• Gujarati News
  • National
  • Sivakumar Made Santoor Classical, But Never Took Credit, My Six decade Juggling Was Broken: Pt. Hariprasad

સ્મૃતિ શેષ:શિવકુમારે સંતૂરને શાસ્ત્રીય બનાવ્યું, પરંતુ ક્યારેય શ્રેય ના લીધો, મારી છ દસકાની જુગલબંધી તૂટી ગઈઃ પં. હરિપ્રસાદ

નવી દિલ્હી8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિલસિલા, ચાંદની, લમ્હે, ડર જેવી ફિલ્મમાં હીટ સંગીત આપનારી શિવ-હરિની જોડી તૂટી
  • ‘ડર’ પછી નક્કી કર્યું હતું કે, શાસ્ત્રીય સંગીતના ભોગે ફિલ્મોમાં સંગીત નહીં આપીએ

સંતૂરના તારથી દુનિયાને સંગીતની એક નવા અવાજનો પરિચય કરાવનારા પદ્મભૂષણ પં. શિવકુમાર શર્માનું મંગળવારે હૃદયરોગના હુમલાથી નિધન થયું. તેઓ 84 વર્ષના હતા અને કિડનીની બિમારી સામે ઝઝૂમતા હતા. 6 મહિનાથી ડાયાલિસિસ પર હોવા છતાં તેઓ સક્રિય હતા. વાંસળીવાદક પં. હરિપ્રસાદ ચૌરસિયા સાથે તેમણે 1981માં શિવ-હરિ નામે ‘સિલસિલા’માં સંગીત આપ્યું હતું, ખરી જુગલબંધી 1967થી શરૂ થઈ. બંનેએ યશ ચોપડા સહિતના દિગ્દર્શકોની 8 ફિલ્મમાં સંગીત આપ્યું. તેમના અંતિમ સંસ્કાર બુધવારે થશે. શિવ-હરિનો 15 મેના રોજ ભોપાલમાં જુગલબંધી કાર્યક્રમ હતો, હવે શ્રોતાઓની ઈચ્છા અધૂરી રહેશે.

મારી અને શિવજીની બહુ બનતી હતી. અમે સાથે હોઈએ ત્યારે વિશેષ પ્રેમ અનુભવાતો. કદાચ પૂર્વજન્મોનો સંબંધ હતો. પહેલી મુલાકાત એક રેકોર્ડિંગ સ્ટુડિયોમાં થઈ હતી. ત્યાર પછી એકવાર અમે 24 કલાક સાથે વીતાવ્યા. હું પિતાની મરજી વિરુદ્ધ મુંબઈમાં આવ્યો હતો અને તેમણે પણ જમ્મુમાં પિતાનું ઘર અને આકાશવાણીની નોકરી છોડી દીધી હતી. અમે બંને લોકવાદ્યો, વાંસળી અને સંતૂર સાથે જોડાયેલા હતા. શિવજીનું શાસ્ત્રીય સંગીતમાં સૌથી મહત્ત્વનું યોગદાન એ છે કે, તેમણે સંતૂર જેવા એક સીમિત ક્ષેત્રના લોકવાદ્યને શાસ્ત્રીય સંગીતમાં ઊંચો દરજ્જો અપાવ્યો. આજે સંતૂરની ઓળખ તેમના કારણે જ છે, પરંતુ તેનો તેમણે ક્યારેય શ્રેય ના લીધો. શિવ-હરિ નામ પડવાની કહાની પણ રસપ્રદ છે. અમે જુગલબંધી તો 1967થી શરૂ કરી હતી, પરંતુ 1971માં સ્ટોકહોમમાં અમે એકસાથે કાર્યક્રમ આપ્યો. તેનું આલબમ બન્યું તો કવર પર આખું નામ લખવાથી એવું લાગતું હતું કે, કોઈ હોર્ડિંગ ચીપકાવ્યું છે. તેથી સંક્ષિપ્તમાં શિવ-હરિ લખાયું. આ નામે જ યશજીના આગ્રહથી અમે સ્વતંત્ર સંગીતકાર તરીકે ‘સિલસિલા’માં સંગીત આપ્યું. પછી ‘ચાંદની’, ‘લમ્હે’માં પણ આપ્યું, પરંતુ ‘ડર’ પછી અમે નક્કી કર્યું કે, હવે ફિલ્મોમાં સંગીત નહીં આપીએ. ખાસ કરીને શાસ્ત્રીય સંગીતની કિંમતે તો નહીં જ. આજે મને બુઝાઈ રહેલા દીવાથી અંધારું થાય એવું લાગી રહ્યું છે. પરંતુ મને વિશ્વાસ છે કે, તેઓ મારી સાથે છે અને હંમેશા મારા હૃદમયાં રહેશે.’ (વિખ્યાત વાંસળી વાદક પંડિત હરિપ્રસાદ ચૌરસિયાએ અનિરુદ્ધ શર્માને જણાવ્યા પ્રમાણે)

અન્ય સમાચારો પણ છે...