• Gujarati News
  • National
  • Supreme Court Knocks Out Central Government For O2, But Ministers Are Busy Thanking PM Modi On Oxygen Issue

અભિનંદન કે ડેમેજ કંટ્રોલ?:સુપ્રીમ કોર્ટે O2 માટે કેન્દ્ર સરકારને ખખડાવી પણ મંત્રીઓ ઓક્સિજન મુદ્દે પીએમ મોદીનો આભાર માનવામાં વ્યસ્ત

5 મહિનો પહેલા
  • સુપ્રીમ કોર્ટે નવી દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાઈ અંગે મોદી સરકારને પ્લાન સબમિટ કરવા આદેશ આપ્યો છે
  • સોશિયલ મીડિયામાં લોકો ઓક્સિજન, મેડિકલ સહાય માટે પોકાર કરી રહ્યા છે
  • કોવિડ-19ની ઘાતક બીજી લહેરની સ્થિતિમાં મંત્રીઓની આ કૃતજ્ઞતા છે કે ડેમેજ કંટ્રોલ?

ગત વર્ષે જ્યારે કોરોના વાયરસે ભારતમાં દેખા દીધી ત્યારથી અત્યાર સુધીમાં આ મહામારીએ દેશમાં બે લાખથી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. તેનાથી વિશેષ આજે સ્થિતિ એવી છે કે કોરોના વાયરસની બીજી લહેર એવી ઘાતક સાબિત થઈ કે છેલ્લા એક મહિનામાં જ કોરોનાથી 48000થી વધુ લોકોનાં મોત થયા. જ્યારે છેલ્લા 24 કલાકમાં જ 3000થી વધુ લોકો મોતને ભેટ્યા છે.

કોવિડ-19ની બીજી લહેરનો કહેર એવો વરસ્યો છે કે દેશનું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પડી ભાંગ્યું છે.
કોવિડ-19ની બીજી લહેરનો કહેર એવો વરસ્યો છે કે દેશનું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પડી ભાંગ્યું છે.

હાલમાં જે દર્દીઓનાં મોત થયા છે તેમાંના મોટાભાગના એવા દર્દીઓ હતા કે જેઓને કાં તો હોસ્પિટલોમાં બેડની સુવિધા ન મળી અથવા તો પ્રાણવાયુ (ઓક્સિજન) પામી ન શક્યા. કોવિડ-19ની બીજી લહેરનો કહેર એવો વરસ્યો છે કે દેશનું હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પડી ભાંગ્યું છે. આ સ્થિતિમાં સરકાર શું કરી રહી છે એવો સવાલ સૌના દિમાગને ચકરાવે ચઢાવે છે પણ કેન્દ્ર સરકારના મંત્રીઓનું વલણ સદંતર અલગ જ જોવા મળી રહ્યું છે.

લોકો હાલ ઓક્સિજન માટે ટટળીને મરી રહ્યા છે એટલું જ નહીં સુપ્રીમ કોર્ટ પણ મોદી સરકારને ઓક્સિજન સપ્લાઈ અંગેનો પ્લાન સબમિટ કરવા આદેશ આપી રહી છે ત્યારે કેન્દ્રીય મંત્રીઓ સતત ટ્વીટર પર ઓક્સિજન અને રાશન જેવા મુદ્દે પીએમ મોદીના નેતૃત્વની વાહવાહી કરીને તેમને અભિનંદન આપી રહ્યા છે.

ટ્વીટર પર પીએમ મોદી પ્રત્યે ઓક્સિજન મુદ્દે સતત આભારવશ રહેલા કેન્દ્રીય મંત્રીઓ
એકતરફ સોશિયલ મીડિયા પર જ્યાં જૂઓ ત્યાં કોવિડ-19ના દર્દીઓના પરિવારજનો, સ્નેહીઓ કે સેવાભાવીઓ દ્વારા ઓક્સિજન કે અન્ય મેડિકલ સહાય માટે પોકાર કરવામાં આવી રહ્યો છે ત્યારે પણ પીએમ મોદીની કેબિનેટના સભ્યો છેલ્લા બે સપ્તાહથી ઓક્સિજનના મુદ્દે સતત પીએમ મોદીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રીઓ ક્યારેક ઓક્સિજન સપ્લાઈ અંગે તો ક્યારેક રસીકરણ અભિયાન માટે પીએમ મોદીનો આભાર માની રહ્યા છે. આવું એવા સમયે બની રહ્યું છે જ્યારે દેશભરની હોસ્પિટલોમાં કોવિડ-19ના દર્દીઓ માટે ઓક્સિજનની અછત જોવા મળી રહી છે અને વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કરાયું એ દેશમાં હાલ રસી ખૂટી પડી છે. કેન્દ્રીય મંત્રીઓ દ્વારા પીએમ મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા આ તમામ ટ્વીટ્સ લગભગ એક જ ઢબે લખાયેલા જોવા મળે છે. કેન્દ્રીય મંત્રીઓએ 20 એપ્રિલ એટલે કે છેલ્લે જ્યારે પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ એ દિવસથી ટ્વીટ કરવાનું શરૂ કર્યુ છે.

