• Gujarati News
  • National
  • Sonia Gandhi Will Decide On CM; Written In The Apology Letter I Am Saddened By What Happened

રાજસ્થાનમાં CM અંગે એક-બે દિવસમાં નિર્ણય:સોનિયા ગાંધી અને પાઈલટ વચ્ચે બેઠક પૂર્ણ, પાઈલટે કહ્યું- મારું ફોકસ 2023ની ચૂંટણી પર

નવી દિલ્હી2 મહિનો પહેલા

રાજસ્થાનમાં મુખ્યમંત્રી કોણ હશે તે અંગે એક-બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે. દિલ્હીમાં સોનિયા ગાંધીને મળ્યા બાદ કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે ગુરુવારે સાંજે મીડિયાને કહ્યું કે ફરી એકવાર ઓબ્ઝર્વર જયપુર જશે. ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવશે. આ પછી નિર્ણય લેવામાં આવશે કે ગેહલોત સીએમ બનશે કે નહીં

તો બીજી તરફ ગુરુવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ સચિન પાઈલટ સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા હતા. આ દરમિયના કેસી વેણુગોપાલ પણ ત્યાં હાજર હતા. આ સાથે જ વેણુગોપાલે રાજસ્થાનમાં નિવેદનબાજી કરનારા નેતાઓ માટે એડવાઈઝરી જાહેર કરી છે. એડવાઈઝરીમાં પાર્ટીના નેતાઓને નિવેદનબાજી ટાળવાની સલાહ આપવામાં આવી છે. ઉલ્લંઘન કરનાર વિરૂદ્ધ કાર્યવાહીની ચેતવણી પણ આપવામાં આવી છે.

આ પહેલા ગુરુવારે સોનિયા ગાંધીને મળ્યા બાદ અશોક ગેહલોતે મીડિયાને કહ્યું- 'અહીં હંમેશાંથી પરંપરા રહી છે કે અમે હાઈકમાન્ડને એક લીટીનો પ્રસ્તાવ પસાર કરીએ છીએ. મુખ્યમંત્રી હોવા છતાં હું આ એક લીટીની દરખાસ્ત પસાર કરાવી શક્યો નહિ એ દુઃખની વાત છે. આ ઘટનાએ દેશની અંદર અનેક પ્રકારનો મેસેજ આપ્યો છે.

જ્યારે ગેહલોત સોનિયાને મળવા જઈ રહ્યા હતા ત્યારે તેમના હાથમાં કેટલાક કાગળો હતા. એમાં હાથે લખેલું માફીનામું હતું. તે કેમેરામાં કેદ થઈ ગયું હતું, જેમાં કેટલાક મુદ્દા હાથથી લખવામાં આવ્યા હતા, જેમાં ટોચનું હતું 'જે થયું એનાથી હું ખૂબ જ દુઃખી છું'.

આ સાથે ત્રીજા મુદ્દા પર સચિન પાઇલટ (SP), CP જોશી (CP) સહિત ચાર લોકોનાં નામ પણ ટૂંકા સ્વરૂપમાં લખવામાં આવ્યાં હતાં.

આ પહેલાં કોંગ્રેસ-અધ્યક્ષ અને રાજસ્થાનના સીએમ વિવાદ વચ્ચે દિગ્વિજય સિંહે ગુરુવારે કહ્યું હુતં કે તેઓ અધ્યક્ષપદ માટે ચૂંટણી લડશે. દિગ્વિજય દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે હું અહીં નોમિનેશન ફોર્મ લેવા આવ્યો છું અને આવતીકાલે નોમિનેશન કરીશ.

આ દરમિયાન કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ પણ દિલ્હી પહોંચી ગયા છે. તેમણે કહ્યું હતું કે રાજસ્થાનનો મામલો 1-2 દિવસમાં ઉકેલાઈ જશે. વેણુગોપાલે સોનિયાને મળ્યા બાદ આ વાત કહી હતી.

સોનિયા નારાજ, ગેહલોત વિવાદ ઉકેલવા પહોંચી ગયા દિલ્હી
રાજસ્થાનમાં અશોક ગેહલોતતરફી ધારાસભ્યોના બળવાખોર વલણ બાદ સોનિયા ગાંધી સમગ્ર ઘટનાક્રમ પર નારાજ છે. ઓબ્ઝર્વરના રિપોર્ટમાં ધારાસભ્ય દળની બેઠકનો બહિષ્કાર અને ગેહલોતને ટેકો આપતા મંત્રીઓનાં નિવેદનોને હાઈકમાન્ડના આદેશનું ઉલ્લંઘન અને ગંભીર અનુશાસનહીનતા ગણીને નોટિસ આપવામાં આવી હતી.

નોટિસ જારી થયા બાદ ગેહલોતે પણ આજે સોનિયા ગાંધીની સામે સમગ્ર મામલામાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ગેહલોત જૂથ પ્રભારી અજય માકન પર પક્ષપાત કરવાનો અને સચિન પાઇલટની તરફેણ કરવાનો ખુલ્લેઆમ આરોપ લગાવ્યો છે.

આ દરમિયાન જયપુરમાં ગેહલોતના મંત્રી ગોવિંદ મેઘવાલે કહ્યું હતું કે જો અન્ય જૂથના નેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તો તમામ ધારાસભ્યો રાજીનામું આપી દેશે. મેઘવાલ પાસે ડિઝાસ્ટર અને રાહત કાર્ય વિભાગની જવાબદારી છે. ગેહલોતના કટ્ટર સમર્થકોમાંના એક મેઘવાલે કહ્યું હતું કે અમે રાજસ્થાનમાં મધ્યસત્ર ચૂંટણી માટે પણ તૈયાર છીએ.

શી હશે ગેહલોતની ભૂમિકા?
રાજસ્થાનમાં ચાર દિવસથી ચાલી રહેલા વિવાદ બાદ અશોક ગેહલોત બાબતે હાઈકમાન્ડમાં નેતાઓમાં બનેલી સંમતિ ઘણુંબધું બદલી શકે છે. અશોક ગેહલોતે સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ અધ્યક્ષની ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. જ્યારે સીએમ બની રહેવાનો નિર્ણય પણ તેમણે સોનિયા ગાંધી પર છોડ્યો છે.

ગેહલોતની સોનિયા ગાંધી સાથેની છેલ્લી મુલાકાત દરમિયાન અધ્યક્ષપદ બાબતે ચર્ચા થઈ હતી. એ સમયે ગેહલોતે અધ્યક્ષપદની ચૂંટણી પર રાહુલ ગાંધીને છેલ્લી વખત સમજાવ્યા બાદ ફરીથી નિર્ણય લેવાની વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...