• Gujarati News
  • National
  • Sonam Wangchuk Said Break China's Waist By Adopting Made In India, It Will Be A Blessing For Us

ઝુંબેશ:સોનમ વાંગચુકે કહ્યું- ચીનને પાઠ ભણાવવા સ્વદેશી અપનાવીને તેની કમર તોડી નાંખો, તે આપણા માટે પણ વરદાન સાબિત થશે

નવી દિલ્હી3 વર્ષ પહેલાલેખક: અમિતકુમાર નિરંજન
  • કૉપી લિંક
શિક્ષણવિદ અને ઇનોવેટર સોનમ વાંગચુક. - Divya Bhaskar
શિક્ષણવિદ અને ઇનોવેટર સોનમ વાંગચુક.
  • શિક્ષણવિદ અને ઇનોવેટર સોનમ વાંગચુકે ‘બોયકોટ મેડ ઇન ચાઇના’ ઝુંબેશ હાથ ધરી
  • સંકલ્પ કરો કે ચીનમાં બનેલી કોઇ જ વસ્તુ નથી ખરીદવી એટલે નથી જ ખરીદવી
  • ચીન આપણા રૂપિયાના શસ્ત્રો ખરીદીને તેનો આપણી સામે જ ઉપયોગ કરશે

લદાખમાં એલએસી પર ભારત-ચીનના સૈન્ય ફરી એક વાર આમને-સામને આવી ગયા છે. ચીનને પાઠ ભણાવવા શિક્ષણવિદ અને ઇનોવેટર સોનમ વાંગચુકે ‘મેડ ઇન ચાઇના’ વસ્તુઓનો બહિષ્કાર કરીને ચીનની આર્થિક સ્થિતિ નબળી પાડવા ઝુંબેશ હાથ ધરી છે. તેમણે કહ્યું કે ચીનની વસ્તુઓનો એટલા મોટા પાયે બોયકોટ કરવો જોઇએ કે તેનું અર્થતંત્ર પડી ભાંગે અને ત્યાંની જનતા ગુસ્સામાં સત્તાપલટો કરી નાખે. આ ઝુંબેશ ભારત માટે પણ વરદાન સાબિત થશે. સોનમ વાંગચુકે ભાસ્કર જૂથ સાથે ખાસ વાતચીતમાં તેમની આ ઝુંબેશના ઘણા પાસાં વિશે જણાવ્યું.
નોન-ચાઇનીઝ માર્કેટ ઊભું કરવાથી બીજા દેશોમાંથી વિકલ્પો સામેથી આવવા લાગશે
સોનમ વાંગચુકે કહ્યું કે, ચાઇનીઝ સોફ્ટવેરનો એક અઠવાડિયામાં અને હાર્ડવેરનો એક વર્ષમાં બોયકોટ કરી દેવો જોઇએ. આપણે એવો દ્રઢ સંકલ્પ કરવો પડશે કે ચીનમાં બનેલી કોઇ જ વસ્તુ નથી ખરીદવી એટલે નથી જ ખરીદવી. ભલે ગમે તે થાય. હાલ આપણે મેન્યુફેક્ચરિંગ, હાર્ડવેર, દવાઓનો કાચો માલ, મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, બૂટ-ચપ્પલ જેવી ઘણી વસ્તુઓ માટે ચીન પર નિર્ભર છીએ, કેમ કે આમાંથી મોટા ભાગની વસ્તુઓ આપણા દેશમાં ઓછી બને છે. બનતી હોય તોપણ થોડી મોંઘી હોય છે. ચીન પાસેથી ખરીદેલો માલ ચીન સરકારનાં ખિસ્સાં ભરશે, જેનાથી તેઓ શસ્ત્રો ખરીદીને તેનો આપણી સામે જ ઉપયોગ કરશે. 
અન્ય દેશોમાંથી સોર્સિંગના રસ્તા શોધો
વાંગચુકે લોકોને અપીલ કરી કે, આપણે ભલે થોડી મોંઘી પણ સ્વદેશી ચીજો ખરીદીશું તો આપણા જ શ્રમિકો-ખેડૂતોને ફાયદો થશે. આપણા દેશનાં નાણાંનો ચીન સરકારને આપણી વિરુદ્ધ ઉપયોગ નથી કરવા દેવાનો. જોકે, ચીનની વસ્તુઓનો બોયકોટ આપણે એકાએક નહીં કરી શકીએ. તે આયોજનબદ્ધ રીતે કરવો પડશે. ચીનના સોફ્ટવેરનો એક અઠવાડિયામાં અને હાર્ડવેરની ચીજોનો એક વર્ષ સુધીમાં બોયકોટ કરો. ત્યાં સુધીમાં ભારતીય કંપનીઓ અન્ય દેશોમાંથી સોર્સિંગના રસ્તા શોધે. કાચા માલ પર નિર્ભર કંપનીઓ બીજી રીતે સોર્સિંગ શરૂ કરે. આપણે મક્કમ થવું પડશે કે ચીનમાં બનેલી એકેય વસ્તુ નહીં જ ખરીદીએ. જેમ કે જૈનો ડુંગળી, મીટ ખાતા જ નથી. તેઓ મક્કમ છે કે ગમે તે થાય, આ બધું નહીં જ ખાઇએ. પરિણામે આ પરંપરાની માર્કેટ પર પણ અસર પડી. ભોજનાલયો-રેસ્ટોરન્ટ્સ જૈન ફૂડ આપતાં થયાં. જૈનોની પરંપરા-ટેવો સંબંધી નવું માર્કેટ ઊભું થઇ ગયું. જૈનો માટે જૈન ફૂડ મળતું થયું તે જ રીતે ચીન પરની નિર્ભરતા ખતમ કરવા નોન-ચાઇનીઝ માર્કેટ ઊભું કરવું પડશે. તેનાથી અન્ય દેશોમાંથી વિકલ્પો સામેથી આવવા લાગશે. તેમને ખબર પડશે કે ચીનની વસ્તુઓના બોયકોટથી તેમના દેશમાં એક બહુ મોટો અવકાશ છે, જેનો તેઓ પોતે લાભ ઊઠાવવા ઇચ્છશે.
આપણે બધું સરકાર પર ન છોડવું જોઇએ 
ભારત, બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા અન્ય દેશોની કંપનીઓ આવશે અને મેડ ઇન ચાઇનાના બોયકોટથી ખાલી પડેલી જગ્યા પર તેમને તક મળશે. આ ઝુંબેશ જનતા દ્વારા હાથ ધરાશે તો જ સફળ થશે. આપણે બધું સરકાર પર ન છોડવું જોઇએ. આપણે આપણી સગવડ માટે મેડ ઇન ચાઇના વસ્તુઓ ખરીદીએ છીએ. વ્યાપક પરિપ્રેક્ષ્ય નથી જોતા. લોકોની માનસિકતા બદલાશે તો સરકારે પણ પોતાની નીતિઓ બદલવી જ પડશે. જો સરકાર સામેથી મેડ ઇન ચાઇના વસ્તુઓ વિરુદ્ધ કોઇ કડક પગલાં ભરે તો આપણા લોકો જ સરકાર તાનાશાહ હોવાના આક્ષેપો કરશે. તેથી આ ઝુંબેશની શરૂઆત પાયાના સ્તરેથી થવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...