શું લખ્યું છે કેન્દ્રીય મંત્રીઓએ ટ્વીટ્સમાં?

કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ ‘નિઃશંક’એ પીએમ મોદીનો કોવિડ-19 સામેની લડાઈ માટે મેડિકલ પર્સોનેલની ઉપલબ્ધતા વધારવા મહત્વના નિર્ણયો લેવા અંગે આભાર માનતું ટ્વીટ કર્યુ છે. તેમણે 3 મેના રોજ પીએમ મોદીનો આભાર માન્યો તેના એક સપ્તાહ અગાઉ જ તેમણે પીએમ કેર્સ ફંડમાંથી દેશભરની 551 જિલ્લા હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માટે સ્વીકૃતિ પ્રદાન કરવા માટે પીએમ મોદીનો આભાર માન્યો છે. પીએમ મોદી પ્રત્યે આ રીતે કૃતજ્ઞતા દર્શાવવાની શરૂઆત ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ટ્વીટ કરીને થઈ તેના પછી અન્ય કેન્દ્રીય મંત્રીઓ પણ આ સફરમાં એક પછી એક જોડાતા ગયા. અમિત શાહે દેશમાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ સ્થાપવા ફંડની ફાળવણી માટે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો છે.

કેન્દ્રીય કૌશલ્ય વિકાસ મંત્રી મહેન્દ્ર નાથ પાંડે તેમજ મિનિસ્ટર ઓફ ફિશરીઝ એન્ડ એનિમલ હસબન્ડરી ગિરિરાજ સિંહે પણ ટ્વીટ કરીને પીએમ મોદીનો આ જ વાત માટે આભાર માન્યો હતો.

એવી જ રીતે જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ઓક્સિજન સંકટને ખાળવા બદલ પીએમો મોદીનો આભાર માન્યો હતો અને 551 પીએસએ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ સ્થાપિત કરવા નાણાંની ફાળવણી માટે ખુશી વ્યક્ત કરી હતી.

25 એપ્રિલથી 28 એપ્રિલ એમ ત્રણ જ દિવસના ગાળામાં ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પણ એટલા ગદગદિત થયા કે તેમણે 551 પીએસએ ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ માટે અને તેના પછી 1 લાખ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સના પ્રોકરમેન્ટને મંજૂરી આપવા અંગે પીએમ મોદીને થેંક્સ કહી દીધું.

ગુજરાત, કર્ણાટક સહિત દેશના અનેક હિસ્સાઓમાં ઓક્સિજનના અભાવે કોવિડ-19 દર્દીઓનાં મોત થયાના ભયાનક અહેવાલો પણ કેન્દ્રીય સંસદીય મામલાઓનાં મંત્રી પ્રહલાદ જોશીના પીએમ મોદીનો આભાર માનવાના ઉત્સાહને ખાળી શક્યા નહોતા. તેમણે પણ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ માટે ટ્વીટથી આભાર માન્યો હતો. તેમણે આ ઉપરાંત કર્ણાટકમાં રેમડેસિવીર અને ઓક્સિજન અંગે પણ વડાપ્રધાનને ટ્વીટ કરીને થેંક્સ કહ્યું હતું.

ભાજપાના ફાયરબ્રાન્ડ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે એક કદમ આગળ વધીને ભારતમાં કોવિડ-19ની સ્થિતિનું નબળું સંચાલન કરવાના પીએમ મોદી પર આક્ષેપો થઈ રહ્યા છે તેનો પણ ઉલ્લેખ કરી નાખ્યો અને ટ્વીટ કર્યુ કે જ્યારે સમગ્ર વિશ્વ સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે મોદીજી અસહયોગ, જુઠાણા, અવાસ્તવિક ભય અને કોરોના સામે ભારતનું નેતૃત્વ કરી રહ્યા છે, આપણે આ લડાઈમાં જરૂર જીતીશું.

