• Gujarati News
  • National
  • Demanding A Stay On The Survey Order, The Court Said First We Will Look At The Files, Then We Will Take A Decision

જ્ઞાનવાપી મામલો:શનિવારથી શરૂ થનારા સરવે પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની માગ, કોર્ટે કહ્યું- પહેલા ફાઇલ જોઈશું

વારાણસી6 દિવસ પહેલા

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદના સર્વેનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. શનિવારથી શરૂ થનારા આ સર્વે પર રોક લગાવવાની માંગને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. તેમાં વારાણસી કોર્ટના એ આદેશને પડકારવામાં આવ્યો છે, જેમાં સમગ્ર પરિસરનો સર્વે અને વીડિયોગ્રાફી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા(CJI) એન વી રમનાએ આ અરજી પર કહ્યું છે કે તેઓ પહેલા ફાઈલ જોશે. પછીથી નિર્ણય લેશે. તેમણે આ મામલા સાથે સંકળાયેલા પુરાવા માંગ્યા છે.

સિનિયર એડવોકેટ હુજેફા અહમદીએ કહ્યું હતું કે આ મામલા પર તાત્કાલિક સુનાવણી કરવામાં આવે, કારણ કે જ્ઞાનવાપીનાં સરવે-વીડિયોગ્રાફીનો આદેશ આપ્યો છે. બીજી તરફ, CJIએ અરજીના પુરાવા માગ્યા છે અને કહ્યું છે કે અમે કાગળ જોયા પછી મામલાને જોઈશું.

આ ફોટો ગુરુવારનો છે. જ્ઞાનવાપી પર કોર્ટના ચુકાદા દરમિયાન અહીં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી.
આ ફોટો ગુરુવારનો છે. જ્ઞાનવાપી પર કોર્ટના ચુકાદા દરમિયાન અહીં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી.

આગામી સપ્તાહે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ શકે છે
CJI સમક્ષ એડવોકેટ હુજેફાએ કહ્યું હતું કે આજે વારાણસીની કોર્ટમાં ચુકાદા અંગેની કાર્યવાહી શરૂ થશે. આ કારણે આજે મામલાની તાત્કાલિક સુનાવણી કરવામાં આવે. ઓછામાં ઓછો યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપવામાં આવે. એ પછી CJI રમન્નાએ કહ્યું હતું કે હાલ અમે પેપર જોયાં નથી. પેપર જોયાં વગર કોઈપણ આદેશ આપી શકાય નહિ. સુપ્રીમ કોર્ટ આ મામલાની વધુ સુનાવણી આગામી સપ્તાહે કરી શકે છે.

પીસ પાર્ટી પણ કોર્ટમાં જશે
બીજી તરફ, પીસ પાર્ટીના પ્રવક્તા શાદાબ ચૌહાણે કહ્યું હતું કે અમે જ્ઞાનવાપી મસ્જિદ જેવા મામલામાં સુપ્રીમ કોર્ટમાં જઈશું. કેટલાંક અસામાજિક તત્ત્વ ષડયંત્ર રચીને જ્ઞાનવાપી મસ્જિદ, મથુરા જેવા મુદ્દાઓ દ્વારા નફરત ફેલાવીને પ્લેસિસ ઓફ વરશિપ એક્ટ-91ના ધજાગરા ઉડાવી રહ્યા છે. દેશને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. એની વિરુદ્ધ પીસ પાર્ટી સુપ્રીમ કોર્ટમાં લડાઈ લડશે.

8થી 11 વાગ્યા સુધી વીડિયોગ્રાફી થશે
શનિવારે સવારના 8થી 12 વાગ્યા સુધી સરવે અને વીડિયોગ્રાફી ચાલશે. એડવોકેટ કમિશનરે કોર્ટના આદેશ મુજબ કમિશનની કાર્યવાહીને 17 મે પહેલાં પૂરી કરવાની વાત કહી છે. કોર્ટે તેના આદેશમાં એ વાત લખી છે કે જ્ઞાનવાપીનો સંપૂર્ણ સરવે કરવામાં આવે અને આ અંગેનો રિપોર્ટ 17 મેના રોજ સોંપવામાં આવે. આ મામલાની વધુ સુનાવણી 17 મેના રોજ હાથ ધરાશે.

આ ફોટો સરવેના પ્રથમ દિવસ એટલે કે 7 મેનો છે. એ દિવસે સરવેને લઈને બબાલ થઈ હતી. પોલીસે લોકોને સમજાવીને મામલાને શાંત કર્યો હતો.
આ ફોટો સરવેના પ્રથમ દિવસ એટલે કે 7 મેનો છે. એ દિવસે સરવેને લઈને બબાલ થઈ હતી. પોલીસે લોકોને સમજાવીને મામલાને શાંત કર્યો હતો.

મુસ્લિમ પક્ષે હાઈકોર્ટ જવાની વાત કહી હતી
એક દિવસ પહેલાં જ એટલે કે 12 મેના રોજ જ્ઞાનવાપીમાં મુસ્લિમ પક્ષ અંજુમન ઈંતજામિયા મસ્જિદના વકીલ અભય નાથ યાદવે ભાસ્કર સાથેની વાતચીતમાં હાઈકોર્ટમાં જવાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે ચુકાદાને સંપૂર્ણ રીતે વાંચી લેવામાં આવ્યો છે. તમામ ટેક્નિકલ પોઈન્ટ્સ ક્લિયર છે. હાઈકોર્ટ આજ પછી બે દિવસ, એટલે કે શનિવાર-રવિવારે બંધ રહેશે. એવામાં શુક્રવારે કે પછી બે દિવસ પછી સોમવારે અરજી દાખલ કરવામાં આવી શકે છે. અમે ગમે ત્યારે હાઈકોર્ટનો દરવાજો ખખડાવી શકીએ છીએ.

બેઝમેન્ટ સહિત આખા પરિસરની વીડિયોગ્રાફી
જ્ઞાનવાપીમાં બેઝમેન્ટ અને શ્રૃંગાર ગૌરી મંદિર સહિત આખા પરિસરની વીડિયોગ્રાફી અને સરવે કરવામાં આવશે. એને લઈને મુસ્લિમ પક્ષે વાંધો વ્યક્ત કર્યો હતો. 6 અને 7 મેના રોજ થયેલા સરવે પછી કમિટીએ કોર્ટને કહ્યું હતું કે એડવોકેટ કમિશનર નિષ્પક્ષ નથી, આ કારણે એને હટાવવામાં આવે. બીજી માગણી એવી હતી કે જ્ઞાનવાપીમાં બેરિકેડિંગની અંદર બેઝમેન્ટની વીડિયોગ્રાફી અને સરવે ન કરવામાં આવે. સરવેમાં મસ્જિદની અંદર નહિ, પરંતુ શૃંગાર ગૌરીની પાસે વીડિયોગ્રાફી કરાવવાનો આદેશ છે. સરવે અટકી ગયો અને મામલો ફરીથી કોર્ટમાં પહોંચી ગયો.

અન્ય સમાચારો પણ છે...