પંજાબમાં સ્થાનિક ચૂંટણીમુદ્દે વાતાવરણ તંગ બન્યું છે. આ જ વિવાદમાં મંગળવારે જલાલાબાદમાં શિરોમણિ અકાલી દળ (શિઅદ) અને કોંગ્રેસ કાર્યકર્તાઓ સામ-સામે આવી ગયા હતા. બંને પક્ષોએ એકબીજા સામે પથ્થરમારો કર્યો હતો. ડંડા માર્યા હતા અને ગોળીઓ પણ ચલાવી હતી. કોંગ્રેસ કાર્યકર્તાઓએ પ્રમુખ સુખબીર સિંહ બાદલની ગાડીમાં તોડફોડ કરી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જલાલાબાદ કાઉન્સિલની ચૂંટણી માટે મંગળવારે અકાલી પક્ષના ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરવા આવ્યા હતા. તેમનો કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો અને ત્યાર પછી સુખબીર સિંહ બાદલની ગાડીમાં તોડફોડ પણ કરી હતી.
સુખબીર બાદલનો આરોપ- અમારા કાર્યકર્તાઓ પણ ગોળીઓ ચલાવાઈ હતી
ઘટના પછી સુખબીર બાદલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે માત્ર વિરોધી પાર્ટીના ધારાસભ્ય પરિવારને જબાવદાર ગણાવ્યા છે અને પોલીસ પર પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે આયોજનબદ્ધ કરવામાં આવેલી હિંસા અને ઝપાઝપીમાં 3 અકાલી કાર્યકર્તાઓને ગોળી વાગી છે. ગોળી સ્થાનિક ધારાસભ્યના દીકરા તરફથી ચલાવવામાં આવી છે. ઝપાઝપીમાં પોલીસ તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.
અકાલી કાર્યકર્તાઓએ કહ્યું- કોંગ્રેસ અને પોલીસ અમારા ઉમેદવારોને રોકી રહ્યા હતા
સોમવારે ગુરુહરસહાણમાં શિરોમણિ અકાલી દળના નેતા વરદેવ સિંહ માનની આગેવાનીમાં અકાલીઓએ કોંગ્રેસ સામે ધરણાં કર્યાં હતાં. અકાલીઓનો આરોપ છે કે નગર કાઉન્સિલ ચૂંટણી માટે ઉમેદવાર નામ નોંધાવવા રિટર્નિંગ સેન્ટર જઈ રહ્યા હતા. કોંગ્રેસનેતાઓ અને પોલીસે તેમને સેન્ટરથી અડધો કિમી પહેલાં જ રોકી દીધા હતા. સેન્ટર સુધી તેમના ઉમેદવારોને પહોંચવા જ ન દેવાયા, તેથી તેમણે ધરણાં કર્યાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.