તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌડા કો ગુસ્સા ક્યોં આતા હૈ?:રસી નથી તો શું અમારે ફાંસી પર લટકી જવું?: કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડા

બેંગલુરુ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કર્ણાટકમાં રસીકરણની ધીમી ગતિ અંગે હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ઝાટકણી કાઢી પછી ગૌડા ગુસ્સે થઈ ગયા

કર્ણાટકમાં એકતરફ કોરોનાના કેસ જબરદસ્ત રીતે વધી રહ્યા છે તો બીજી તરફ રસીકરણ મંથર ગતિએ ચાલી રહ્યું છે અને લોકો ઓક્સિજનના અભાવે મોતને ભેટી રહ્યા છે ત્યારે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડી વી સદાનંદ ગૌડાએ એક વિચિત્ર નિવેદનમાં કહ્યું હતું કે રસી નથી તો શું અમારે ફાંસી પર ચઢી જવું? તેમણે સવાલ કર્યો હતો કે શું સરકારમાં બેઠેલા લોકોએ અદાલતના આદેશો અનુસાર રસીના ઉત્પાદનમાં નિષ્ફળતાના કારણે ખુદને ફાંસીએ ચઢાવી દેવા જોઈએ?

કેન્દ્રીય મંત્રીનું આ નિવેદન કર્ણાટક હાઈકોર્ટ દ્વારા ગત 11 મેના રોજ રાજ્યમાં રસીકરણની ધીમી ગતિ અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારની ઝાટકણી કઢાયા પછી આવ્યું છે. હાઈકોર્ટે રસીકરણની મંદ ગતિને પરેશાન કરનારી ગણાવી હતી.

હાઈકોર્ટે રસીકરણનો મૂળ ઉદ્દેશ નિષ્ફળ જવાની ભીતિ વ્યક્ત કરી
ગત 11 મેના રોજ કર્ણાટક હાઈકોર્ટની બેન્ચે કહ્યું હતું કે જો રસીના ડોઝની પૂરતી સંખ્યાની ખરીદી માટે તાત્કાલિક કદમ ન ઉઠાવાયા હોય તો રસીકરણનો મૂળ ઉદ્દેશ નિષ્ફળ થવાની શક્યતા છે, જે કોવિડ-19ના ફેલાવા પર વ્યાપક અસર છોડી શકે છે.

રસીના માત્ર 9.37 લાખ ડોઝ ઉપલબ્ધ, લાભાર્થીઓની સંખ્યા 26 લાખ
હાઈકોર્ટે કર્ણાટક સરકાર પાસેથી એ પણ જાણકારી માગી કે તે 45 વર્ષથી વધુ વયના 26 લાખ લાભાર્થીઓને કઈ રીતે રસી ઉપલબ્ધ કરાવશે, જ્યારે રસીના માત્ર 9.37 લાખ ડોઝ જ ઉપલબ્ધ છે.

કર્ણાટકમાં કોરોનાના કેસ જબરદસ્ત રીતે વધી રહ્યા છે.
કર્ણાટકમાં કોરોનાના કેસ જબરદસ્ત રીતે વધી રહ્યા છે.

ગૌડાએ બેંગલુરુમાં પત્રકારોને આ જ વાત અંગે કહ્યું હતું, ‘અદાલતે સારા હેતુથી કહ્યું છે કે દેશમાં સૌને રસી મળવી જોઈએ. હું તમને પુછું છું કે શું અદાલત કાલે કહે કે તમારે આટલી રસી આપવાની છે અને એ શક્ય ન બને તો શું અમારે ફાંસીએ લટકી જવું જોઈએ?’

કેન્દ્રીય મંત્રીએ સરકારની કામગીરીના ગુણગાન ગાયા
રસીની અછત અંગેના સવાલો પર કેન્દ્રીય મંત્રીએ સરકારની કાર્યવાહી યોજના પર ભાર મૂક્યો હતો અને કહ્યું કે તેના નિર્ણય ક્યારેય રાજકીય લાભ કે કોઈ અન્ય કારણથી નિર્દેશિત હોતા નથી. ગૌડાએ કહ્યું હતું કે સરકાર પોતાનું કામ સંપૂર્ણ ઈમાનદારીથી કરી રહી છે. જેમાં ક્યાંક કોઈક ખામી સામે આવી છે. આ સાથે તેમણે એવો પણ સવાલ કર્યો હતો, ‘વ્યાવહારિક રીતે કેટલીક ચીજો આપણા નિયંત્રણની બહાર છે તો શું આપણે તેનું સંચાલન કરી શકીએ?’

કોરોનાની બીજી લહેર આવી તો લોકો રસી લેવા દોડ્યાઃ ગૌડા
રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્રીય મંત્રીએ દાવો કર્યો હતો, ‘પ્રથમ અમે 45થી વધુ વર્ષના લોકો માટે રસીકરણ શરૂ કર્યુ હતું તો ત્યારે રસીની કોઈ મોટી માગ નહોતી અને અમે વિચાર્યુ હતું કે અમે 18થી 45 વર્ષના લોકોને પણ રસી આપી શકીશું. જેવી દેશભરમાં કોરોનાની બીજી લહેર આવી તો લોકો રસી લગાવવા દોડ્યા. અમે અમારા સ્તરે પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં સ્થિતિ યોગ્ય થઈ જશે.’