ઈન્ડિયન ક્રિકેટરોએ સોમવારે ઉજ્જૈનમાં મહાકાલેશ્વરનાં દર્શન કર્યા હતા. સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદર મહાકાલનાં ચરણોમાં શીશ ઝુકાવતાં ભસ્મ આરતીમાં સામેલ થયા હતા. તેમણે પંચામૃત અભિષેક સાથે મહાકાલનું પૂજન કર્યું હતુ. ત્રણેયે પોતાના સાથી ક્રિકેટર રિષભ પંતનું જલદીથી સાજા થવા માટે પ્રાર્થના કરી હતી.
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 24 જાન્યુઆરીએ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં વન-ડે મેચ રમાવાની છે. મેચ માટે બંને ટીમ ઈન્દોર પહોંચી ગઈ છે. ત્રણેય પ્લેયર ઈન્દોરથી જ ઉજ્જૈન ગયા હતા.
ભારતીય ખેલાડીઓએ મહાકાલનાં દર્શન કર્યા હતા, જુઓ તસવીરો...
નંદી હોલમાં સાથે બેઠેલા લોકો ઓળખી જ ન શક્યા
ખેલાડીઓએ ધોતી-સાલ પહેરીને મંદિરમાં જઈને ગર્ભગૃહમાં મહાકાલનો પંચામૃત અભિષેક કર્યો હતો. ઉજ્જૈનના સાંસદ અનિલ ફિરોજિયા પણ સાથે હતા. મહાકાલ મંદિરમાં ત્રણેય ક્રિકેટર સામાન્ય ભક્તોની જેમ જ ભસ્મ આરતીમાં સામેલ થયા હતા. તેઓ નંદી હોલમાં ભક્તોની વચ્ચે બેઠા હતા. આસપાસ બેઠેલા લોકો પણ તેમને ઓળખી શક્યા નહોતા. ત્રણેય ખેલાડીએ સામાન્ય ભક્તોની જેમ જ ગર્ભગૃહમાં દર્શન કર્યા હતા.
મહાકાલનાં દર્શન કર્યા બાદ સૂર્યકુમારે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મહાકાલનાં દર્શન કરીને ખૂબ જ સારું લાગે છે. અમે મહાકાલની આરતીમાં સામેલ થયા હતા. ભગવાન મહાકાલનાં દર્શન કરીને મનમાં શાંતિ અનુભવી રહ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રિષભ પંતના સાજા થવા માટે પ્રાર્થના કરી. તે સાજો થઈ જાય. બસ, આપણા બધા માટે આ જ જરૂરી છે.
30 ડિસેમ્બરે કાર અકસ્માતમાં પંત ઘાયલ થયો હતો
ઈન્ડિયન ટીમનો સ્ટાર ક્રિકેટર રિષભ પંત 30 ડિસેમ્બરે કાર અકસ્માતમાં પંત ઘાયલ થયો હતો. રૂડકી પાસે તેની કારનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં પંતને ગંભીર ઈજા થઈ હતી. તે દિલ્હીથી કારમાં રૂડકી જઈ રહ્યો હતો અને તે પોતે જ કાર ચલાવી રહ્યો હતો. મુંબઈમાં એક પ્રાઈવેટ હોસ્પિટલમાં પંતની સારવાર ચાલી રહી છે. શુક્રવારે તેના ઘૂંટણની સર્જરી કરવામાં આવી હતી. તેની રિકવરીમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.