લોકસભાની કાર્યવાહી બુધવારે અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવામાં આવી છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ શાસક પક્ષ અને વિપક્ષી નેતાઓની બેઠક બોલાવી છે. બિરલાની ચેમ્બરમાં યોજાયેલી આ બેઠકનો ઉદ્દેશ સંસદ ચલાવવાના મુદ્દે અભિપ્રાય ઊભો કરવાનો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં તૃણમૂલ કોગ્રેસના સુદીપ બંદોપાધ્યાય, દ્રમુકના TR બાલૂ, અકાલી દળના સુખબીર સિંહ બાદલ, YSRCPના મિથુન રેડ્ડી, બીજૂ જનતા દળના પિનાકી મિશ્રા અને JDUના રાજીલ રંજન સિંહ લલ્લન, BSPના રિતેશ પાંડે અને તેલંગાના રાષ્ટ્ર સમિતિના નામા નાગેશ્વર રાવ પણ હાજર રહ્યા હતા.
બિરલાએ દરેક પાર્ટીઓના નેતાઓને આગ્રહ કર્યો કે ભવિષ્યમાં સદનમાં ચર્ચા અને સંવાદને પ્રોત્સાહિત કરવામાં આવે. ચર્ચા અને સંવાદથી જનતાનું કલ્યાણ થશે. તેમણે કહ્યુ કે જે રીતે કેટલાક સાંસદોએ સંસદમાં વ્યવહાર કર્યો તે અયોગ્ય હતો. સંસદની મર્યાદા બની રહેવી જોઈએ. આ વિશે પાર્ટીઓએ વિચારવુ જોઈએ.
નારેબાજી કરવી તે પરંપરાની વિરુદ્ધ
બિરલાએ મીડિયા સાથે વાત કરતાં ચોમાસાના સત્રમાં સંસદની કાર્યવાહી સારી રીતે ન ચાલવા અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, સંસદમાં સંમતિ અને જવાબદારી સાથે કામ કરવું જોઈએ, પરંતુ ચેમ્બરમાં આવવું અને સાંસદોની સૂત્રોચ્ચાર કરવો તે પરંપરાઓની વિરુદ્ધ છે.
લોકસભા અધ્યક્ષે કહ્યું કે સંસદમાં હોબાળો થવાને કારણે માત્ર 22 ટકા જ કામકાજ થયું હતું. મારો પ્રયાસ સંસદને પહેલાની જેમ ચલાવવાનો હતો અને તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હોત. તમામ સભ્યો ચર્ચા કરશે, જાહેર મુદ્દાઓ હશે, પરંતુ તે શક્ય ન થઈ શક્યું.
લોકસભાની 17 બેઠકોમાં 21 કલાક 14 મીનિટ કામકાજ થયું
તેમણે જણાવ્યું કે 17મી લોકસભાની છઠ્ઠી બેઠક 19 જુલાઈ, 2021ના રોજ શરૂ થઈ હતી. આ સમયગાળા દરમિયાન 21 કલાક અને 14 મિનિટ સુધી 17 બેઠકો યોજાઈ હતી. આ હોબાળાને કારણે 96 કલાકમાંથી લગભગ 74 કલાક કામકાજ થઈ શક્યુ નહોતું. કુલ 20 બિલ પસાર કરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન OBCને લગતા બંધારણ (127મા સુધારા) બિલ સહિત કુલ 20 બિલ પસાર કરવામાં આવ્યા હતા. ચાર નવા સભ્યોએ શપથ લીધા.
સંસદનું ચોમાસુ સત્ર 19 જુલાઈથી શરૂ થયું હતું, જે 13 ઓગસ્ટે સમાપ્ત થવાનું હતું. સત્ર દરમિયાન કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષોના સભ્યોએ કેન્દ્રના ત્રણ નવા કૃષિ કાયદાઓ અને પેગાસસ જાસૂસી કેસ જેવા અન્ય મુદ્દાઓ પર હોબાળો મચાવ્યો હતો. હોબાળા વચ્ચે સરકારે અનેક બિલ પસાર કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.