ઉત્તરાખંડની નૈનીતાલ હાઈકોર્ટે હલ્દવાનીમાં રેલવેની 29 એકર જમીન પર થયેલા ગેરકાયદે દબાણને તોડી પાડવાનો આદેશ આપ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ સરકારને કહ્યું હતું કે ઘણા લોકો ત્યાં લાંબા સમયથી રહે છે. તેમના પુનર્વસન માટે વ્યવસ્થા કરવી જોઈએ. તમે તેમને 7 દિવસમાં કેવી રીતે જવા માટે કહી શકો? સાથે એમ પણ કહ્યું હતું કે સરકારે થોડોક માનવીય અભિગમ અપનાવવો જોઈએ અને પહેલા મોટી સંખ્યામાં વસતા લોકોનો પુનર્વસવાટ કરો, પછી દબાણ દૂર કરો. હાલમાં દબાણ દૂર કરવા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો છે. આ નિર્ણયથી 4 હજાર પરિવારને રાહત મળી છે. અહીં બુધવારે કેટલાક લોકોએ નૈનીતાલ હાઈકોર્ટના નિર્ણયનો વિરોધ કર્યો અને સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા. અરજદારો વતી કોંગ્રેસનેતા સલમાન ખુર્શીદ કેસ લડે છે.
સૌથી પહેલા આખો ઈસ્યુ સમજીએ...
વાસ્તવમાં ઉત્તરાખંડમાં હલ્દવાનીના બનભૂલપુરા વિસ્તારમાં રેલવે પાસે 29 એકર જમીન છે. ઘણાં વર્ષો પહેલાં આ જમીન પર કેટલાક લોકોએ કાચાં મકાનો બનાવ્યાં હતાં. ધીરે ધીરે અહીં પાકાં મકાનો બની ગયાં અને પછી તો વસાહત બની ગઈ. નૈનીતાલ હાઈકોર્ટે આ વસાહતોમાં રહેતા લોકોને જગ્યા ખાલી કરવાનો આદેશ આપ્યો હતો.
રેલવેએ અખબારો દ્વારા નોટિસ જારી કરીને દબાણ કરનારાઓને એક સપ્તાહની અંદર એટલે કે 9 જાન્યુઆરી સુધીમાં જગ્યા ખાલી કરવા તાકીદ કરી છે. રેલવે અને જિલ્લા વહીવટીતંત્રે ચેતવણી પણ આપી છે કે જો જગ્યા ખાલી નહીં કરો તો મકાનો તોડી પાડવામાં આવશે. લોકો હવે પોતાના ઘર બચાવવા માટે વિરોધપ્રદર્શન કરી રહ્યા છે.
4 હજારથી વધુ ઘરોમાં મોટા ભાગના મુસ્લિમો
હલ્દવાનીના બનભૂલપુરામાં 4 હજારથી વધુ પરિવારો રહે છે. તેમાંથી મોટા ભાગના મુસ્લિમ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આઝાદી પહેલાં આ જગ્યાએ બગીચા, લાકડાંનાં ગોદામ અને કારખાનાં હતાં. ઉત્તર પ્રદેશના રામપુર, મુરાદાબાદ અને બરેલીના લઘુમતી સમુદાયના લોકો આમાં કામ કરતા હતા. ધીરે ધીરે તેઓ અહીં સ્થાયી થયા અને 29 એકર રેલવેની જમીન પર દબાણ કરીને રહેવા લાગ્યા.
હલ્દવાની રેલવે સ્ટેશનની આસપાસનો આ વિસ્તાર 2 કિલોમીટરથી વધુ એરિયાને કવર કરે છે. આ વિસ્તારો ગફુર બસતિ, ઢોલક બસતિ અને ઈન્દિરા નગરના નામથી ઓળખાય છે. અહીંના અડધા પરિવારો જમીનના લીઝ પર દાવો કરી રહ્યા છે. આ વિસ્તારમાં 4 સરકારી શાળા, 11 ખાનગી શાળા, એક બેંક, બે ઓવરહેડ પાણીની ટાંકી, 10 મસ્જિદ અને ચાર મંદિર છે.
રેલવે અને સ્થાનિક વહીવટીતંત્રનું શું કહેવું છે
રેલવેની જમીન પર આટલા મોટા પાયે બાંધકામની પરવાનગી કેવી રીતે આપવામાં આવી? આ અંગે રેલવે બોર્ડના અધિકારી વિવેક ગુપ્તાએ કહ્યું- રેલવેલાઈનની આસપાસ દબાણ થવું એ દેશવ્યાપી સમસ્યા છે. રેલવેની જમીન પર દબાણનો આ મામલો 2013માં કોર્ટમાં પહોંચ્યો હતો. એ સમયે નજીકમાં નદીમાંથી ખનન થાય છે, મૂળ પિટિશન તો એની કરવામાં આવી હતી, એમાંથી આ મુદ્દો ઊખડ્યો.
જિલ્લા મેજિસ્ટ્રેટ ધીરજ ગબ્રયાલે કહ્યું હતું કે લોકો અહીં રેલવેની જમીન પર રહે છે. તેમને દૂર કરવા પડશે. તૈયારી ચાલી રહી છે. અમે વધારાના સુરક્ષા દળોની માગણી કરી છે. ટૂંક સમયમાં ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવશે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે તેમની સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સન્માન કરશે. પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રનું કહેવું છે કે તેઓ હાઈકોર્ટના આદેશનું પાલન કરી રહ્યા છે.
