રવિવારની રાતથી દેશમાં એક રિપોર્ટને લઈને હોબાળો ઊભો થયો છે. ધ ગાર્જિયન અને વોશિંગ્ટન પોસ્ટ સહિત 16 મીડિયા સંસ્થાનોના એક સંયુક્ત રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે ભારત સરકારે 2017થી 2019 સુધી લગભગ 300 ભારતીય મોબાઈલ નંબરની જાસૂસી કરી છે. આ લોકોમાં પત્રકાર, વકીલ, સામાજિક કાર્યકર્તા, વિપક્ષના નેતા અને બિઝનેસમેન સામેલ છે. સરકારે પેગાસસ સ્પાયવેરની મદદથી આ લોકોના ફોન હેક કર્યા હતા.
આ રિપોર્ટ પછી સરકાર સ્પષ્ટતા આપતા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તો પેગાસસ તૈયાર કરનારી કંપનીએ પણ આ રિપોર્ટને આધાર વિનાનો ગણાવ્યો છે. જે પેગાસસ સોફ્ટવેરને લઈને આટલી બબાલ જોવા મળી રહી છે, આવો જાણીએ આ સોફ્ટવેર અંગે....
પેગાસસ કોને તૈયાર કર્યું?
પેગાસસને ઇઝરાયેલની સાયબર સુરક્ષા કંપની NSOએ તૈયાર કર્યું છે. બાંગ્લાદેશ સહિત અનેક દેશોએ પેગાસસ સ્પાયવેર ખરીદ્યું છે, જેને લઈને પહેલાં પણ વિવાદ થયો છે. મેક્સિકોથી લઈને સાઉદી આરબની સરકાર સુધી એના ઉપયોગને લઈને સવાલો ઉઠાવ્યા છે. વ્હોટ્સએપની માલિકીવાળી કંપની ફેસબુક સહિત અન્ય કંપનીઓએ પેગાસસ વિરુદ્ધ કેસ દાખલ કર્યા છે.
જોકે NSOએ પોતાના પર લાગેલા તમામ આરોપને ફગાવ્યા છે. આ કંપની દાવો કરે છે કે એનો ઉદ્દેશ આતંકવાદ અને ગુના વિરુદ્ધ લડવાનો છે. હાલ ભારતમાં ઊહાપોહ ઊભો થયા બાદ પણ કંપનીએ કંઈક આવો જ દાવો કર્યો છે.
કઈ રીતે કામ કરે છે પેગાસસ?
પેગાસસ એક સ્પાયવેર છે, જેને ઇઝરાયેલી સાઈબર સુરક્ષા કંપની NSO ગ્રુપ ટેક્નોલોજીએ તૈયાર કર્યું છે. આ એક એવો પ્રોગ્રામ છે, જેને કોઈ સ્માર્ટફોનમાં નાખવામાં આવે તો કોઈ હેકર તે સ્માર્ટફોનનો માઈક્રોફોન, કેમેરા, ઓડિયો અને ટેક્સ્ટ મેસેજ, ઈમેલ અને લોકેશન સુધીની જાણકારી મેળવી શકે છે.
સાઇબર સુરક્ષા કંપની કેસ્પરસ્કાયના એક રિપોર્ટ મુજબ, પેગાસસ અન્ક્રિપ્ટેડ ઓડિયો સાંભળવા અને અન્ક્રિપ્ટેડ મેસેજને વાંચવાલાયક બનાવી દે છે. અન્ક્રિપ્ટેડ મેસેજ એવા હોય છે, જેની જાણકારી માત્ર મેસેજ મોકલનાર અને રિસીવ કરનારને જ હોય છે. જે કંપનીના પ્લેટફોર્મ પર મેસેજ મોકલવામાં આવે છે તે તેને સાંભળી કે જોઈ નથી શકતા, પરંતુ પેગાસસના ઉપયોગથી હેક કરનારને તે વ્યક્તિના ફોન સાથે જોડાયેલી તમામ માહિતીઓ સહેલાયથી મળી શકે છે.
