બંગાળની ખાડીમાં સર્જાયેલા તોફાન નિવારે ઝડપ પકડી છે. ચેન્નઈમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. સ્થિતિ એ છે કે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. પૂર્વ સીએમ કરુણાનિધિના ઘરમાં પણ પાણી ભરાયાં છે અને તેનો વિડિયો વાઇરલ થઈ રહ્યો છે. હવામાન વિભાગે નિવાર ચક્રવાત એક જોખમી સાઈક્લોનમાં તબદિલ થવાની શક્યતા વ્યક્ત કરી છે.
આ તોફાનનો સામનો કરવા માટે તામિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં 1200 રેસ્ક્યૂ ટ્રૂપર્સ તહેનાત કરાયા છે. એવા 800 ટ્રૂપર્સ સ્ટેન્ડબાય રખાયા છે. રેલવેએ 12 અપડાઉન ટ્રેન રદ કરી છે. નિવાર બુધવાર બપોરથી સાંજ સુધીમાં તામિલનાડુ અને પુડુચેરીના દરિયાકિનારે અથડાઈ શકે છે. નિવાર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તામિલનાડુ અને પુડુચેરીના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી. મોદીએ બંને સીએમને શક્ય તેટલી મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો છે.
વાવાઝોડું આવે એ પહેલાં જ તામિલનાડુ અને પુડુચેરીના ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગે બુધવારે ઘણી જગ્યાએ ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. આ દરમિયાન 100થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
અપડેટ્સ
કોસ્ટ ગાર્ડનાં 8 શિપ, 2 એરક્રાફ્ટ તહેનાત
વિનાશક તોફાન ‘નિવાર’ને લીધે બંગાળની ખાડીની દક્ષિણ-પૂર્વ દિશાએ તામિલનાડુ અને પુડુચેરી તટની નજીક કોસ્ટગાર્ડનાં 8 શિપ અને 2 એરક્રાફ્ટ તહેનાત કરાયાં છે. એના દ્વારા મર્ચન્ટ શિપ અને માછલી પકડનારી બોટને તોફાનની ચેતવણી અપાઈ રહી છે. એનડીઆરએફની ટીમો લોકોને ખરાબ હવામાનથી બચવાના ઉપાયો પણ જણાવી રહી છે.
રાહત-બચાવ માટે એનડીઆરએફની 30 ટીમ તૈયાર
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના ડીજી એસ. એન. પ્રધાને કહ્યું હતું કે નિવાર તોફાનને ધ્યાને લઈને તામિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં કોસ્ટ ગાર્ડની 12 ટીમે તહેનાત કરાઈ છે. આ રાજ્યોમાં 18 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
ચાર રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી
તોફાનને કારણે તામિલનાડુ, પુડુચેરીની સાથે આંધ્રપ્રદેશ અને તેલંગણામાં વધુ ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આ માટે ચેતવણી જારી કરી છે. 24, 25 અને 26 નવેમ્બરે અહીં વરસાદનું અનુમાન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.