• Gujarati News
  • National
  • Supreme Court Refuses To Allow Mourning Processions On Moharram, Saying People Cannot Be Put At Risk In Koro Transition

મોહરમ નિમિતે જુલૂસ:સુપ્રીમ કોર્ટે મોહરમ નિમિતે માતમી જુલૂસ માટે મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો, કહ્યું- કોરોના સંક્રમણમાં લોકોને જોખમમાં નાંખી શકાય નહીં

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • અરજીકર્તાએ જગન્નાથ પુરીમાં રથયાત્રા કાઢવા જે મંજૂરી આપવામાં આવી તેની દલીલ રજૂ કરી હતી
  • કોર્ટે કહ્યું- ચોક્કસ સ્થળ વચ્ચે રથ ખેંચવાની વાત હતી, જોખમનો અગાઉથી અંદાજ હતો
  • જો જુલૂસ કાઢવાની મંજૂરી આપીશું તો એક સમુદાયને નિશાન બનાવવાની તક મળશે : સુપ્રીમકોર્ટ

સુપ્રીમકોર્ટે મોહરમના જુલૂસ કાઢવાની મજૂરી માગતી અરજી ગુરુવારે કોરોનાને જોતાં ફગાવી દીધી. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, જો જુલૂસ કાઢવાની મંજૂરી આપીશું તો અરાજકતા ફેલાશે. એવો આદેશ આપી શકાય નહીં, જેનાથી અસંખ્ય લોકોનાં આરોગ્યને જોખમ પેદા થઈ જાય. શિયા ધર્મગુરુ મૌલાના કલ્બે જવદે દેશભરમાં મોહરમના જુલૂસ કાઢવાની મંજૂરી માગતી અરજી કરી હતી. જેમાં પાંચ લોકોની સાથે જુલૂસ કાઢવાની મંજૂરી મગાઈ હતી.

ચીફ જસ્ટિસ બોબડે, જસ્ટિસ એેસ. બોપન્ના અને વી. રામાસુબ્રમણ્યમની બેન્ચે અરજીને ફગાવી દેતા કહ્યું કે, જો જુલૂસ કાઢવાની મંજૂરી આપીશું તો એક વિશેષ સમુદાયને કોરોના ફેલાવવાના નામે નિશાન બનાવાશે અને અરાજકતા ફેલાઈ શકે છે, જે અમે ઈચ્છતા નથી. સુપ્રીમે કહ્યું કે, તે એવો કોઈ આદેશ નહીં આપે જેનાથી મોટી સંખ્યામાં લોકોનાં આરોગ્યને જોખમ હોય.

પુનર્વિચાર અરજી પર રથયાત્રાની મંજૂરી આપી હતી
સુપ્રીમ કોર્ટે અગાઉ પુરી રથયાત્રાની મંજૂરી આપી ન હતી. ચીફ જસ્ટિસ બોબડેએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, ‘જો અમે તેની મંજૂરી આપીએ છીએ તો ભગવાન જગન્નાથ અમને માફ નહીં કરે. મહામારીના સમયે આવા આયોજન થઈ શકે નહીં.’ જોકે, ત્યાર પછી પુનર્વિચાર અરજી દાખળ થયા પછી સુપ્રીમે આકરી શરતો સાથે યાત્રાની મંજૂરી આપી હતી.

અરજીકર્તાએ જગન્નાથ પુરી રથયાત્રાનો હવાલો આપ્યો
અરજીકર્તાના વકીલે જગન્નાથ પુરીની યાત્રાને મંજૂરી આપવાનો ઉલ્લેખ કર્યો તો બેન્ચે કહ્યું કે, તમે સમગ્ર દેશમાં મંજૂરી માગી રહ્યા છો. જગન્નાથપુરી યાત્રા એક ખાસ સ્થાને યોજાય છે, જ્યાં રથ એક સ્થાનથી બીજા સ્થાને જાય છે. જો કોઈ એક જગ્યાની વાત હોત તો અમે જોખમનો અંદાજ લગાવીને આદેશ આપી શકતા હતા. મોહરમના જુલૂસ માટે કોઈ સ્પષ્ટ સ્થાન હોતું નથી, જ્યાં પ્રતિબંધ કે સાવચેતી રાખી શકાય.

કોર્ટ રૂમ લાઈવ: પુરી રથયાત્રામાં એક્સેસ પોઈન્ટ નક્કી હતા : CJI

  • વાસી હૈદર : કોર્ટે પુરીમાં રથયાત્રા કાઢવાની મંજૂરી આપી છે?
  • કોર્ટ : એ અલગ કેસ છે. પુરી રથયાત્રામાં એક્સેસ પોઈન્ટ પહેલેથી નક્કી હતા. તમે સમગ્ર દેશ માટે મંજૂરી માંગી રહ્યા છો. પુરી યાત્રા ખાસ જગ્યાએ થાય છે. રથ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. કોઈ એક જગ્યાની વાત હોત તો અમે જોખમનું આકલન કરી આદેશ આપી શકતા હતા. મોહરમના જુલૂસ માટે કોઈ સ્પષ્ટ સ્થળ હોતું નથી કે જ્યાંથી સાવધાની રાખી શકાય.
  • વાસી હૈદર : સુપ્રીમકોર્ટે મુંબઈના દાદર અને ભાયખલ્લામાં પર્યુષણ પર્વ દરમ્યાન પસંદગીના જૈન મંદિર ખોલવાની મંજૂરી આપી હતી?
  • કોર્ટ : તે પૂજા સુધી સીમિત હતું. જૈન મંદિર એવું સ્થાન છે જ્યાં આવવા-જવાના રસ્તાની ઓળખ થઈ શકે છે. એ તમામ સીમિત પ્રાર્થના માટે હતું. અમે તમિલનાડુમાં ગણેશોત્સવની મંજૂરી આપી નથી.
  • વાસી હૈદર : લખનઉમાં મોહરમ જુલૂસ કાઢવાની મંજૂરી આપવામાં આવે. શિયા સમુદાયનો મોટો હિસ્સો ત્યાં રહે છે.
  • કોર્ટ : અમે મંજૂરી આપી શકીએ નહીં. તેની મંજૂરી માટે તમે અલ્હાબાદ હાઈકોર્ટમાં જાવ. આ સ્થાનિક મામલો છે. તમે અહીં આખા દેશ માટે મંજૂરીની માંગ કરી હતી.

જો ગણપતિ ઉત્સવ જેવા માપદંડ હોય તો મુહર્રમ માટે ઈનકાર નહીં : બોમ્બે હાઈકોર્ટ
આ બાજુ બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારને મોહરમ જુલૂસ સંબંધમાં ગાઈડલાઈન્સ અંગે મુસ્લિમ સંગઠનોની વાત સાંભળવા કહ્યું છે. ઓલ ઈન્ડિયા ઈદારા-એ-તહાફુઝ-એ-હુસેનિયતે હાઈકોર્ટમાં મોહરમના સાંકેતિક જુલૂસની મંજૂરી અંગે અરજી કરી છે. આ અગાઉ રાજ્ય સરકારે મોહરમ જુલૂસ પર પ્રતિબંધ લગાવતા ઘરમાં જ તેને મનાવવાની ગાઈડલાઈન બહાર પાડી હતી. તેના અંગે મુસ્લિમ સંગઠને કહ્યું હતું કે, જો ગણપતિ પ્રતિમા વિસર્જન માટે આરોગ્ય માપદંડો સાથે મંજૂરી આપી શકાય છે તો, મોહરમ માટે પણ આપવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...