જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના યુનેસ્કો હેરિટેજ ટેગ પર ખતરો તોળાઇ રહ્યો છે. ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજ (ઇનટેક)ના સરવેમાં જાણવા મળ્યું છે કે છેલ્લા બે દશકમાં આશરે 42 ઐતિહાસિક સ્થળો નષ્ટ થયાં છે. 2003માં શ્રીનગરમાં કુલ 349 ઐતિહાસિક સ્થળો હતાં જે 2022માં ઘટીને 307 રહી ગયાં છે.
ઇનટેકના અધ્યક્ષ મોહમ્મદ સલીમ બેગે કહ્યું છે કે બે દશકમાં 12 ટકા સ્થળો નષ્ટ કરી દેવાયાં છે. જ્યારે છ ટકા સ્થળોની કાળજી ન લેવાતા હવે ખરાબ હાલતમાં છે. હાલમાં જ અમે સ્માર્ટ સિટી યોજના માટે ફરીથી એક સરવેની કામગીરી હાથ ધરી હતી જેમાં જાણવા મળ્યું કે 2003ની યાદી મુજબ 51 ટકા સ્થળો જર્જરિત થઇ રહ્યાં છે.
અનેક જૂની ઇમારતો અને હવેલીઓના માલિકીહક તેમની સાથે જોડાયેલા પરિવારોની પાસે જ છે. જેથી તેઓ તેને તોડીને નવા મકાન બનાવી રહ્યાં છે. ઝેલમ નદીના કિનારે બનેલી એક ઇમારતના માલિકે કહ્યું છે કે તેમને પોતાની ઇમારતને તોડવાની ફરજ પડી છે કારણ કે તેમના પરિવારને આધુનિક સુવિધાની જરૂર છે. સરકારે પહેલાંથી જ વિરાસત ભવનોના માલિકોની મદદ કરવાની યોજના બનાવી હતી. પરંતુ તે મદદ ક્યારેય આવી નથી.
આ જ કારણસર અમને તોડીને નવા મકાન બનાવવાની ફરજ પડી રહી છે.બેગ કહે છે કે 2010માં ઐતિહાસિક સ્થળોના સંરક્ષણ સાથે સંબંધિત કાયદો બનાવાયો હતો પરંતુ તે અમલી કરાયો ન હતો. પરિણામે ઐતિહાસિક ઇમારતોને તોડવામાં આવી. આ સ્થળો પર નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે સરકાર તરફથી 30 ટકા રકમ અપાય છે.
જોકે જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રે કેન્દ્ર પાસેથી એક પણ ઐતિહાસિક સ્થળ માટે આ રકમની માગ કરી નથી. 2021માં યુનેસ્કોએ શિલ્પ અને લોકકલા શ્રેણી હેઠળ 49 શહેરોમાંથી શ્રીનગરની પસંદગી કરી હતી. જાણકારોના કહેવા મુજબ જો ઐતિહાસિક સ્થળો આવી જ રીતે નષ્ટ થતાં રહેશે તો શ્રીનગર યુનેસ્કો હેરિટેજ ટેગ ગુમાવી શકે છે.
14મી શતાબ્દીમાં બનેલી ઇમારતો પણ જર્જરિત થઇ
વર્લ્ડ મોન્યૂમેન્ટસ વોચ મુજબ શ્રીનગર શહેરમાં કેટલીક કોલેજો, હોસ્પિટલો અને કોર્ટનું નિર્માણ બ્રિટિશ શાસનમાં થયું હતું. ડાઉનટાઉન ક્ષેત્રના મહારાજગંજ, બોહરી કદલ, ગાડ કોચ તેમજ મહારાજ બજાર જેવાં પરંપરાગત બજાર અસ્તિત્વના સંકટનો સામનો કરી રહ્યાં છે. કેટલીક ઇમારતો તો 14મી શતાબ્દીની બનેલી છે પરંતુ તે જર્જરિત સ્થિતિમાં આવી ચૂકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.