- Gujarati News
- National
- Snowfall Breaks 10 year Record In Kashmir, Natural Disaster Declared: Bizarre Accident In Derbyshire;Gorillas Test Positive For Coronavirus At San Diego Park
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વિશ્વભરના સમાચારો તસવીરોમાં:કાશ્મીરમાં હિમવર્ષાથી 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, કુદરતી આપત્તિ જાહેરઃ સાન ડિયેગો પાર્કમાં ગોરીલા કોરોના પોઝિટિવ; જાપાનમાં ‘ચહેરે પે ચહેરા’
જમ્મુ-કાશ્મીરમાં ગત 9 દિવસમાં આશરે 7 ફૂટ સુધી બરફ પડ્યો. જેણે 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. ભારે હિમવર્ષાને લીધે નાના-મોટા આશરે 22 હજાર કિ.મીના રોડ બંધ થઈ ગયા છે. અનેક હવાઈસેવા રદ કરાઈ છે. 200થી વધુ ઘરની છતો તૂટી ગઈ છે. આ તમામ મુશ્કેલીઓને જોતાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ભારે હિમવર્ષાને કુદરતી આપત્તિ જાહેર કરી દીધી છે.
કાશ્મીરમાં હિમવર્ષાથી 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
કાશ્મીરમાં 441 વૉટર સપ્લાઇ યોજનાઓ પણ પ્રભાવિત થતાં લોકોને પીવાનું પાણી ન મળી શક્યું. પીવાના પાણી માટે ડોલમાં લોકો બરફ ભરીને લઈ ગયા હતા. વીજળી ફીડર બગડતાં હજારો ઘરમાં અંધારપટ છવાયો હતો. બીજી બાજુ, બરફથી ઢંકાયેલા રોડને ફરી શરૂ કરવા 5000 કર્મચારીએ દિવસરાત કામ કર્યું હતું. ત્યારે જઈને 18 હજાર કિ.મી.નો રોડ ફરી ચાલુ થયો.
સાન ડિયેગો પાર્કમાં ગોરીલા કોરોના પોઝિટિવ
સાન ડિયેગો ઝૂ સફારી પાર્કમાં ગોરીલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં ચિંતાનું મોજું ફેલાયું છે. આ ઘટના અમેરિકા અને સંભવતઃ દુનિયાની પ્રથમ ઘટના છે.
સાન ડિયેગો ઝૂ સફારી પાર્કમાં ગોરીલામાં કોરોના સંક્રમણ પાર્કમાં આવતા કર્મચારીને કારણે ફેલાયું હોઈ શકે, કેમ કે પાર્કની વાઈલ્ડલાઈફ કેર ટીમના એક સભ્યનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ કર્મચારી જોકે દરેક વખતે માસ્ક પહેરી રાખતા હતા અને તે એસિમ્પટોમેટિક હતા.
આ પાર્કમાં આઠ ગોરીલાનો કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે. ગોરીલાને કફની સમસ્યા જોવા મળી રહી છે. આ પાર્ક જાહેર જનતા માટે 6 ડિસેમ્બરથી બંધ કરી દેવાયો છે.
કોરોનાકાળમાં જાપાનમાં ‘ચહેરે પે ચહેરા’
કોરોના વાયરસનો પ્રકોપ સમગ્ર દુનિયામાં શરૂ થયા પછી સર્વત્ર લોકો માસ્ક પહેરતા જોવા મળે છે. એવામાં જાપાનના એક રિટેલર શુહેઈ ઓકોવારાએ હાયપર રિયાલિસ્ટીક માસ્ક રજૂ કર્યા છે.
આ હાયપર રિયાલિસ્ટિક માસ્કની ખૂબી એ છે કે તેને ચહેરા પર લગાવી દો એટલે કોઈને ખ્યાલ ન આવે કે માસ્ક પહેરેલું છે. એકદમ અસલી ચહેરો લાગે! આમ, તમે તમારા બદલે અન્ય ચહેરો પણ ધારણ કરી શકો છો.
