- Gujarati News
- National
- Spain On Red Alert, Blizzard Breaks 50 year Record: This Is A Frozen Lake, Not A Mirror !; How Many Bubbles Can You Make In One Bubble?
વિશ્વભરના સમાચારો તસવીરોમાં:બાળકો મોટા થશે તેની સાથે તેમના વસ્ત્રો પણ મોટા થશે!, હવે આવ્યા ઓરીગામી પ્રેરિત કપડા: સ્પેન ઓન રેડ એલર્ટ, બરફવર્ષાએ 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો
નાના બાળકોના શરીરનો વિકાસ ઝડપથી થતો હોય છે અને માતાપિતાને બાળકો મોટા થતાં જાય તેમ તેમના કપડા ટૂંકા થવાની સમસ્યા રહેતી હોય છે. પરંતુ ફેશન ડિઝાઈનરોએ હવે આનો તોડ શોધી કાઢ્યો છે. જાપાનની પૌરાણિક ઓરીગામી કલાના આધારે બાળકોનાં વસ્ત્રો બનાવવાનું કામ શરૂ થયું છે. આ ઈનોવેટિવ વસ્ત્રો એવા છે કે જેમ બાળક મોટું થતું જાય તેમ તેમના શરીરના કદ પ્રમાણે વસ્ત્રો પણ ઓરીગામી કલાકૃતિની જેમ ફેલાતા જાય છે.
બાળકો મોટા થશે તેની સાથે તેમના વસ્ત્રો પણ મોટા થશે!
‘લિટલ પ્લીટ’ને ફ્રેન્ચ ભાષામાં Petit Pli કહે છે અને ઓરીગામી પ્રેરિત બાળકોના આ વસ્ત્રોને ઈનોવેટિવ પ્લીટ સિસ્ટમથી તૈયાર કરાયા છે. આ વસ્ત્રો બાળકોની મૂવમેન્ટ પ્રમાણે એડજસ્ટ થાય છે અને ફરી પોતાની મૂળ સ્થિતિમાં પણ આવી જાય છે. આથી, જેમ બાળકના શરીરનો વિકાસ થોડા મહિના વધે ત્યારે પણ આ વસ્ત્રો તેમને પહેરાવો તો એ માપના થઈ જશે.
લંડનમાં સ્થિત રોયલ કોલેજ ઓફ આર્ટના ગ્રેજ્યુએટ ડિઝાઈનર રિયાન મારિયો યાસીને ઓરિગામી પ્રેરિત આ વસ્ત્રો તૈયાર કર્યા છે. તેમણે કહ્યું હતું, આ વસ્ત્રો ક્યારેય વધુ મોટા કે વધુ ટૂંકા નહીં થાય. તેમના કહેવા પ્રમાણે, બાળકો તેમના પ્રથમ બે વર્ષમાં સાત ક્લોથ સાઈઝ સુધી વિકાસ પામે છે. આ સમયગાળામાં વાલીઓ સામે બાળકોના કપડા ઝડપથી ટૂંકા પડવા લાગે છે એવી સમસ્યા રહે છે અને વારંવાર નવા કપડા ખરીદવા પડે છે. આમ, વાલીઓને ખર્ચ વધે છે તેમજ ટૂંકા પડતા કપડા નકામા થઈ જાય છે, જેને ઓરીગામી પ્રેરિત વસ્ત્રોથી અટકાવી શકાશે.
બરફના થર નીચે દબાયું સ્પેન
સ્પેનમાં આવેલા ફિલોમેના તોફાનથી ભારે હિમવર્ષા થઈ છે. સ્પેનમાં બરફવર્ષાએ છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. જેના કારણે જનજીવન જાણે થીજી ગયું છે. સડકો પર હજારો વાહનો અટવાઈ પડ્યા તો ટ્રેન અને વિમાન સેવાઓ બંધ રાખવાની ફરજ પડી છે. લગભગ અડધોઅડધ સ્પેનને ભયાનક બરફવર્ષા અંગે એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. જેમાં પાંચ પ્રાંતોમાં તો હાઈએસ્ટ લેવલની ચેતવણી હિમવર્ષા અંગે આપવામાં આવી છે.
સ્પેનના મેડ્રિડ તથા અન્ય રિવાસ વેસિયામેડ્રિ઼ડમાં ભારે બરફવર્ષા બાદ બરફના થર નીચે દબાઈ ગયેલી કાર કાઢવા મથી રહેલા ફાયરફાઈટર્સ. અનેક સ્થળોએ વાહનોમાં જ અનેક લોકો બરફના થરમાં ફસાયા છે. રાજધાની મેડ્રિડ તથા અન્ય ભાગોમાં બરફવર્ષા અંગે રેડ એલર્ટ જાહેર કરાયું છે. હાઈપોથર્મિયાની સ્થિતિથી અહીં 4 લોકોનાં મોત થયા છે.
રિવાસ શહેરની આ તસવીર બતાવે છે કે હિમવર્ષાએ સમગ્ર શહેર પર બરફની ચાદર પાથરી છે. હાડ થિજાવતી ઠંડીએ જનજીવન થંભાવી દીધું છે. એવામાં આગામી બે દિવસ માટે અહીંના હવામાન વિભાગે હજુ પણ ભારે બરફવર્ષા જારી રહેવાની ચેતવણી આપી છે.
આ અરીસો નથી!
બ્રિટનના ડર્બીશાયરમાં થીજી ગયેલા લૅક પર ચાલતા મેન્ડેરિયન ડકની આ તસવીર ફોટોગ્રાફર જૂલિયન માર્ટિને ક્લિક કરી.
કાશ્મીરમાં યાયાવર પક્ષીઓ સહેલગાહે
એક તરફ દેશના ઘણાં રાજ્યોમાં હજુ કોરોનાના નવા કેસ મોટી સંખ્યામાં નોંધાઇ રહ્યા છે અને કેટલાક રાજ્યોમાં બર્ડ ફ્લૂ પણ ફેલાયો છે ત્યારે કાશ્મીરના શ્રીનગરમાં બરફાચ્છાદિત દલ લૅકમાં યાયાવર પક્ષીઓ નિહાળવા સહેલાણીઓ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે.
એક બબલમાં 783 પરપોટા બનાવવાનો રેકોર્ડ
તાઇવાનના ચેંગ યૂ-ટેએ એક મોટા બબલની અંદર 783 બબલ ફુલાવીને ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. ગિનીસ બુકે ચેંગનો વીડિયો શૅર કર્યો છે. ચેંગ આ પહેલાં સાબુના એક બબલને સૌથી વધુ વખત ઉછાળવાનો રેકોર્ડ પણ તેના નામે કરી ચૂક્યો છે.