દેશને મળી શકે છે પ્રથમ સમલૈંગિક જજ:કોલેજિયમે કેન્દ્રને મોકલ્યો પ્રસ્તાવ, તેને અગાઉ 4 વખત ઠુકરાવી દેવાયો છે

નવી દિલ્હી20 દિવસ પહેલા
  • સૌરભ કૃપાલે દિલ્હીની સેન્ટ સ્ટીફંસ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે

દેશને ઝડપથી પહેલા સમલૈંગિક જજ મળી શકે છે. સુપ્રીમ કોર્ટની કોલેજિયમે સીનિયર વકીલ સૌરભ કૃપાલ(49)ને દિલ્હી હાઈકોર્ટના જજ બનાવવાની ભલામણ કરી છે. ચીફ જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતાવાળા કોલેજિયમે 11 નવેમ્બરેની બેઠકમાં આ અંગે ભલામણ કરી છે. ખાસ વાત એ છે કે કેન્દ્ર તરફથી કૃપાલના નામને લઈને વાંધો વ્યક્ત કરવામાં આવ્યો હોવા છતાં કોલેજિયમે પોતાની ભલામણ આપી છે. જોકે એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે નિમણૂંક થશે તો ક્યાં સુધીમાં થઈ શકશે.

મીડિયા રિપોર્ટ મુજબ સુપ્રીમ કોર્ટના કોલેજિયમે જ્યારે કેન્દ્ર પાસે કૃપાલના બેકગ્રાઉન્ડ વિશે ઈનપુટ માંગ્યો હતો તો સરકારે ઈન્ટેલિજન્સ બ્યુરો(IB)નો હવાલો આપ્યો હતો. IBએ કૃપાલની કેટલીક ફેસબુક પોસ્ટનો હવાલો આપ્યો, જેમાં તેમના વિદેશી પાર્ટનર પણ સામેલ હતા.

કૃપાલના વિદેશી પાર્ટનરને લઈને કેન્દ્રને વાંધો
આ વર્ષે માર્ચમાં તત્કાલીન ચીફ જસ્ટિસ એસએ બોબડેએ કેન્દ્રને કૃપાલને હાઈકોર્ટના જજ બનાવવા અંગેનો મત આપ્યો હતો. જોકે કેન્દ્રએ આ અંગે ફરીથી વાંધો વ્યક્ત કર્યો હતો. કેન્દ્રએ કૃપાલના વિદેશી પુરુષ સાથીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ 20 વર્ષથી કૃપાલના પાર્ટનર હ્યૂમન રાઈટ્સ એક્ટિવિસ્ટ નિકોલસ જર્મેન બાકમૈન છે અને તે સ્વિત્ઝરલેન્ડના રહેવાસી છે. આ કારણે કેન્દ્રને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી ચિંતાઓ છે. ગત વર્ષે એક ઈન્ટરવ્યુમાં કૃપાલે કહ્યું હતું કે કદાચ તેમના સેક્સુઅલ ઓરિએન્ટેશનના કારણે જ તેમને જજ બનાવવાની ભલામણનો નિર્ણય ટાળવામાં આવ્યો છે.

સૌરભ કૃપાલ અને તેનો પુરુષ પાર્ટનર નિકોલસ
સૌરભ કૃપાલ અને તેનો પુરુષ પાર્ટનર નિકોલસ

કોણ છે સૌરભ કૃપાલ?
સૌરભ કૃપાલ સીનિયર વકીલ અને પૂર્વ ચીફ જસ્ટિસ બીએન કૃપાલના પુત્ર છે. સૌરભ પૂર્વ અર્ટોની જનરલ મુકુત રોહતગીની સાથે જુનિયર તરીકે કામ કરી ચુક્યા છે, તે કમર્શિયલ લોના એક્સપર્ટ પણ છે. સૌરભ કૃપાલે દિલ્હીની સેન્ટ સ્ટીફંસ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. જ્યારે લોની ડિગ્રી ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી લીધી છે. બીજી તરફ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી લોમાં માસ્ટર્સ ડિગ્રીનો અભ્યાસ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં તે લગભગ 20 વર્ષ પ્રેક્ટિસ કરી ચુક્યા છે. સાથે જ યુનાઈટેડ નેશન્સની સાથે જેનેવામાં પણ કામ કરી ચૂક્યા છે. તે સમલૈંગિક છે અને LGBTQના અધિકારો માટે લડે છે. તેમણે સેક્સ એન્ડ ધ સુપ્રીમ કોર્ટ બુક પણ એડીટ કરી છે.

કલમ 377 હટાવવાના કેસને લઈને ચર્ચામાં આવ્યા હતા
સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર 2018માં સમલૈંગિકને ગેરકાયદેસર ગણાવનારી IPCની ધારા 377 પર મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે સમલૈંગિક સંબંધ અપરાધ નથી. તેની સાથે જ કોર્ટે સહમતિથી સમલૈંગિક યૌન સંબંધ બનાવવાને અપરાધની સીમામાંથી બહાર કરીને કલમ 377ને રદ કરી હતી. આ મામલામાં સૌરભ કૃપાલ પિટીશનર તરફથી હાજર રહ્યાં હતા.

સમલૈંગિકતા શું છે?
સમલૈંગિકતા એટલે કોઈ પણ વ્યક્તિને સમાન લિંગના વ્યક્તિ પ્રત્યે થતુ યૌન આકર્ષણ. સાધારણ ભાષામાં કહીએ તો કોઈ પણ પુરુષને પુરુષ પ્રત્યે અને મહિલાને મહિલાનું આકર્ષણ. આવા લોકોને અંગ્રેજીમાં ગે અથવા તો લેસ્બિયન કહેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...