ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં રવિવારે STFએ શાર્પ શૂટર પરવેઝ અહેમદને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. તેની ઉપર એક લાખ રૂપિયાનું ઈનામ હતું. પરવેઝ આંબેડકરનગર જિલ્લાના અંડરવર્લ્ડ ડોન ખાન મુબારકનો જમણો હાથ હતો તેમ જ નકલી નાણાંની હેરાફેરીનો મોટો માફિયા હતો. આ ઉપરાંત હત્યાના કેટલાક કેસોમાં સંડોવાયેલો હતો.
ઉત્તર પ્રદેશ STFની ગોરખપુર યુનિટે પીપીગંજના સરહદી રોડ પર ઘેરાબંધી કરી તેની ધરપકડ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ સંજોગોમાં પરવેઝ તથા તેના સાથીઓએ બાઈક પર સવાર થઈ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. જવાબી કાર્યવાહીમાં પરવેઝને 4 ગોળી લાગી હતી અને ઘટના સ્થળે જ ઠાર થયો હતો. તેના અન્ય સાથીઓ ભાગી છૂટ્યા છે અને પોલીસ તેમને શોધી રહી છે.
પરવેઝ વર્ષ 2018થી ફરાર હતો
અંડરવર્લ્ડ ડોન ખાન મુબારકના ઈશારા પર સતત વિવિધ ગુના આચરતો પરવેઝ ઓક્ટોબર,2018માં BSP નેતા જુગારામ મેહદીની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. પોલીસે તેની ઉપર રૂપિયા એક લાખ ઈનામ જાહેર કર્યું હતું.રવિવારે પરવેઝ ગોરખપુર તરફ જઈ રહ્યો છે તેવી માહિતી મળતા ટીમે સાંજે 4 વાગે પીપીગંજ વિસ્તારમાં તેને ઘેર્યો હતો. પરવેઝ બાઈક પર જઈ રહ્યો હતો. STF ગોરખપુર યુનિટના ડેપ્યુટી SP ધર્મેશ કુમાર શાહી તથા ઓબ્ઝર્વર સત્ય પ્રકાશ સિંહે જણાવ્યું કે પરવેઝ હત્યાના અનેક કેસોમાં મોસ્ટ વોન્ટેડ હતો.
બે પિસ્તોલ મળી આવી
પરવેઝ નેપાળમાંથી ખંડણીનું સિન્ડિકેટ ચલાવી રહ્યો હતો. આંબેડકરનગર અને આજુબાજુના જિલ્લાના વેપારીઓ પાસેથી તે સતત ખંડણી ઉધરાવી રહ્યો હોવાની ફરિયાદ મળી રહી હતી. તે ઘણા સમયથી STFની રડાર પર હતો. તે નેપાળથી ગોરખપુર પહોંચ્યો હતો અને અહીં કોઈને તે મળવાનો હતો. આ અગાઉ જ તેની ઘેરાબંધી કરવામાં આવી હતી. પરવેઝે ટીમ પર ફાયરિંગ કર્યું હતું. જોકે જવાબી કાર્યવાહીમાં તે માર્યો ગયો હતો અને તેની પાસેથી 2 પિસ્તોલ મળી આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.