સ્થાનિક લોકો દ્વારા કેન્ડલ માર્ચ અને ધરણાં
વહીવટીતંત્રે અને રેલવેએ સાથે મળીને જમીનનું નિરીક્ષણ કર્યું. એ જ રાત્રે અહીં રહેતા લોકોએ વિશાળ કેન્ડલ માર્ચ કાઢીને ધરણાં કર્યા. અહીંની એક મસ્જિદમાં સંખ્યાબંધ લોકોએ સમૂહ નમાઝ ઇજ્તેમાઈ દુઆ અદા કરી હતી. મસ્જિદ ઉમરના ઇમામ, મૌલાના મુકિમ કાસમીએ કહ્યું હતું કે લોકોએ સમાધાન માટે સામૂહિક રીતે દુઆ અદા કરી.
કેટલાક લોકો રડતા પણ જોવા મળ્યા. દેખાવકારોમાંથી એક 70 વર્ષીય ખૈરુનિસાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું, “હું અહીં આજે છું. કાલથી નહીં હોઉં. મને મારાં સંતાનો અને પૌત્રોની ચિંતા છે. શું આ જમીન પર મકાનો, શાળાઓ અને હોસ્પિટલો બન્યા પછી જ રેલવે જાગ્યું?
પ્રદર્શનની સરખામણી દિલ્હીના શાહીનબાગ સાથે
અહીં સ્થાયી થયેલા લોકોએ દબાણો દૂર કરવાના આદેશ સામે આંદોલન શરૂ કર્યું છે. અહીં મહિલાઓ અને બાળકો ધરણાં પર બેઠાં છે. એટલા માટે આ આંદોલનની સરખામણી દિલ્હીના શાહીનબાગના વિરોધ સાથે કરવામાં આવી રહી છે, જે CAA વિરુદ્ધ મુસ્લિમ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
હાઇકોર્ટે પોતાના આદેશમાં શું કહ્યું હતું
હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે દબાણ થયેલો વિસ્તાર રેલવેની મિલકત છે. 176 પાનાંના આદેશમાં કોર્ટે કબજેદારોની દલીલને નકારી કાઢી હતી કે તેઓ જે દાવો કરે છે કે આ નઝૂલની જમીન છે, પણ હકીકતમાં એવું નથી. આ જગ્યા રેલવેની જ છે.
સલમાન ખુર્શીદ સુપ્રીમ કોર્ટમાં કેસ લડશે
વરિષ્ઠ વકીલ સલમાન ખુર્શીદ વતી સુપ્રીમ કોર્ટમાં હલ્દવાનીના શરાફત ખાન સહિત 11 લોકોની અરજી 2 જાન્યઆરીએ દાખલ કરવામાં આવી હતી. કોર્ટે 5 જાન્યુઆરીએ સુનાવણી કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પર વહીવટીતંત્રની આગળની કાર્યવાહીનો આધાર રહેશે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ એસએ નઝીર અને પીએસ નરસિમ્હાની બેંચે કહ્યું હતું કે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે પણ આ મામલે સુપ્રીમ કોર્ટમાં ઔપચારિક ઉલ્લેખ કર્યા પછી 5 જાન્યુઆરીએ સુનાવણી થશે.
સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં મળે તો 10થી બુલડોઝર ફરી વળશે
હાઈકોર્ટના નિર્ણય સામે આ પ્રકરણ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું છે. હલ્દવાનીના રહેવાસી કોંગ્રેસનેતા શરાફત ખાને આ મામલે અરજી દાખલ કરી છે. હાઈકોર્ટના આદેશ મુજબ, એક અઠવાડિયા પછી દબાણ હટાવવાનું શરૂ થશે. જો સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ રાહત નહીં મળે તો હાઈકોર્ટના આદેશ મુજબ વહીવટીતંત્ર 10 જાન્યુઆરીથી દબાણો હટાવવાનું શરૂ કરશે.
આ પ્રકરણમાં નેતાઓ પણ કૂદ્યા...
ઓવૈસીએ કહ્યું- છત છીનવી લેવી એ કઈ માનવતા છે?
AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ દેખાવકારોનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું- માનવતાના આધારે ઉત્તરાખંડ, હલ્દવાનીના લોકોની મદદ કરવી જોઈએ અને તેમને ત્યાંથી બહાર ન કાઢવા જોઈએ. આ લોકો પાસેથી છત છીનવી લેવી એ કઈ માનવતા છે?
માયાવતીએ કહ્યું- સરકારનું કામ લોકોને સેટલ કરવાનું છે
બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું હતું કે ઉત્તરાખંડ રાજ્યના હલ્દવાનીમાં દબાણ હટાવવાના નામે હજારો ગરીબ અને મુસ્લિમ પરિવારોને બરબાદ કરવાનું અમાનવીય કૃત્ય ખૂબ જ દુઃખદ છે. સરકારનું કામ લોકોને વસાવવાનું છે, તેમને બરબાદ કરવાનું નથી. સરકારે આ મામલે સકારાત્મક પગલાં લેવા જોઈએ, આ બસપાની આ માગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.