તોફાનમાં ફસાયું વિમાન:સ્પાઇસજેટના પ્લેનને લાગ્યો જોરદાર ઝટકો; 40 મુસાફર ઘાયલ, 10ની સ્થિતિ ગંભીર

દુર્ગાપુર20 દિવસ પહેલા

રવિવારે મુંબઈથી પશ્ચિમ બંગાળના દુર્ગાપુર જઈ રહેલું સ્પાઈસજેટનું બોઈંગ B737 વિમાન તોફાનમાં ફસાયું હતું. આ કારણે એમાં સવાર લગભગ 40 મુસાફર ઘાયલ થયા હતા, એમાંથી 10ની સ્થિતિ ગંભીર છે. જોકે પાયલોટે સફળતાપૂર્વક વિમાનનું રનવે પર લેન્ડિંગ કરાવ્યું હતું. હાલ ઘાયલ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મીડિયા રિપોર્ટના જણાવ્યા મુજબ, વિમાન દુર્ગાપુર સ્થિત કાજી નજરલ ઈસ્લામ એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું, ત્યારે એ વાવાઝોડામાં ફસાયું હતું. એ પછી ફ્લાઈટ ડગમગતાં કેબિનમાં રાખવામાં આવેલો સામાન પડવા લાગ્યો હતો, એને પગલે લગભગ 40 જેટલા મુસાફરો ઘાયલ થયા છે.

સ્પાઈસજેટે આપ્યો મદદનો ભરોસો
એક રિપોર્ટ મુજબ, પાયલોટે ખતરાને ધ્યાનમાં રાખીને સીટ બેલ્ટની સાઈન ઓન કરી દીધી હતી. એ પછી પણ ફુડ ટ્રોલી સાથે અથડાવાથી બે પેસેન્જર ગંભીર રીતે ઘાયલ થયા છે. એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે સીટ બેલ્ટની સાઈન ઓન કરવા પર ફૂડ સર્વિસ બંધ કરી દેવી જોઈતી હતી, સાથે જ તમામ મુસાફરોએ પોતાની સીટ પર પહોંચી જવું જોઈતું હતું, જોકે આ બધી બાબતોને અવગણવામાં કરવામાં આવી હતી.

ફ્લાઈટ લેન્ડ થઈ કે તરત જ ઘાયલોને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. સ્પાઈસજેટના પ્રવક્તાએ પણ આ ઘટના અંગે અફસોસ જાહેરાત કરતાં ઘાયલોને શક્ય તેટલી તમામ મદદ કરવાની વાત કહી છે.

શું છે કાલ બૈસાખી?
એપ્રિલ અને મેમાં પૂર્વ ભારતમાં વાદળોની ગર્જનાની સાથે વીજળી પડવી અને ઝડપી હવા ફૂંકાવવી એ સામાન્ય ઘટના છે. એને કાલ બૈસાખી અથવા તો નોર્વેસ્ટર કહે છે. કાલ બૈસાખીની અસર ઝારખંડ, બિહાર, પં.બંગાળ અને ઓડિશામાં જોવા મળે છે. આ ઘટના મોટા ભાગે વૈશાખ મહિનામાં થાય છે, આ કારણે એને કાલ બૈસાખી કહેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...