ગુણવત્તાયુક્ત પુસ્તકો બની શકે. પાઠ્યપુસ્તકોનો વિષય, ગ્રાફિક્સ અને લેઆઉટ માટે ચોક્કસ માપદંડો પણ લાગુ કરવા જોઈએ. પુસ્તકોને સ્ટુડન્ટ ફ્રેન્ડ્લી બનાવવા પર ભાર મૂકવો જોઈએ. આ સાથે એનસીઈઆરટીને ઈતિહાસનાં પુસ્તકોમાં લેખન સંબંધિત દિશાનિર્દેશો પર પણ પુનર્વિચાર કરવો જોઈએ.

ઈતિહાસનાં પુસ્તકોને અપડેટ કરીને મહિલાઓને સ્થાન આપવા માગ
આ રિપોર્ટમાં ઈતિહાસનાં પુસ્તકોમાં વ્યાપક ફેરફારોનું સૂચન કરાયું છે. તેમાં કહેવાયું છે કે, આપણાં પુસ્તકોમાં અનેક હસ્તીઓ, સ્વાતંત્ર્યસેનાનીઓને ગુનેગાર તરીકે દર્શાવાયા છે. તેમાં વિવિધ ક્ષેત્ર, સમાજ અને સ્વાતંત્ર્યસેનાનીઓને પૂરતું મહત્ત્વ આપવાની જરૂર છે. 1947 પછીનો ઈતિહાસ અને દુનિયાનો ઈતિહાસ પણ અપડેટ કરવો જોઈએ. પુસ્તકોમાં ઊભરતા ક્ષેત્રની કલ્પના ચાવલા જેવી મહિલાઓ સાથે અહલ્યાબાઈ હોલકર, અબલા ઘોષ, આનંદી જોશી, અનસૂયા સારાભાઈ, અરુણા અસફ અલી, આશિમા ચેટરજી, ચંદ્રપ્રભા સૈકિની, જાનકી અમ્માલ, કોરનેલિયા સોરાબજી, મહાશ્વેતા દેવી, સાવિત્રી ફૂલે, સુબ્બાલક્ષ્મી જેવી મહિલાઓને સામેલ કરવાની માગણી કરાઈ છે.

નાલંદા, તક્ષશિલા જેવું મોડલ વિકસાવવાનું સમિતિનું સૂચન
આ સમિતિએ એસસીઈઆરટીને સૂચન કર્યું છે કે, દેશમાં જિલ્લાવાર ઈતિહાસ અને સ્થાનિક ઐતિહાસિક હસ્તીઓ વિશે જિલ્લાસ્તરે પાઠ્યપુસ્તકો તૈયાર કરવા જોઈએ. પરંપરાગત ભારતીય જ્ઞાન જેવું કે ગણિત, દર્શનશાસ્ત્ર, કળા, આયુર્વેદ, પ્રાકૃતિક વિજ્ઞાન, રાજકારણ, અર્થતંત્ર, નૈતિકતા, ભાષા વિજ્ઞાન અને જ્ઞાનમીમાંસા વગેરે પુસ્તકોમાં સામેલ કરો. નાલંદા, વિક્રમશીલા અને તક્ષશિલા જેવી યુનિવર્સિટીઓની શૈક્ષણિક પદ્ધતિનો અભ્યાસ કરીને સમકાલીન સંદર્ભમાં પણ એક મોડલ વિકસિત કરી શકાય.

ધાર્મિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક સ્થળોની પૂરતી સમજ જરૂરી
પાઠ્યપુસ્તકોની સામગ્રીના પૂરક તરીકે પ્રવાસનને અનિવાર્યરૂપે સામેલ કરવું જોઈએ. પુસ્તકોમાં કોઈ સ્થળનું નામ આવે, તો તેની નજીકના બોક્સમાં એ સ્થળના ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ વિશે પણ જણાવાય. એનસીઈઆરટી અને એસસીઈઆરટીના પુસ્તકોમાં સ્થાનિક ઈતિહાસને સામેલ કરે,'' ત્યારે તે શક્ય હોય ત્યાં સુધી સ્થાનિક ભાષામાં જ ભણાવવો જોઈએ. આ ઉપરાંત પૂરક પુસ્તક તરીકે જેનો ઉપયોગ કરાય, તેના વિષયવસ્તુ પર દેખરેખ રાખવા પણ વ્યવસ્થા હોવી જોઈએ.

સ્કૂલ બેગનું વજન ઘટાડવા મહારાષ્ટ્રને અનુસરવા સૂચન
સ્કૂલ બેગનું વજન ઘટાડવા અંગે સમિતિએ કહ્યું છે કે મહારાષ્ટ્રમાં પહેલા ધોરણમાં ફક્ત એક પુસ્તક છે, જેમાં વિવિધ વિષયો સામેલ છે. અન્ય રાજ્યોએ પણ પ્રાથમિક શિક્ષણમાં આ મોડલ અપનાવવું જોઈએ. પર્યાવરણ સંવેદનશીલતા, માનવીય મૂલ્યો સંબંધિત વિષયવસ્તુ પુસ્તકોમાં ઉમેરવા જોઈએ. ડ્રગ્સ, ઈન્ટરનેટની લત અને તેની દૂરગામી અસરો પણ કોર્સમાં સામેલ કરવાની સિફારિશ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...