આવી ભૂલ ક્યારેય ના કરવી:મોબાઈલમાં મશગુલ મહિલા બાળક સાથે ખુલ્લા મેનહોલમાં ખાબકી, જુઓ હરિયાણાના શૉકિંગ CCTV

એક મહિનો પહેલા

હરિયાણાના ફરિદાબાદ શહેરના શૉકિંગ CCTV ફૂટેજ સામે આવ્યા છે. અહીં મોબાઈલમાં મશગુલ મહિલા વાતો કરતાં કરતાં ગટરના ખુલ્લા મેનહોલમાં પડી ગઈ. CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રોડની વચ્ચોવચ ખુલ્લા મેનહોલમાં મહિલા કેવી રીતે ગરક થઈ જાય છે. આ મહિલા પાંચ મહિનાના બાળકને તેડીને ચાલતા ચાલતાં બજારમાં જઈ રહી છે. મોબાઈલમાં વાતો કરતી હોવાને કારણે તેને મેનહોલનો જરાય ખ્યાલ રહેતો નથી. આગળ સાઈન બોર્ડ મૂક્યું હોવા છતાં મહિલા નજીકથી ચાલે છે અને તરત જ ગટરમાં ગરકાવ થઈ જાય છે.

જો કે સદનસીબે આસપાસના લોકો તરત જ દોડી આવે છે, અને એક યુવક જીવના જોખમે સીધો મેનહોલમાં ઉતરી જાય છે. આ યુવક ગણતરીની સેકન્ડમાં જ મહિલા અને બાળકને ઊંચકે છે અને બહાર રહેલા લોકો બન્નેને ખેંચી લે છે. આ ઘટનાના CCTV ફૂટેજ ખુબ જ વાઇરલ થઈ રહ્યા છે. CCTV ફૂટેજ પરથી સમજી શકાય છે કે, નગર નિગમની બેદરકારી તો છે જ, સાથે સાથે મહિલાની બેદરકારી પણ એટલી જ છે.