છૂટાછેડાના સમાચાર વચ્ચે પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિકે સાનિયા મિર્ઝાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. શોએબે સાનિયાની સાથે પોતાની એક તસવીર પણ શેર કરી લખ્યું- તમને જન્મદિવસની શુભકામનાઓ સાનિયા, તમને સ્વસ્થ અને સુખીજીવનની શુભેચ્છા. આજના દિવસનો સંપૂર્ણ આનંદ માણો'.
બે દિવસ પહેલાં આ સમાચાર પણ સામે આવ્યા છે કે બંને પાકિસ્તાની ચેનલના એક ટોક શોમાં સાથે જોવા મળશે. આ ટોક શોનું નામ છે 'ધ મિર્ઝા મલિક શો'. જો કે, શોએબે 2 માર્ચે પણ શો વિશે પોસ્ટર શેર કર્યું હતું.
સાનિયા 15 નવેમ્બરે તેનો 36મો જન્મદિવસ ઊજવી રહી છે. શોએબની આ પોસ્ટથી લોકોના મનમાં એક સવાલ ઊઠી રહ્યો છે કે ખરેખર બંનેના છૂટાછેડા થઈ ગયા છે કે પછી કંઈક બીજું છે?
વર્ષ 2010માં શોએબ અને સાનિયાનાં લગ્ન થયાં હતાં. બંનેનો એક દીકરો ઈઝહાન છે. તેનો જન્મ લગ્નનાં 10 વર્ષ પછી 2018માં થયો હતો. 30 ઓક્ટોબરે સાનિયા અને શોએબ છેલ્લી વખતે દીકરા ઈઝહાનના જન્મદિવસ પર એકસાથે જોવા મળ્યાં હતાં.
હવે સ્ટેપ બાય સ્ટેપ જાણો છૂટાછેડાનો દાવો કેમ...
1. પહેલાં પાકિસ્તાની મીડિયા અલગ થવાનો દાવો કરે છે
ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક છૂટાછેડાની તૈયારી કરી રહ્યાં છે. આ દાવો પાકિસ્તાની મીડિયા દ્વારા કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે બંને અલગ-અલગ રહે છે. રિપોર્ટ્સમાં ખાલી આટલું કહેવામાં આવી રહ્યું છે કે શોએબે તેના એક ટીવી શો દરમિયાન સાનિયા સાથે દગો કર્યો હતો. જો કે આ વિશે વધુ લખવામાં આવી રહ્યું નથી.
2. સાનિયાની પોસ્ટ આ દાવાઓને સમર્થન આપે છે
સાનિયાએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકી હતી. જેમાં તેણે પોતે જ સવાલ કર્યા, પોતે જ જવાબ આપ્યા. લખ્યું- Where do broken hearts go. To find Allah! એટલે કે તૂટેલા દિલ ક્યાં જાય છે. અલ્લાહને શોધવા માટે! આ પોસ્ટ દર્શાવે છે કે સાનિયાનું દિલ તૂટી ગયું છે. તે દુઃખી છે અને તે જાહેર પણ કરી રહી છે.
3. મિત્રએ દાવો કર્યો - છૂટાછેડા થઈ ગયા, કાયદાની રીતે અટક્યા
સાનિયા-મલિકના એક નજીકના મિત્રએ જણાવ્યું કે તેઓ ઓફિશિયલી છૂટાછેડા લઈ ચૂક્યાં છે. કેટલીક ઔપચારિકતાઓ છે, જે હજુ બાકી છે. બંને હાલ અલગ-અલગ રહે છે. સાનિયા દુબઈમાં છે, જ્યારે મલિક પાકિસ્તાનમાં છે. આ મિત્ર તેની મેનેજમેન્ટ ટીમનો ભાગ છે. જેણે કહ્યું- 'હું બંનેના છૂટાછેડાની પુષ્ટિ કરી શકું છું, પરંતુ આનાથી વધુ કંઈ બોલી શકું નહીં.'
4. આ ટ્વિસ્ટ ટોક શોના વાઈરલ ફોટોમાંથી આવ્યો
સાનિયા-શોએબ ટૂંક સમયમાં પાકિસ્તાની ચેનલના એક ટોક શોમાં સાથે જોવા મળશે. આ ટોક શોનું નામ છે 'ધ મિર્ઝા મલિક શો'. પાકિસ્તાની ચેનલ ઉર્દૂ ફ્લિક્સે આ પોસ્ટરને ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. ઉર્દૂ ફ્લિક્સે કહ્યું કે ટૂંક સમયમાં આ શોનું પ્રીમિયર લાઈવ થશે.
5. હવે શોએબે જન્મદિવસની શુભેચ્છા પાઠવી... પરંતુ પ્રશ્ન - સાથે-સાથે કે દૂર
મોડી રાત્રે સાનિયાના 36મા જન્મદિવસ પર શોએબે જે તસવીર પોસ્ટ કરી છે, તે જૂની લાગી રહી છે. એટલે કે સાનિયાના જન્મદિવસ પર પણ શોએબ તેની સાથે નથી. આથી જ બંનેના અલગ થવાના સમાચાર હજુ બંધ થયા નથી, પરંતુ ટોક શોમાં અને તસવીર પોસ્ટ કરતા એ સવાલ ઊઠી રહ્યો છે કે બંને સાથે છે કે અલગ.
6. સાનિયા શોએબની પહેલી પત્ની નથી, લગ્ન સમયે પહેલીએ હંગામો મચાવ્યો
શોએબની પહેલી પત્ની સાનિયા નહીં પરંતુ આયેશા સિદ્દીકી છે. 2010માં સાનિયા-શોએબનાં લગ્ન પહેલાં આયેશા મીડિયામાં આવીને કહેતી હતી કે તે શોએબની પત્ની છે. શોએબ તલાક આપ્યા વિના લગ્ન કરી શકે નહીં. હૈદરાબાદની રહેવાસી આયેશાએ કહ્યું હતું કે શોએબ જાડી હોવાને કારણે તેને પસંદ નથી કરતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.