પેગાસસનું નામ પહેલી વખત 2016માં સામે આવ્યું હતું
કંપનીનો ફેસબુક સાથે વિવાદ
મે, 2020માં આવેલા એક રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો કે NSO ગ્રુપે યુઝર્સના ફોનમાં હેકિંગ સોફ્ટવેર નાખવા માટે ફેસબુક જેવી જ દેખાતી એક વેબસાઈટનો ઉપયોગ કર્યો. સમાચાર વેબસાઈટ મધરબોર્ડની તપાસમાં દાવો કરવામાં આવ્યો કે NSOએ પેગાસસ હેકિંગ ટુલને ફેલાવવા માટે ફેસબુક જેવું જ ડોમેન બનાવ્યું. વેબસાઈટે દાવો કર્યો કે આ કામ માટે અમેરિકામાં હાજર સર્વરનો ઉપયોગ કરાયો હતો. એ બાદ ફેસબુકે જણાવ્યું હતું કે તેમણે આ ડોમેન પર અધિકાર મેળવ્યો, જેથી આ સ્પાયવેરને ફેલાતો રોકી શકાય, જોકે NSOએ આરોપોને ફગાવ્યા હતા.
કોરોના ફેલાવવા પર નજર રાખે છે એમ જણાવી લોકોને છેતર્યા
ગત વર્ષે કંપનીએ એવા સોફ્ટવેરના નિર્માણનો દાવો કર્યો હતો જે કોરોના વાયરસને ફેલાવવા અંગેની માહિતી તેમજ તેની સાથે જોડાયેલી ભવિષ્યવાણી કરવામાં મદદ કરી શકે છે. એના માટે મોબાઈલ ફોન ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે. NSO મુજબ વિશ્વભરની સરકાર સાથે આ અંગે વાતચીત ચાલી રહી છે અને દાવો કર્યો હતો કે કેટલાક દેશ આ અંગે પરીક્ષણ પણ કરી રહ્યા છે.
માનવાધિકાર, માનવીય મૂલ્યોની રક્ષા અને માનવીય સ્વતંત્રતા માટે કામ કરતા આંતરરાષ્ટ્રીય સંગઠન એમનેસ્ટી ઈન્ટરનેશનલે એક ટૂલ તૈયાર કર્યું છે, જે પેગાસસ અને તેની મદદથી સ્પાયવેરની ઓળખ કરી શકે છે. આ ટુલને મોબાઈલ વેરિફિકેશન ટૂલકિટ (MVT) નામ આપવામાં આવ્યું છે. ત્યારે એ પણ જાણીએ કે આ ટુલ કઈ રીતે કામ કરે છે.
શું મોબાઈલ વેરિફિકેશન ટૂલકિટ?
એમનેસ્ટી ઈન્ટરનેશનલે પોતાની વેબસાઈટ પર આ ટુલકિટ અંગે જાણકારી આપી છે. એમનેસ્ટી ઈન્ટરનેશનલે કહ્યું હતું કે આ MVTની મદદથી એ જાણી શકાય છે કે તમારા ફોનને પેગાસસની મદદથી ટાર્ગેટ કરવામાં આવ્યો છે કે નહીં. MVT એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને ડિવાઈસ પર કામ કરે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એન્ડ્રોઈડની તુલનાએ આઈફોનમાં કોઈ સ્પાયવેરની ભાળ મેળવવી સહેલું છે, કેમ કે એપલની સિક્યોરિટી મજબૂત છે. MVTનો કોડ ઓપન સોર્સ છે અને એ GITHUB પર ઉપલબ્ધ છે.
કઈ રીતે કામ કરે છે MVT?
આ ટુલ કોઈ સામાન્ય માણસ ઉપયોગ ન કરી શકે, એના માટે તમારી સિસ્ટમમાં Python 3.6 હોવું જરૂરી છે. આ ટુલનો ઉપયોગ કરતાં પહેલાં ફોનમાં રહેલા ડેટાનો બેકઅપ લેવાનો હોય છે. જે પછી MVT તમારા ફોનમાં રહેલા ડેટાને ડિક્રિપ્ટ કરે છે, જેથી કોઈ હેકિંગ કે ટેપિંગ કે ટ્રેકિંગના પુરાવા મળી શકે. આ ટુલ IOSના અનક્રિપ્ટેડ બેકઅપને પણ ડિક્રિપ્ટ કરી શકે છે. જો તમારી પાસે એપલ મેક છે તો તમારે Xcode અને Homebrew ઈન્સ્ટોલ કરવાની જરૂરિયાત પડશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.