મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર પડતી દેખાઈ રહી છે. પહેલાં રાજ્યસભા અને હવે MLC ચૂંટણીમાં ઝટકો મળ્યા પછી મહાવિકાસ અધાડી સરકાર પર સંકટ તોળાવા લાગ્યું છે. મહારાષ્ટ્રમાં MLCની ચૂંટણીમાં થયેલા ક્રોસ વોટિંગનો ફાયદો ભાજપને મળ્યો છે. પરિણામે શિવસેનાને મોટો ઝટકો મળતો દેખાય છે. બીજી બાજુ પાર્ટીના સીનિયર નેતા એકનાથ શિંદેની સાથે શિવસેનાના 20થી વધારે ધારાસભ્યો સંપર્કમાં નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ધારાસભ્યો ગુજરાતના સુરતમાં છે. આવા રાજકિય સંકટની વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ દરેક ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. તો આવો જાણીએ શું છે મહારાષ્ટ્ર વિધાનસભાનું ગણીત? ભાજપને કેવી રીતે થશે ફાયદો...
ક્યાંથી શરૂ થયો ખેલ?
મહારાષ્ટ્રનો રાજકિય ખેલ રાજ્યસભા ચૂંટણીથી શરૂ થયો છે. અહીં રાજ્યસભા ચૂંટણીમાં 113 ધારાસભ્યોના સમર્થનવાળા ભાજપને 123 વોટ મળ્યા હતા. ત્યારપછી MLC ચૂંટણીમાં તેમની તાકાત વધારે વધી. સોમવારે થયેવી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 134 ધારાસભ્યોનું સમર્થન મળ્યું અને ભાજપ અહીં વિધાન પરિષદના તેમના પાચેય ઉમેદવારોને જીતાડવામાં સફળ રહી. બીજી બાજુ શિવસેનાને તેમના 55 ધારાસભ્યો અને અપક્ષનું સમર્થન હોવા છતાં 52 વોટ જ મળ્યા.
શું છે આંકડાનું ગણીત?
મહારાષ્ટ્રમાં વિધાનસભામાં સીટોની સંખ્યા 288 છે. અહીં સરકાર બનાવવા માટે કોઈ પણ પક્ષને 145 ધારાસભ્યોનું સમર્થન જોઈએ. 2019માં થયેલી ચૂંટણીમાં 105 સીટ જીત્યા પછી પણ ભાજપ સરકાર નહતી બનાવી શકી. ત્યારપછી 57 સીટો વાળી શિવસેના, 53 સીટો વાળી એનસીપી અને 44 સીટોવાળી કોંગ્રેસના ગઠબંધનથી અહીં સરકાર બની છે. ત્રણેય પક્ષના થઈને અહીં 154 સભ્યો થયા હતા. તે સિવાય અન્ય પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો સાથે મળીને કુલ 169 ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું.
હવે કેવી રીતે બદલાઈ રહ્યું છે ગણીત?
વિધાનપરિષદની ચૂંટણી પછી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, મહારાષ્ટ્રમાં ભાજપને હવે 134 ધારાસભ્યોનું સમર્થન મળી ગયું છે. એટલે કે બહુમત સાબીત કરવા હવે ભાજપને માત્ર 11 ધારાસભ્યો જોઈએ. બીજી બાજુ શિવસેનાના સીનિયર નેતા એકનાથ શિંદે સહિત શિવસેના 20 જેટલા ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં નથી. માનવામાં આવે છે કે, આ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. આ સિવાય સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ અને એનસીપીના પણ અમુક ધારાસભ્યો ભાજપમાં જઈ શકે છે. જો આવું થશે તો મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર સામે સંકટ ઉભું થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.