પીએમના એક મંત્રી ટ્વીટથી આભાર માને તો બીજા મંત્રીઓ ચોક્કસ તેને રિટ્વીટ કરે આ કેબિનેટ મંત્રીઓમાંથી મોટાભાગના મંત્રીઓએ એકબીજાની ટ્વીટર પોસ્ટને રિટ્વીટ પણ કરી છે. ખાસ કરીને એવા ટ્વીટ્સ કે જેમાં વડાપ્રધાન મોદીનો આભાર માનવામાં આવ્યો હોય. એક મંત્રીએ પીએમ મોદીનો કોઈ વાત માટે આભાર માનતું ટ્વીટ કર્યુ હોય તો અન્ય કેન્દ્રીય મંત્રીઓ દ્વારા તેને ચોક્કસ રિટ્વીટ કરવામાં આવ્યું હોય છે.

રાશનના મુદ્દે પણ મોદીનો આભાર માન્યો
અનેક કેબિનેટ મંત્રીઓએ ભારતમાં 80 કરોડ લોકોને પ્રતિ માસ 5 કિલો અનાજ મફત આપવાના પીએ મોદીના નિર્ણયને બિરદાવતા ટ્વીટ કર્યા છે. રસપ્રદ એ છે કે કોવિડ-19 સંબંધિત કાર્યની વાત હોય કે મફત રાશનની વાત હોય પણ આ મંત્રીઓએ જે ટ્વીટ કર્યા છે એ એક જ ઢબે લખેલા ટ્વીટ્સ હોય છે. અનેક મંત્રીઓનાં ટ્વીટ્સમાં સમાન શબ્દો મોટાભાગે જોવા મળ્યા છે.

કોવિડ-19 મહામારીમાં નબળા મેનેજમેન્ટ માટે જેમના પર સોશિયલ મીડિયામાં માછલાં ધોવાય છે એવા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ પણ પીએમ મોદીનો આભાર માનવાની તક છોડી નથી. તેમણે મફત રાશનની વાત માટે વડાપ્રધાન મોદીનો આભાર માનતું ટ્વીટ કર્યુ હતું અને તેમને ચેમ્પિયન ઓફ ધ પૂઅરનું બિરૂદ પણ આપ્યું હતું.

આવી જ રીતે અન્ય કેન્દ્રીય મંત્રીઓ જેમકે મુખ્તાર અબ્બાસ નક્વી, અમિત શાહ, ડો. મહેન્દ્ર નાથ પાંડે, ધર્મેન્દ્ર પ્રધાન, થાવરચંદ ગહેલોત, સ્મૃતિ ઈરાની, રવિશંકર પ્રસાદ, રાજનાથ સિંહ પણ ટ્વીટની આ સફરમાં સામેલ રહ્યા છે.

રસી ભલે ખૂટી ગઈ પણ આભાર તો માનવાનો જ

અત્યારે સ્થિતિ એ છે કે અનેક રાજ્યોમાં રસી ઉપલબ્ધ નથી.
અત્યારે સ્થિતિ એ છે કે અનેક રાજ્યોમાં રસી ઉપલબ્ધ નથી.

ભારત એક સમયે દુનિયાભરને રસી આપવાની વાત કરતું હતું અને દેશમાં દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કરાયું પણ અત્યારે સ્થિતિ એ છે કે અનેક રાજ્યોમાં રસી ઉપલબ્ધ નથી. 1 મેથી 18 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવાની ઘોષણા થઈ પરંતુ રસી ખૂટી જતા 45 કે તેથી વધુ વયના લોકોને પણ રસી મળતી અનેક સ્થળે બંધ થઈ ગઈ. કેમકે સ્ટોક નથી. જો કે કેન્દ્રીય મંત્રીઓએ આ વાત પર ધ્યાન આપવાને બદલે પીએમ મોદીને થેંક્સ કહેવાને વધુ મહત્વ આપ્યું હતું.

કદાચ આ કેન્દ્રીય મંત્રીઓ ટ્વીટ દ્વારા રસીની વાસ્તવિક સ્થિતિ શું છે, કેટલા સમયમાં રસી ફરી ઉપલબ્ધ થઈ જશે એ પ્રકારના માહિતીસભર ટ્વીટ કરી શક્યા હોત પણ એમને એ કદાચ મુનાસિબ ન લાગ્યું.

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ આ સ્થિતિમાં પણ 18 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવાની મંજૂરી આપતા પીએમના નિર્ણયને ટ્વીટ કરીને બિરદાવ્યો હતો તો એ જ દિવસે અન્ય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે એવું જ ટ્વીટ કર્યુ હતું.