તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોવિશીલ્ડ લેનારને યુરોપમાં નો એન્ટ્રી:'વેક્સિન પાસપોર્ટ'માં કોવિશીલ્ડને માન્યતા ન અપાઈ; ફાઇઝર, મોડર્ના, એસ્ટ્રાજેનેકા અને જોહન્સન એન્ડ જોહન્સનને જ મંજૂરી મળી

3 મહિનો પહેલા
  • આદર પૂનાવાલાએ કહ્યું- ભારતમાં મોટી સંખ્યામાં લોકોએ કોવિશીલ્ડ લીધી છે, ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ લાવીશું

કોરોનાને ટક્કર આપવા ભારતમાં દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત દેશના મોટા ભાગના લોકો સીરમ ઈન્સિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ની કોવિશીલ્ડ વેક્સિન લઈ રહ્યા છે. જોકે હજી કોવિશીલ્ડને ઘણા દેશો દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. આ વિશે જ એક મહત્ત્વના સમાચાર આજે સામે આવ્યા છે કે કોવિશીલ્ડ વેક્સિન લેનારી વ્યક્તિ યુરોપીય સંઘ (EU)ના ગ્રીન પાસ અથવા વેક્સિન પાસપોર્ટ માટે યોગ્ય નથી. નોંધનીય છે કે વેક્સિન પાસપોર્ટ માટે 1 જુલાઈથી વેક્સિનેશન સર્ટિફિકેટનો ઉપયોગ થવાનો છે.

હકીકતમાં EUના ઘણા સભ્ય દેશોએ ડિજિટલ વેક્સિન પાસપોર્ટ આપવાનું શરૂ કરી દીધું છે, જે યુરોપિયન લોકોને યાત્રા માટે સ્વતંત્ર રીતે આવવા-જવાની મંજૂરી આપે છે. મુસાફરી કરનારી વ્યક્તિ માટે વેક્સિન પાસપોર્ટ એ વાતનો પુરાવો છે કે તે વ્યક્તિએ વેક્સિન લઈ લીધી છે. જોકે આ પહેલાં EUએ કહ્યું હતું કે સભ્ય દેશોએ એ વાતની ચિંતા કર્યા વગર વેક્સિન પાસપોર્ટ આપવો જોઈએ કે તેણે કઈ વેક્સિન લીધી છે.

EUએ આ વેક્સિનને આપી છે મંજૂરી
યુરોપીય મેડિસન એજન્સી (EMA) તરફથી હાલ માત્ર ચાર કોવિડ વેક્સિનને મંજૂરી આપવામાં આવી છે, જેમાં ફાઈઝર, મોડર્ના, એસ્ટ્રાજેનેકા અને જોહન્સન એન્ડ જોહન્સનનું નામ સામેલ છે, એટલે કે માત્ર આ ચારમાંથી કોઈ વેક્સિન લીધી હોય તો જ તે વ્યક્તિ યુરોપની મુસાફરી કરી શકે છે. પુણેમાં SII દ્વારા બનાવવામાં આવેલી એસ્ટ્રાજેનેકા કોવિશીલ્ડને યુરોપ ઓથોરિટી દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. જોકે કોવિશીલ્ડને WHO તરફથી મંજૂરી આપવામાં આવી છે.

શું કહે છે આદર પૂનાવાલા?
આ સમગ્ર વિવાદ વિશે SIIના CEO આદર પૂનાવાલાએ કહ્યું હતું કે મને ખ્યાલ છે કે ભારતમાં બહુ મોટી સંખ્યામાં લોકોએ કોવિશીલ્ડ વેક્સિન લીધી છે, તેથી યુરોપ જતા ઘણા લોકોને હાલ આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, પરંતુ અમે હાઈ લેવલ સુધી આ મુદ્દાને લઈ જઈશું અને બહુ ટૂંક સમયમાં સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું.

EUના ગ્રીન પાસની ભારતીય યાત્રીઓ પર કેટલી અસર થશે
યુરોપીય સંઘ તે લોકો માટે 'જોઈન્ટ ડિજિટલ સર્ટિફિકેટ' પર કામ કરે છે જેમને કોરોનાની વેક્સિન આપી દેવામાં આવી છે અથવા જેમણે હમણાં જ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો છે અથવા તેઓ કોરોના સંક્રમણથી સાજા થયા છે. આવા લોકોને યુરોપીય સંઘ તરફથી ફ્રી સર્ટિફિકેટ આપવામાં આવી રહ્યું છે, જેમાં સુરક્ષા સુવિધાઓની સાથે એક ક્યુઆર કોડ પણ હશે. આ સર્ટિફિકેટ હોવાથી લોકોને યુરોપીય દેશોમાં યાત્રા કરવા દરમિયાન ક્વોરન્ટીન અથવા વધારાના કોરોના ટેસ્ટિંગમાંથી પસાર નહીં થવું પડે.
ઘણા યુરોપીય સંઘના દેશોએ પહેલેથી જ આ સિસ્ટમનો ઉપયોગ કરવાની શરૂઆત કરી દીધી છે, જેમાં સ્પેન, જર્મની, ગ્રીસ અને પોલેન્ડ સામેલ છે. અન્ય દેશો તરફથી 1 જુલાઈથી તેનો ઉપયોગ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જોકે હજી એ સ્પષ્ટ નથી કે આ સર્ટિફિકેટ અથવા વેક્સિન પાસપોર્ટની ભારતીય યાત્રીઓ પર કેટલી અસર થશે, કારણ કે આ પાસપોર્ટ ખાસ કરીને યુરોપીય સંઘના નાગરિક માટે છે, પરંતુ અન્ય દેશના લોકો પણ આ સર્ટિફિકેટ લઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...