• Gujarati News
  • Dvb original
  • Speech Had To Be Stopped After Security Cordon Was Broken In Bengal, Convoy Strayed Due To Wrong Turn In Noida

PMની સુરક્ષામાં ચૂક થઈ હોવાના 4 કિસ્સા:બંગાળમાં સુરક્ષા ઘેરો તૂટ્યા પછી ભાષણ રોકવું પડ્યું, નોઇડામાં ખોટા વળાંકને કારણે કાફલો ફાંફાં મારવા લાગ્યો

16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 નવેમ્બર 2014: ત્રણ લેયરની સિક્યોરિટી તોડી વડાપ્રધાનને મળવા પહોંચ્યો શખસ

5 જાન્યુઆરીએ પંજાબમાં વડાપ્રધાન મોદીની સુરક્ષા-વ્યવસ્થા સાથે ચેડાં થયાં હતાં. ફિરોઝપુર જિલ્લાના મુદકી પાસે PM મોદીનો કાફલો જે માર્ગેથી પસાર થઈ રહ્યો હતો, ત્યાં કેટલાક પ્રદર્શનકારીને કારણે 20 મિનિટ સુધી ફ્લાય ઓવર પર ફસાઈ ગયો હતો. ત્યાર પછી વડાપ્રધાન મોદીએ પંજાબ પ્રવાસ રદ કરી પરત ફરવાનો નિર્ણય લીધો હતો.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ ઘટના અંગે પંજાબ સરકાર પાસે રિપોર્ટ માગ્યો છે. એની તપાસ અર્થે પંજાબ સરકારે એક હાઈ લેવલ કમિટી બનાવી છે અને 3 દિવસ સુધીમાં રિપોર્ટ સોંપી દેવાની જાણ કરી છે. તો ચલો, આપણે PM મોદીની સુરક્ષમાં છીંડાં પડ્યાં હોય એવી 4 ઘટના સામે નજર કરીએ....

7 નવેમ્બર 2014: ત્રણ લેયરની સિક્યોરિટી તોડી વડાપ્રધાનને મળવા પહોંચ્યો શખસ

મહારાષ્ટ્રના વાનખેડે સ્ટેડિયમમાં દેવેન્દ્ર ફડણવીસનો શપથ ગ્રહણ કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે વડાપ્રધાન મોદી, અમિત શાહ સહિત ઘણા VVIP અહીં હાજર હતા. આ દરમિયાન અનિલ મિશ્રા નામનો શખસ અચાનક ત્રણ લેયર સિક્યોરિટીને તોડી વડાપ્રધાન પાસે આવી ગયો હતો. જોકે તેની પાસે ઓળખપત્ર પણ નહોતું કે પછી કોઈ પાસ પણ નહોતો, જેથી પોલીસે તેની ધરપકડ કરી જેલમાં પૂરી દીધો હતો.

25 ડિસેમ્બર 2017: નોઈડામાં 2 પોલીસકર્મચારીએ ખોટો વળાંક લેતાં કાફલો ફાંફાં મારવા લાગ્યો​

25 ડિસેમ્બર 2017ના દિવસે વડાપ્રધાન મોદી નોઈડા પ્રવાસ પર હતા. આ દરમિયાન 2 પોલીસકર્મચારીએ ખોટો વળાંક લઈ લેતાં વડાપ્રધાનનો કાફલો ભટકી ગયો હતો. આ દરમિયાન PM મોદીનો કાફલો મહામાયા ટ્રાફિકમાં 2 મિનિટ સુધી ફસાઈ ગયો હતો. આ ઘટના પણ વડાપ્રધાન મોદીની સુરક્ષા-વ્યવસ્થા સામે મોટી ચૂક સમાન હતી. જોકે ત્યાર પછી એસએસપી લવ કુમારે બંને પોલીસકર્મચારીને સસ્પેન્ડ કરી દીધા હતા અને CM યોગીએ આ મામલે વિસ્તૃત રિપોર્ટ માગ્યો હતો. તેઓ નોઈડામાં બોટેનિકલ ગાર્ડન કાલકાજી મેટ્રોલાઈનના ઉદઘાટન કરવા ગયા હતા.

26 મે 2018: SPG સિક્યોરિટી જોતી જ રહી ગઈ અને એક શખસ PM પાસે પહોંચી ગયો

વર્લ્ડ ઈન્ડિયન કોન્વોકેશન દરમિયાન વડાપ્રધાન મોદીની સુરક્ષા-વ્યવસ્થા સામે વધુ એકવાર સવાલો ઊઠ્યા હતા. નાદિયાનો એક યુવક SPG સિક્યોરિટીથી પસાર થઈ PM પાસે પહોંચી ગયો હતો. તેણે પહેલા તો વડાપ્રધાન મોદીના પગ પકડ્યા અને પછી આશીર્વાદ લેવા લાગ્યો હતો. એને કારણે પહેલા તો વડાપ્રધાન મોદી ચોંકી ગયા હતા, પરંતુ પછી સામાન્ય થયા હતા. આ સમગ્ર ઘટનાક્રમ એટલો ઝડપી થયો કે વડાપ્રધાન સાથે ઊભેલા વાઈસ-ચાન્સેલર સબુજકલી સેન પણ વિચારમાં પડી ગયા હતા. જોકે ત્યાર પછી પોલીસે તાત્કાલિક યુવકની ધરપકડ કરી તેની પૂછપરછ કરવા માટે લઈ ગયા હતા.

