..તો ભારતમાં સ્થિતિ વણસી શકે:નીતિઆયોગના ચેરમેન ડો. વી.કે.પોલે કહ્યું, બ્રિટનની જેમ કેસ વધશે તો વસતિ જોતાં ભારતમાં રોજના 14 લાખ ઓમિક્રોનના કેસ થઈ શકે

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓમિક્રોન અંગે સતર્ક રહેવા સરકારે આપ્યા નિર્દેશ

દેશમાં કોરોનાના વેરિયન્ટ ઓમિક્રોનને લઈને સતર્ક રહેવાના સતત નિર્દેશ આપવામાં આવી રહ્યા છે. આ દરમિયાન શુક્રવારે દિલ્હીમાં નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડો. વી. કે. પૉલે સાવધ કરતાં કહ્યું હતું કે જો યુકેની જેમ ભારતમાં પણ ઓમિક્રોનના ફેલાવાના કેસ વધે છે તો અહીં દરરોજ 14 લાખ સંક્રમણના કેસ સામે આવી શકે છે. તેમણે કહ્યું હતું કે યુરોપના દેશોમાં ગંભીર પરિસ્થિતિ છે. આ સ્થિતિ ત્યારે સર્જાઈ છે, જ્યારે ત્યાં 80 ટકા જેટલું આંશિક વેક્સિનેશન થઈ ચૂક્યું છે.

પૉલે કહ્યું હતું કે જે કેસ 88 હજાર જેટલા યુકેમાં આવ્યા, જો એને પોપ્યુલેશનના હિસાબે લેવામાં આવે તો એ ભારતની જનસંખ્યાના હિસાબે 14 લાખ કેસ હોઈ શકે છે. તેમણે કહ્યું હતું કે યુરોપમાં કોવિડ-19 મહામારીની વધુ એક લહેરનો અનુભવ કહી શકાય. પૉલે કહ્યું હતું કે સ્થિતિ સ્થિર છે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં સંક્રમણ દર વધી રહ્યો છે અને જો જરૂર પડે તો પ્રતિબંધાત્મક ઉપાયો લાગુ કરવા જોઈએ.

કેન્દ્ર સરકારે આપ્યા સતર્ક રહેવાના નિર્દેશ
દેશમાં ઓમિક્રોનથી સંક્રમણની વધતી ગતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે લોકોને બિનજરૂરી મુસાફરી અને સામૂહિક સમારંભોથી બચવા તથા મેટા પાયે નવા વર્ષની ઉજવણી નહીં કરવાની સલાહ છે. કર્ણાટકમાં પ્રથમ કેસ આવ્યા પછી બરાબર 15 દિવસ પછી 11 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોનની સંખ્યા 111 થઈ છે. મહારાષ્ટ્રમાં 40 અને દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા 22 થઈ છે. તેલંગાણા અન કેરળમાં 2-2 કેસ આવતાં સંક્રમિતોની સંખ્યા ક્રમશઃ 8 અને 7 થઈ છે.

ઓમિક્રોનના કેસ ઓછા, પરંતુ સાવધ રહેવાની જરૂર
આરોગ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે ગત 20 દિવસથી કોવિડ સંક્રમણના રોજિંદા કેસ 10000થી ઓછા છે, પરંતુ ઓમિક્રોનના અન્ય દેશોમાં વધતા કેસોને જોઈને સતર્ક રહેવાની આવશ્યકતા છે. દેશમાં સૌપ્રથમ ઓમિક્રોનના બે કેસ કર્ણાટકમાં 2 ડિસેમ્બરે આવ્યા હતા.

બિનજરૂરી પ્રવાસથી દૂર રહો
ICMRના ડાયરેક્ટર ડો. બલરામ ભાર્ગવે કહ્યું હતું, “ઓમિક્રોન સમગ્ર યુરોપ અને દુનિયાના મોટા ભાગના હિસ્સાઓમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે, ત્યારે બિનજરૂરી પ્રવાસ અને સામૂહિક સમારંભોથી દૂર રહેવું જોઈએ. મોટા પાયે ઉત્સવોની ઉજવણીનું આયોજન ન કરવું જોઈએ. પાંચ ટકાથી વધુ કોવિડ સંક્રમણ દર ધરાવતા જિલ્લાઓને પ્રતિબંધાત્મક ઉપાયોને સુનિશ્ચિત કરવાની જરૂર છે, જ્યાં સુધી એ બે સપ્તાહ માટે પાંચ ટકાથી ઓછા ન થાય.

અગ્રવાલે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના હવાલાથી જણાવ્યું હતું કે એવી આશંકા છે કે જ્યાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન થાય છે ત્યાં ઓમિક્રોન સંક્રમણ ડેલ્ટા વેરિયન્ટથી આગળ નીકળી જશે. ચિંતાની વાત એ છે કે ઓમિક્રોનના કેસને સામાન્ય ગણાવીને નકારવામાં આવી રહ્યા છે.