ઉત્તરપ્રદેશમાં આગ્રામાં હાઈવે પર ગઈ મોડીરાત્રે LPGથી ભરેલું એક ટેન્કર પલટી ગયું હતું. ટેન્કરમાંથી ગેસ લીકેજ થઈ રહ્યો હતો. આ ઘટનાથી અડધો કિલોમીટર સુધીના વિસ્તારમાં ગેસની દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. આસપાસના વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. લોકો પોતાના ઘર છોડીને ભાગી રહ્યા હતા. પોલીસે મોરચો સંભાળીને વીજળી સપ્લાય બંધ કરાવી દીધો હતો. ત્યાર બાદ પોલીસ લોકોને માચિસ ન સગાવવા માટે જાહેરાત કરતી રહી હતી. 5 કલાક સુઘી હાઈવે પર ગેસ લીકેજ થતો રહ્યો હતો અને 6 કિમી સુધી લાંબો ટ્રાફિકજામ થયો હતો.
ઘટના રાત્રે લગભગ સાડાનવ વાગે બની હતી
એત્માદપુરના બરહાન ત્રણ રસ્તા પર બુધવારે રાત્રે મથુરાથી ફરુખાબાદ જઈ રહેલું એલપીજી ટેન્કર વીજપોલ સાથે અથડાઈને પલટી ગયું હતું. ટેન્કરમાં 20 હજાર લીટર એલપીજી હતો. ટેન્કર પલટી જવાનો જોરદાર અવાજ આવ્યો હતો. આજુબાજુના લોકો ઘરની બહાર આવી ગયા અને સ્થળ પર ભીડ જોવા મળી હતી.
લગભગ અડધા કિલોમીટર સુધી ફેલાતી ગેસની દુર્ગંધને કારણે નવી વસાહત અને અન્ય ગામોના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે લોકો ઘર છોડીને ચાલ્યા ગયા હતા.
વીજપુરવઠો બંધ કરવામાં આવ્યો હતો
એલપીજી ટેન્કર પલટી જવાની અને ગેસ લીકેજની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ ઘટના બાદ અફરા-તફરી મચી જતા આ વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડ પણ પહોંચી ગયું હતુ. ઘટના બાદ લગભગ એક કલાક સુધી ગેસ લીકેજને રોકવા માટે કોઈ પ્રયાસ કરાયો ન હતો. લીકેજને કેવી રીતે રોકવું તે સમજી શકાતું નહોતું. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ ચારે બાજુ ગેસની દુર્ગંધ વધતી જતી હતી.
સ્ટીયરિંગમાં ખામી સર્જાતાં દુર્ઘટના સર્જાઈ
ટેન્કરના ચાલક કરીન મુલ્લાએ જણાવ્યું હતુ કે મથુરા રિફાઈનરીથી ટેન્કર લઈને ફર્રુખાબાદ જઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક ટેન્કરનું સ્ટીયરિંગ ખરાબ થઈ ગયું હતુ. જેથી ટેન્કર થાંભલા સાથે અથડાઈને પલટી ગયું હતું. બાદમાં તેણે ઉચ્ચ અધિકારીઓને આ બાબતે જાણ કરી હતી.
6 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામ થયો
ટેન્કરમાંથી ગેસ લીકેજ થવાને કારણે પોલીસે હાઈવે પરની અવર-જવર અટકાવી દીધી હતી. આ કારણે બંને બાજુએ ઘણા કિલોમીટર સુધી ટ્રાફિકજામ થયો હતો. રાત્રે 12 વાગ્યા સુધી એત્માદપુરથી ટુંડલા સુધી જામ થયો હતો. જ્યારે, એત્માદપુરથી છલેસર સુધી વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી. પોલીસે રુટને ડાયવર્ટ કર્યો હતો, જેથી કુબેરપુર અને ખંદૌલી રોડ પર પણ ટ્રાફિકજામ થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.