પરીક્ષા સંદર્ભે કોર્ટનો મોટો ચુકાદો:સુપ્રીમ કોર્ટે NEET-JEE પરીક્ષાના આયોજનને લીલી ઝંડી આપી, કહ્યું- વર્ષ બગાડી ન શકાય

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • JEE Mains 1થી 6 સપ્ટેમ્બરે યોજાશે, જ્યારે NEETનું આયોજન 13 સપ્ટેમ્બરે કરવામાં આવશે
  • આ વખતે બંને પરીક્ષાઓ માટે 20 લાખથી વધુ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે

સુપ્રીમ કોર્ટે સોમવારે એક મોટો ચુકાદો આપતા NEET અને JEE Mains 2020 પ્રવેશ પરીક્ષાઓને ટાળવાની અરજીને ફગાવી દીધી છે. આ કારણે હવે JEE Mains 2020નું આયોજન 1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર, જ્યારે NEET 2020નું આયોજન 13 સપ્ટેમ્બરથી નક્કી શેડ્યુલ મુજબ થશે.

જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની બેન્ચે આ મામલાનો ચુકાદો સંભળાવતા કહ્યું કે જિંદગીને આ રીતે રોકી ન શકાય. આપણે સુરક્ષાના ઉપાયોની સાથે આગળ વધવું પડશે, સ્ટુડન્ટ્સના ભવિષ્યને દાવ પર ન લગાવી શકાય. કોર્ટે અરજદાર સ્ટુડન્ટ્સને એ પણ પુછ્યું કે શું તમે પરીક્ષાઓને રદ કરાવીને તમારું એક વર્ષ બરબાદ કરવા માંગો છો ?

કોર્ટ રૂમમાં શું થયું
પરીક્ષાઓના વિરોધમાં દલીલઃ સ્ટુડન્ટ્સ તરફથી રજૂઆત કરતા એડવોકેટ અલખ અાલોક શ્રીવાસ્તવે ખંડપીઠને કોરોનાના કારણે દેશમાં સર્જાયેલી સ્થિતિની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે CBSE, ICSE અને AIBEનો જો મુલત્વી રાખી શકાય છે તો JEE અને NEETને શાં માટે ટાળી ન શકાય. તેમણે કહ્યું કે અમે આ પરીક્ષાઓને અનિશ્ચિત સમય સુધી ટાળવાની માંગણી કરી રહ્યાં નથી પરંતુ હાલની સ્થિતિમાં પરીક્ષાઓ મુલત્વી રાખવી તે એકમાત્ર વિકલ્પ છે.

પરીક્ષાના પક્ષમાં દલીલઃ અરજીના વિરોધમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી તરફથી રજૂઆત કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે જો નક્કી કરાયેલા શિડ્યુલ મુજબ પરીક્ષાઓ લેવાય છે તો અમારા તરફથી તમામ સુરક્ષાના ઉપાયો કરવામાં આવશે અને તે માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

કોર્ટનો ચુકાદોઃ બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ સ્ટુડન્ટ્સના ભવિષ્યનો સવાલ છે. તેને દાવ પર લગાવી ન શકાય. કોર્ટે અરજદાર સ્ટુડન્ટ્સને પોતાના એક વર્ષની વેલ્યુ કરવાની પણ સલાહ આપી છે.

20 લાખથી વધુ સ્ટુડન્ટ્સે રજિસ્ટ્રેશન કરાવ્યું
આ વખતે બંને પરીક્ષાઓ માટે 20 લાખથી વધુ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આટલી મોટી સંખ્યામાં સ્ટુડન્ટ્સ પરીક્ષામાં બેસવાના કારણે સંક્રમણ ફેલાવવાનો ખતરો વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...