પીએમ કેર્સ ફંડની તરફથી જે વેન્ટિલેટર ખરીદીને હોસ્પિટલોને આપવામાં આવ્યાં છે, એને લઈને મુંબઈની પ્રતિષ્ઠિત જેજે હોસ્પિટલ સહિત અનેક હોસ્પિટલોએ ફરિયાદ કરી છે.
સૌની ફરિયાદ એ જ છે કે આ મશીન જેટલો દર્શાવે છે એટલો વાસ્તવમાં ઓક્સિજન દર્દીને પહોંચાડતા નથી. હવે જાણવા મળ્યું છે કે વેન્ટિલેટર બનાવનારી આગવા (Agva ) કંપનીએ સોફ્ટવેરમાં ઘાલમેલ કરી છે જેને કારણે દર્દીનાં ફેફસાંમાં ઓક્સિજન ઓછો પહોંચવા છતાં રીડિંગ વધુ દર્શાવે છે. હફપોસ્ટ વેબસાઇટ કંપનીના જ બે પૂર્વ કર્મચારીઓના હવાલાથી આ જાણકારી મળી હતી.
કંપનીએ આરોપ નકારી દીધો, ઊલટું ડોક્ટરો પર દોષારોપણ
કંપનીએ જો કે પોતાના પૂર્વ કર્મચારીઓનાં દાવાને નકારી દીધો છે. હફપોસ્ટને મોકલાયેલા ઈમેઈલમાં આગવાના સ્થાપક દિવાકર વૈશે કહ્યું કે આ વેન્ટિલેટર મળ્યા તેને ખરીદીને કેટલાક ડોનર્સે હોસ્પિટલને આપ્યા હતા. તેનું ઈન્સ્ટોલેશન કંપનીના કર્મચારીઓએ નહીં પણ થર્ડ પાર્ટીએ કર્યુ હતું. વેન્ટિલેટર માટે શરૂઆતમાં ટ્રેનિંગની જરૂર પડે છે. ડોક્ટરોએ શરૂઆતમાં યોગ્ય રીતે તેનો ઉપયોગ ન કર્યો. કંપની હવે જેજે હોસ્પિટલને નવા મોડેલના વેન્ટિલેટર આપી રહી છે. આ એ જ મોડેલ છે જે ભારત સરકારને મોકલાયા છે.
રામ મનોહર લોહિયા હોસ્પિટલે પણ કરી છે ફરિયાદ
જેજે હોસ્પિટલ ઉપરાંત દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલે (RML) પણ આગવા વેન્ટિલેટરના પરફોર્મન્સ અંગે સવાલો ઉઠાવ્યા હતા. બંનેનાં રિપોર્ટમાં જણાવાયું છે કે આ વેન્ટિલેટર્સ ICUમાં ગંભીર દર્દીઓની આવશ્યક્તા પરિપૂર્ણ કરી શકતા નથી. હફપોસ્ટે જેજે હોસ્પિટલના રિપોર્ટના હવાલાથી લખ્યુ છે કે એક આગવા વેન્ટિલેટર તો ટેસ્ટિંગ મશીનની સાથે જોડ્યાના 5 મિનિટના સમયમાં જ ફેઈલ થઈ ગયું. આ વેન્ટિલેટર પર જે દર્દીઓને રાખવામાં આવ્યા હતા, તેઓ ખૂબ બેચેની અનુભવી રહ્યા હતાં. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થતી હતી અને તેમને ખૂબ પરસેવો પણ નીકળી રહ્યો હતો.
આઈસીયુ ગ્રેડના નથી આ વેન્ટિલેટર્સ
ગત મહિને RML હોસ્પિટલે શરૂઆતમાં આગવા વેન્ટિલેટરને રિજેક્ટ કર્યા હતા. તેના પછી આરોગ્ય મંત્રાલયે એ વેન્ટિલેટર્સને ફરી તપાસ માટે ડોક્ટરોની અલગ ટીમ પાસે મોકલ્યા હતા. બીજી ટીમે એ વેન્ટિલેટર્સ પાસ તો કર્યા પણ સાથે એમ પણ કહ્યું કે આ વેન્ટિલેટર્સ આઈસીયુ ગ્રેડના નથી અને આનો ત્યાં જ ઉપયોગ કરવો જોઈએ જ્યાં બીજા વેન્ટિલેટર્સ બેકઅપમાં હોય. ઉલ્લેખનીય છે કે ગુજરાત, હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી, મુંબઈ સહિત અનેક જગ્યાએ ડોક્ટર્સ આગવા વેન્ટિલેટર અંગે ફરિયાદ કરી ચૂક્યા છે.
કેન્દ્રએ આગવાને 10000 વેન્ટિલેટર્સનો ઓર્ડર આપ્યો હતો
કેન્દ્ર સરકારે આ જ વર્ષે માર્ચમાં આગવા હેલ્થકેરને 10000 વેન્ટિલેટર્સનો ઓર્ડર આપ્યો હતો. અનેક સ્થળે ડોક્ટરોએ એમ કહીને તેનો ઉપયોગ કરવાનો ઈનકાર કર્યો કે મશીન કામ કરતું બંધ થઈ જાય છે. અચાનક જો મશીન બંધ થઈ જાય તો દર્દીનું મોત પણ થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.