હિમાચલમાં સુખવિંદરસિંહ સુખુએ રવિવારે બપોરે 1.50 વાગ્યે નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ દરમિયાન રાહુલ, પ્રિયંકા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ હાજર રહ્યાં હતાં. પ્રિયંકાએ મુખ્યમંત્રીના દાવેદાર પ્રતિભા સિંહને પોતાની બાજુમાં બેસાડ્યાં હતાં. સુખુએ કોંગ્રેસના તમામ ધારાસભ્યોની સાથે સ્ટેજ પરથી સમર્થકોનું અભિવાદન કર્યું હતું. સુખવિંદર સિંહ સુખુ હિમાચલના નવા મુખ્યમંત્રી બન્યા છે.
હિમાચલના રિજ મેદાનમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર ડેપ્યુટી સીએમ મુકેશ અગ્નિહોત્રીને પણ શપથગ્રહણ કરાવ્યા હતા. સુખુએ પોતે સવારે પ્રતિભા સિંહને શપથ સમારોહનું આમંત્રણ આપવા ગયા હતા. સુક્ખુએ કહ્યું- પાર્ટી પહેલાં, મુખ્યમંત્રી પછી. પ્રતિભા સિંહ મારા આદર્શ છે.
રાહુલે સુખુના માતાને સ્ટેજ પર બોલાવ્યાં, પ્રિયંકાએ તેમને ગળે મળ્યાં
હિમાચલના નવા મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુનાં માતા સંસાર દેવીએ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. જ્યારે રાહુલ ગાંધીને ખબર પડી કે તેઓ મંચની સામે બેઠાં છે, ત્યારે તેમણે તેમને મંચ પર બોલાવ્યાં અને તેમની સાથે મુલાકાત કરી હતી. પ્રિયંકા ગાંધી સુખુનાં માતાને ગળે મળ્યાં હતા અને તેમને સ્ટેજ પર પોતાની પાસે બેસાડ્યાં હતાં.
પ્રતિભાએ કહ્યું- પુત્રનું મંત્રી બનવાનું નક્કી
પ્રતિભા સિંહે કહ્યું કે હિમાચલમાં સ્થિર સરકાર બનશે. અમે એક થઈને કામ કરીશું. પ્રતિભા મુખ્યમંત્રી પદના દાવેદાર હતાં. તેમણે સુખુના નામ સાથે નારાજ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું હતું. સુખુને મળ્યા બાદ તેમણે કહ્યું કે તેમના પુત્ર વિક્રમાદિત્ય સિંહને મંત્રી બનાવવાનું લગભગ નિશ્ચિત છે. સુખુના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને AICC મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ શિમલા પહોંચી ગયાં છે.
જુઓ શપથ ગ્રહણ સમારોહની આ તસવીરો...
શપથ લાઈવ અપડેટ્સ
કોંગ્રેસ માટે મોટી તક
કોંગ્રેસ માટે આ ખાસ તક છે, કારણ કે 2018 પછી દેશના કોઈપણ રાજ્યમાં કોંગ્રેસને પહેલીવાર પૂર્ણ બહુમતી મળી છે. એટલા માટે પાર્ટી પોતાની તાકાતનું પ્રદર્શન કરીને શિમલાથી આખા દેશને સંદેશ આપવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, પાર્ટીને શક્તિપ્રદર્શન માટે ઘણો ઓછો સમય મળ્યો છે, કારણ કે મુખ્યમંત્રીના ચહેરાના 19 થી 20 કલાકમાં શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો છે. જો પાર્ટીના સૂત્રોનું માનીએ તો, શિમલા અને સોલનને અડીને આવેલા મતવિસ્તારના ધારાસભ્યોને પબ્લિક ભેગી કરવા સૂચના આપવામાં આવી છે.
સુખુ ચોથી વખત વિધાનસભા પહોંચ્યા
મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ ચોથી વખત અને મુકેશ અગ્નિહોત્રી પાંચમી વખત વિધાનસભા પહોંચ્યા છે. અગાઉ, સુખુ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ, એનએસયુઆઈના પ્રમુખ, શિમલામાં એમસીના બે વખત કોર્પોરેટર, યૂથ કોંગ્રેસના પ્રમુખ અને 2022માં ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તે જ સમયે, પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહ બીજી વખત ચૂંટાઈને વિધાનસભામાં પહોંચ્યા છે, જ્યારે મુકેશ અગ્નિહોત્રી પાંચમી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. આ ચૂંટણીઓમાં કોંગ્રેસે 68માંથી 40 બેઠકો જીતી છે અને પરિવર્તનનો દાવો કરનાર ભાજપ 25 બેઠકો પર આવી ગયું છે. હાઈકમાન્ડની મહોર મળતાં શનિવારે સાંજે વિધાનસભામાં યોજાયેલી વિધાનસભ્ય દળમાં સુખવિંદર સિંહ સુખુને મુખ્યમંત્રી જાહેર કરવામાં આવ્યા હતા.
સાંસદ હોવાને કારણે પ્રતિભાનો દાવો નબળો પડ્યો
પ્રતિભા સિંહ મંડી સીટથી સાંસદ છે. આ કારણે તેમનો દાવો નબળો પડી ગયો. તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં, કોંગ્રેસ મંડી જિલ્લામાં 10માંથી માત્ર 1 સીટ જીતી શકી હતી. આવી સ્થિતિમાં કોંગ્રેસ અહીં પેટાચૂંટણીનું જોખમ લેવા માગતી નથી. બીજી તરફ જો પ્રતિભાને સીએમ બનાવવામાં આવશે તો તેમણે ધારાસભ્યની ચૂંટણી લડવી પડશે. આવી સ્થિતિમાં કોંગ્રેસ 2 પેટાચૂંટણી કરાવવાના મૂડમાં નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.