સુપ્રીમકોર્ટે કોવિડ વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલની અરજી અંગે કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સહિત અન્યોને નોટિસ આપી છે. અરજીમાં જણાવાયું છે કે કોવિડ રસીના ક્લિનિકલ ટ્રાયલના ડેટા જાહેર કરવામાં આવે. દેશમાં કરોડો લોકોને રસી અપાઈ ચૂકી છે. એવામાં ક્લિનિકલ ટ્રાયલના પરિણામ જાણવા અત્યંત જરૂરી છે.
જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ અને અનિરુદ્ધ બોઝની બેન્ચે આ અરજી અંગે કેન્દ્ર તથા અન્યને 4 સપ્તાહમાં જવાબ આપવા જણાવાયું છે. સુનાવણી દરમિયાન બેન્ચે દેશમાં રસી લેવા માટે આનાકાની કરતા અરજી કરનાર તરફથી હાજર રહેલા વકીલ પ્રશાંત ભૂષણને પૂછ્યું હતું કે શું આ અરજી અંગે વિચાર કરવાથી નાગરિકોના મનમાં શંકા પેદા નહીં થાય? આ અંગે ભૂષણે કહ્યું કે આ અરજી ન તો એન્ટી વેક્સિન છે કે ન તો કોવિડ રસીકરણ રોકવાની માંગ કરી રહી છે.
આ મુદ્દે પારદર્શકતા જરૂરી છે. ડેટા જાહેર કરવાથી તમામ શંકા દૂર થઈ જશે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે એવો બિલકુલ સંકેત જવો જોઈએ નહીં કે અમે વેક્સિન પર વિશ્વાસ કરતા નથી. અરજી કરનારે દાવો કર્યો હતો કે સરકાર આંતરરાષ્ટ્રીય ચિકિત્સા માપદંડ અનુસાર ડેટા જાહેર કરે તે અનિવાર્ય અને આવશ્યક છે.
ઓક્સિજન અંગે રચાયેલા ટાસ્ક ફોર્સની ભલામણ મુજબ લેવાયેલાં પગલાંની માહિતી આપો...
સુપ્રીમકોર્ટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓક્સિજનના ફાળવણી અંગે રચાયેલા નેશનલ ટાસ્ક ફોર્સની ભલામણ મુજબ કરાયેલી કાર્યવાહીનો રિપોર્ટ માંગ્યો છે. આ માટે બે સપ્તાહનો સમય અપાયો છે. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ અને જસ્ટિસ એમ.આર. શાહની બેન્ચે કહ્યું કે આ ટાસ્ક ફોર્સમાં દેશના વરિષ્ઠ ડૉક્ટર અને વિશેષજ્ઞ સામેલ હતા. આથી કેન્દ્રએ નિશ્ચિત કરવું પડશે કે વર્તમાન અને ભવિષ્યમાં કોઈ કટોકટીની સ્થિતિના ઉકેલ માટે આ ભલામણો લાગુ કરવામાં આવે અને તે માટે જરૂરી પગલાં ભરવામાં આવે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.