શુહેઈ ઓકાવારાએ રજૂ કરેલા આ માસ્ક જો કે કોરોના વાયરસ સામે રક્ષણ આપતા નથી પરંતુ એ માત્ર તમને નવી ફેન્ટસીનો અનુભવ કરાવવા નવો ચહેરો આપે છે. આવા માસ્કની કિંમત લગભગ 950 ડોલર જેટલી છે અને શુહેઈ ઓકાવારા હજુ પણ નવા ચહેરા સાથેના માસ્ક બજારમાં મૂકવાની યોજના ધરાવે છે કેમકે તેની લોકપ્રિયતા વધી રહી છે.
બરફની પ્રતિમા બનાવી કોરોના વોરિયર્સને બિરદાવ્યા
કાશ્મીરની બે બહેનોએ કોરોના વોરિયર્સને બિરદાવવા માટે બરફનું શિલ્પ બનાવ્યું. તેમના શિલ્પને જોવા અનેક લોકો આવી રહ્યા છે.
આ બંને કાશ્મીરી બહેનોમાં એકનું નામ છે ડો. કુર્તુલ એન. જોહરા અને બીજીનું નામ છે એમન જોહરા.
તેમના સ્નો આર્ટમાં એક લેડી ડોક્ટરની પ્રતિમા દેખાય છે અને સાથે કોવિડ વેક્સિનવાળી સિરિન્જ જોવા મળે છે.
બાલ્કન કન્ટ્રી કોસોવોમાં ભારે વરસાદથી પૂર
બાલ્કન દેશ કોસોવોમાં હાલ ભારે વરસાદના કારણે પૂરના પાણી ચોતરફ ફેલાઈ ગયા છે. જેના કારણે ભારે તારાજી થઈ છે. સેંકડો લોકોએ સ્થળાંતર પણ કરવું પડ્યું છે.
પૂરના પાણીમાંથી રસ્તો પસાર કરવા જઈ રહેલો શખ્સ. કોસોવોમાં ભારે વરસાદ અને હિમવર્ષાએ જનજીવનને હાલાકીમાં મૂક્યું છે.
કોસોવોમાં પૂરના પાણી ઘૂસી જતા પોતાના ઘરો આસપાસ હોડીથી અવરજવર કરવી પડે એવી સ્થિતિ સર્જાઈ છે. જો કે પૂરના કારણે કોઈ જાનહાનિ થઈ નથી.
ઘર પાસે પૂરનું પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. ખાસ કરીને વૃદ્ધજનોને અવરજવર માટે મોટી મુશ્કેલી થઈ. હોડીથી જ લોકો ક્યાંય જઈ આવી શકે છે.
કોસોવોની જેમ અલ્બાનિયામાં પણ ભારે વરસાદના કારણે ચોતરફ પૂરનું પાણી ફેલાયું છે તેનો એરિયલ વ્યૂ. ભારે વરસાદના કારણે અહીં અનેક રસ્તાઓ અને પુલોને નુકસાન થયું છે.
સ્પીડ ઘટાડવાની સૂચનાનું પાલન આમ થોડું કરાય!
તસવીર ડર્બીશાયરના ટાઇડ્સવેલની છે. અહીં એક કાર-ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતાં કંઈક આ પ્રકારે અકસ્માત સર્જાયો હતો, કાર વાહન ધીમું કરોના બોર્ડ પર જ ચઢી ગઈ હતી. જોકે આ દૃશ્ય જોઈને લોકો હતપ્રભ થઈ ગયા હતા. આ ઘટના વખતે કારમાં બે પુખ્ત અને એક બાળક હતાં, જોકે કોઈને ઈજા થઈ નહોતી.
ડાલી લેક વિન્ટર ફિશિંગ ફેસ્ટિવલની શરૂઆત
ચીનના ઈનર મંગોલિયાના ચિફેંગમાં ડાલી લેક વિન્ટર ફિશિંગ ફેસ્ટિવલની શરૂઆત થઈ છે. એમાં થીજી ગયેલા ડાલી સરોવરમાં લોકોએ પરંપરાગ રીતે માછલીઓ પકડી હતી. આ ફેસ્ટિવલ અહીં 20 જાન્યુઆરી સુધી ચાલશે.