તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનામાં રાઇટ ટૂ હેલ્થ:રાજકોટ આગકાંડ પછી દેશભરની સરકારોને સુપ્રીમનો આદેશ - 4 સપ્તાહમાં ફાયર NOC લો નહીં તો હોસ્પિટલો પર એક્શન

નવી દિલ્હી9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયર NOC ન લેનારી હોસ્પિટલો સામે રાજ્ય સરકાર કાર્યવાહી કરે

રાજકોટમાં કોરોના હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ સુપ્રીમકોર્ટે દેશની તમામ કોરોના હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અંગે માર્ગદર્શિકા જારી કરી છે. જસ્ટિસ અશોક ભૂષણના વડપણ હેઠળની બેન્ચે શુક્રવારે ચુકાદો સંભળાવતાં કહ્યું કે દેશની તમામ કોરોના હોસ્પિટલો ફાયર એનઓસી તત્કાળ મેળવી લે અને જો તેઓ 4 અઠવાડિયામાં ફાયર એનઓસી ન મેળવે તો જે-તે રાજ્ય સરકાર તેમની સામે કડક કાર્યવાહી કરે. તદુપરાંત, રાજ્ય સરકારો દરેક હોસ્પિટલમાં નોડલ ઓફિસર નીમે, જે આગથી હોસ્પિટલોની સુરક્ષા માટે જવાબદાર રહેશે. જે હોસ્પિટલોની ફાયર એનઓસી પૂરી થઇ ગઇ હોય તે રિન્યૂ કરાવી લે. તેમ નહીં કરનારી હોસ્પિટલો સામે કાર્યવાહી કરાશે. કોર્ટે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે પણ આદેશ જારી કર્યો કે તેઓ મહિનામાં એકવાર તમામ કોરોના હોસ્પિટલોનું ફાયર ઓડિટ જરૂર કરાવશે, જેમાં ફાયર સેફ્ટી સંબંધી પગલાંની તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરાશે.

ડૉક્ટર્સને બ્રેક અંગે સરકાર 2 દિવસમાં માહિતી આપશે
જસ્ટિસ એમ. આર. શાહે કેન્દ્ર સરકારને કોરોના હોસ્પિટલોમાં કાર્યરત ડૉક્ટર્સ અંગે ફરી પૂછ્યું. તેમણે સવાલ કર્યો કે બ્રેક અંગે કેન્દ્ર સરકારે શું કર્યું? કેન્દ્ર સરકાર એવું તંત્ર વિકસાવે કે જેમાં કામ કરતા ડૉક્ટર્સને તબક્કાવાર બ્રેક આપી શકાય. કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે સરકાર આ મુદ્દે વિચારી રહી છે અને 2 દિવસમાં આ સંદર્ભે કોર્ટમાં એફિડેવિટ દાખલ કરશે.

ચૂંટણી રેલીઓની જવાબદારી - ચૂંટણીપંચની બેન્ચે કહ્યું કે ચૂંટણી રેલીઓમાં કેન્દ્ર સરકાર દ્વારા જારી કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરાવવાની જવાબદારી ચૂંટણીપંચની રહેશે. નિર્દેશનો ભંગ કરનારા રાજકીય પક્ષો સામે કાર્યવાહીની પણ તેને સત્તા હશે.

કોરોના બાબતે સુપ્રીમ કોર્ટની 5 મહત્વપૂર્ણ ટિપ્પણીઓ

1. સારવાર સતત મોંઘી થતી જઇ રહી છે
સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ આર સુભાષ રેડ્ડી અને જસ્ટિસ એમ.આર.શાહની ખંડપીઠે ખુદ કોરોનાની સારવાર અને મૃતદેહો સાથે સન્માનજનક વ્યવહારનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ મામલે સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું, 'આ વાતમાં કોઈ શંકા હોઇ શકે નહીં કે કયા કારણે સારવાર મોંઘી થઈ રહી છે અને હવે તેનો ખર્ચ સામાન્ય માણસને પરવડી શકે તેમ નથી. જો કોઈ કોરોનાથી બચી રહ્યું છે, તો ઘણી વખત તે આર્થિક રીતે ખત્મ થઈ જઇ રહ્યો છે.'

2. હોસ્પિટલોમાં બેડ ખાલી રાખવાની વ્યવસ્થાનું કડક રીતે પાલન થાય
સુપ્રીમ કોર્ટે કહ્યું, 'રાજ્ય સરકારો અને સ્થાનિક વહીવટી તંત્રે ખાનગી હોસ્પિટલો દ્વારા લેવામાં આવતા ચાર્જની મર્યાદા નક્કી કરો. આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ થઈ શકે છે. જ્યારે પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ સૂચનાઓ આપવામાં આવે છે કે કોર્પોરેટ હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોએ 50% બેડ ફ્રી રાખવા પડશે, જેનું કડક પાલન કરવામાં આવે.

3. મહામારી જંગલની આગની જેમ ફેલાઇ રહી છે
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગાઈડલાઇન અને SOPs હોવા છતાં મહામારી જંગલની આગની જેમ ફેલાઇ રહી છે. દરેક રાજ્યોએ કેન્દ્ર સાથે મળીને સતર્કતા રાખીને કામ કરવું જોઈએ. હવે તે સમય છે, જ્યારે તમારે ઉભા રહેવું પડશે. કોઈપણ અન્ય વિચાર વિના લોકોની સલામતી અને આરોગ્ય જ પ્રાથમિકતા છે.

4. હોસ્પિટલોની સલામતી કોણ સુનિશ્ચિત કરશે
ગુજરાતમાં બે કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવાના કેસમાં કોર્ટે દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને દરેક કોવિડ હોસ્પિટલ માટે નોડલ અધિકારીની નિમણૂક કરવા જણાવ્યું હતું. જો આ નિમણૂકો કરવામાં નહી આવે, તો કોવિડ હોસ્પિટલોમાં સલામતીના તમામ પગલાઓ કોણ સુનિશ્ચિત કરશે.

5. મહિનામાં ઓછામાં ઓછું એક વખત હોસ્પિટલોની તપાસ થાય
સુપ્રીમ કોર્ટે કહ્યું કે દરેક જિલ્લામાં રાજ્ય સરકારે કોવિડ હોસ્પિટલોમાં ફાયર ઓડિટ કરવા માટે એક સમિતિની રચના કરવી જોઈએ. ભૂલો ટાળવા માટે આ કામ ઓછામાં ઓછું મહિનામાં એકવાર થવું જોઈએ જેથી ખામીઓ બાબતે હોસ્પિટલ એડમિનિસ્ટ્રેશનને જણાવવામાં આવે અને સરકારે તેનું ફોલો અપ લેવું જોઈએ. જે કોવિડ હોસ્પિટલોએ NOC લીધી નથી તેઓએ તાત્કાલિક તે માટે અરજી કરવી જોઈએ.