સરકારને ફિટકાર:દિલ્હીમાં પ્રદૂષણ માટે ખેડૂતોને જવાબદાર ઠેરવાતા સુપ્રીમ નારાજ

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હી સરકારે દિલ્હી-NCRમાં લૉકડાઉનની માગ કરી

દિલ્હી સરકારે સોમવારે પ્રદૂષણની સમસ્યાને લઈને સોગંદનામું દાખલ કરી એનસીઆરમાં પણ બે દિવસનું લૉકડાઉન લાગુ કરવાની માગ કરી હતી. જ્યારે સુપ્રીમકોર્ટે દિલ્હી સરકારના સોગંદનામામાં ખેડૂતોને પ્રદૂષણ માટે જવાબદાર ઠેરવાતા નારાજગી વ્યક્ત કરી હતી.

સુપ્રીમકોર્ટ ચીફ જસ્ટિસ એન.વી.રમનાના વડપણ હેઠળની બેન્ચે દિલ્હી સરકારને ફિટકાર લગાવતા કહ્યું કે તમારું આ જ વલણ છે તો અમારે ઓડિટ કરાવવું પડશે કે સરકાર તેની મહેસૂલી આવકનો કેટલો હિસ્સો ફક્ત વાહવાહીવાળા પ્રચાર પાછળ ખર્ચ કરી રહી છે.

કોર્ટે કેન્દ્રને નિર્દેશ આપ્યો કે તે દિલ્હી, હરિયાણા અને પંજાબના અધિકારીઓ સાથે બેઠક યોજી વાહન, ધૂળ, નિર્માણકાર્ય અને વર્ક ફ્રોમ હોમ વગેરે પર મંગળવાર સાંજ સુધીમાં નિર્ણય કરે. બુધવારે ફરી સુનાવણી થશે.

કેન્દ્ર વતી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે અમે દિલ્હી સરકારને સલાહ આપી છે કે પાર્કિંગ ચાર્જ ત્રણ ગણો વધારવામાં આવે. તેનાથી લોકો બિનજરૂરી રીતે વાહનો લઈને નહીં નીકળે. પરાળીના ધૂમાડાનું યોગદાન પ્રદૂષણમાં 10 ટકા છે.

જોકે માર્ગો પર ઊડતી ધૂળ, બાંધકામ સ્થળ અને વાહનોનું યોગદાન વધારે છે. તેના પર જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે ગત સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે પરાળીનું યોગદાન 30-40 ટકા બતાવ્યું હતું. તેના પર સોલિસીટર જનરલે કહ્યું કે આ તાજેતરના આંકડા છે.

પરાળી બાળવાથી પ્રદૂષણની અસર ફક્ત 2 મહિના રહે છે. તેના પર કોર્ટે કહ્યું કે જ્યારે પ્રદૂષણમાં પરાળીનું યોગદાન ખૂબ જ ઓછું તો પછી ખેડૂતોના નામે આટલી હાય તોબા કેમ મચાવી છે.

ફિટકાર બાદ કેન્દ્રના સોગંદનામામાં પરાળી બાળવાથી થતા પ્રદૂષણની માત્રા ઘટી ગઇ
સુપ્રીમકોર્ટ સમક્ષ ગત સુનાવણીમાં કેન્દ્ર વતી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે પ્રદૂષણમાં પરાળીનું યોગદાન 25-30% છે. જેના પર ખેડૂતો પર પ્રદૂષણનો દોષ ઢોળતાં સુપ્રીમકોર્ટે કેન્દ્રને ફિટકાર લગાવી હતી. સોમવારે જ્યારે કેન્દ્ર સરકારે પોતાની જૂની દલીલથી ગુલાંટ મારતા કહ્યું કે પરાળી બાળવાથી થતા પ્રદૂષણની માત્રા ફક્ત 10 ટકા છે. 75 ટકા પ્રદૂષણ વાહનો, ધૂળ તથા નિર્માણ સ્થળોને કારણે થાય છે. જ્યારે કેન્દ્રે તેના લેખિત સોગંદનામામાં કહ્યું કે પરાળીનું પ્રદૂષણમાં માત્ર 4 ટકા જ યોગદાન છે.

અન્ય સમાચારો પણ છે...