11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ ખોલવા અંગેનો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવાયો હોવાની જાહેરાત આજે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કરી હતી. કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન્સ મુજબ, શાળાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારે તૈયારીઓ શરૂ કરી લીધી છે. જાન્યુઆરી ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે જાહેર કરેલી SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 11મી જાન્યુઆરી-2021થી ધોરણ-10 અને 12 તથા સ્નાતક-અનુસ્નાતકના છેલ્લા વર્ષનું શૈક્ષણિક કાર્ય ચાલુ કરાશે. મુખ્યમંત્રી રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ અંગે ચર્ચાવિચારણા બાદ રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. આ અંગેની વધુ વિગતો આપતાં શિક્ષણમંત્રીએ ઉમેર્યું હતું કે આ નિર્ણય રાજ્યનાં તમામ બોર્ડને લાગુ થશે, જેમાં સરકારી શાળાઓ, ગ્રાન્ટ ઇન એઇડ-સ્વનિર્ભર સંસ્થાઓ તથા સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ હસ્તકની સંસ્થાઓને લાગુ પડશે. શાળા-કોલેજોએ કોરોના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલી SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. એ માટેની તમામ સૂચનાઓ શિક્ષણ વિભાગ દ્વારા તમામ સંસ્થાઓને મોકલી આપવામાં આવી છે એમ ચૂડાસમાએ કહ્યું હતું.
કોરોના સંક્રમણને રોકવા માટેની અન્ય વ્યવસ્થાઓ કરવી પડશે
શાળામાં સ્વચ્છતા સહિતની કોરોના સંક્રમણને રોકવા માટેની અન્ય વ્યવસ્થાઓ ગોઠવવા સંચાલકોએ અધિકારીઓના સંકલનમાં રહીને શાળામાં થર્મલગન વગેરેની વ્યવસ્થા કરવાની રહેશે. આ માટે સ્થાનિક કક્ષાએ આચાર્ય અને શિક્ષકોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાથે સંકલન કરીને યોગ્ય આયોજન કરવાનું રહેશે. શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત રહેશે નહીં.
શાળામાં જવા માટે વિદ્યાર્થીઓએ વાલીની સંમતિ લેવી જરૂરી છે
શાળાએ આવતા વિદ્યાર્થીઓએ પોતાના વાલીની સંમતિ લઇને પત્રકમાં મંજૂરી આપવાની રહેશે.આ માટેના જરૂરી ફોર્મ શાળાઓને મોકલી આપવામાં આવ્યાં છે, એમ શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું. ઉપરાંત હાલ રાજ્યમાં જે ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એ રાબેતા મુજબ ચાલુ રહેશે. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે નહીં. શાળામાં જેટલું શૈક્ષણિક કાર્ય થશે એટલા જ શૈક્ષણિક કાર્યની પરીક્ષા લેવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું. અન્ય ધોરણના વર્ગો ક્યારે શરૂ કરવા એ અંગે પણ રાજ્ય સરકાર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે અને એ અંગે પણ ટૂંક સમયમાં નિર્ણય લેવાશે.
સ્કૂલો અને વાલીઓએ આ બાબતોનું ધ્યાન રાખવું પડશે
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.