2 ફેબ્રુઆરી 2019: સુરક્ષામાં ચૂક થયા પછી ભાષણ ટૂંકાવવું પડ્યું

પશ્ચિમ બંગાળના અશોકનગરમાં વડાપ્રધાન મોદી એક રેલીને સંબોધી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ત્યાં શ્રોતા વર્ગમાં ભાગદોડ થવા લાગી અને કેટલાક લોકો વડાપ્રધાન મોદીના સ્ટેજ પાસે દોડી આવ્યા હતા, જેને કારણે નરેન્દ્ર મોદીએ પોતાનું ભાષણ ટૂંકાવી 20 મિનિટમાં પતાવી દીધું હતું. જોકે આ દરમિયાન સુરક્ષાકર્મીઓ અને એસપીજી, PM મોદીને સુરક્ષિત અન્ય સ્થળે લઈ ગયા હતા.

આ દરમિયાન સ્ટેજ પાસે આવેલા લોકોમાં ભાગદોડ થવા લાગી હતી, જેને કારણે ઘણા લોકો જમીન પર પડી ગયા અને ઈજાગ્રસ્ત પણ થઈ ગયા હતા. ત્યાર પછી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે લોકોના અભૂતપૂર્વ પ્રેમથી હું અભિભૂત છું, પરંતુ તેમણે ધીરજ રાખવાની જરૂર છે.

PM મોદી પણ સુરક્ષા પ્રોટોકોલ તોડી ચૂક્યા છે
વડાપ્રધાન મોદી પણ ઘણીવાર સિક્યોરિટી પ્રોટોકોલનો ભંગ કરતા જોવા મળ્યા છે. તાજેતરમાં વિશ્વનાથ કોરિડોરના લોકાર્પણ માટે વારાણસી પહોંચ્યા પછી વડાપ્રધાન મોદીએ ઘણા સ્થળે પ્રોટોકોલનો ભંગ કર્યો હતો. આની પહેલાં PM મોદી વિદેશી અતિથિના સ્વાગત માટે પણ ઘણીવાર પ્રોટોકોલ તોડી ચૂક્યા છે. 2019માં સઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે દિલ્હી એરપોર્ટ પર ભેટી પડ્યા હોય એવી તસવીર વાઈરલ થઈ હતી.

SPG પાસે વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી
દેશના વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ, એટલે કે SPG પાસે હોય છે. વડાપ્રધાનની ચારેય બાજુ જે સુરક્ષા ઘેરો હોય છે એમાં SPG જવાનો જ હોય છે.

PMની સુરક્ષામાં હાજર તમામ જવાનોને અમેરિકાની સિક્રેટ સર્વિસની ગાઈડલાઈન્સ પ્રમાણે ટ્રેનિંગ અપાય છે. તેમની પાસે MNF-2000 અસોલ્ટ રાઈફલ, ઓટોમેટિક ગન અને 17 એમ રિવોલ્વર જેવા મોડર્ન હથિયાર હોય છે.

વડાપ્રધાનના પ્રવાસના પ્રોટોકોલ કેવા હોય છે?
PMની રાજ્યની મુલાકાત દરમિયાન 4 એજન્સી સુરક્ષા-વ્યવસ્થાઓનું ધ્યાન રાખે છે - SPG, ASL, રાજ્ય પોલીસ અને સ્થાનિક વહીવટ. એડવાન્સ સિક્યોરિટી લાયઝન ટીમ (ASL)ને વડાપ્રધાનની મુલાકાત સંબંધિત દરેક માહિતી સાથે અપડેટ કરવામાં આવે છે. ASL ટીમ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓના સંપર્કમાં છે. કેન્દ્રીય એજન્સીઓના અધિકારીઓ ASLની મદદથી વડાપ્રધાનની મુલાકાત પર નજર રાખે છે.

  • PMની મુલાકાત સમયે સ્થળની સુરક્ષાના રૂટથી લઈને સ્થળ સુધીના નિયમો સ્થાનિક પોલીસ નક્કી કરે છે. આખરે પોલીસના નિર્ણયની દેખરેખ SPG અધિકારીઓ કરે છે.
  • કેન્દ્રીય એજન્સી ASL વડાપ્રધાનના સ્થળ અને રૂટ પર સુરક્ષાની તપાસ કરે છે.
  • આની સાથે એસપીજી પીએમની નજીક આવતા લોકોનું ધ્યાન રાખે છે અને વડાપ્રધાનની આસપાસની સુરક્ષાનું પણ ધ્યાન રાખે છે.
  • સ્થાનિક વહીવટીતંત્ર પોલીસ સાથે મળીને કામ કરે છે.
અન્ય સમાચારો પણ છે...