તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
71 વર્ષના ગુલામ નબી આઝાદ સંસદમાં 4 દાયકા જેટલો લાંબો સમય વિતાવ્યા બાદ 15 ફેબ્રુ.એ રાજ્યસભામાંથી કાર્યમુક્ત થઇ જશે. તેઓ સૌપ્રથમ 1990માં રાજ્યસભામાં ચૂંટાયા હતા. 48 વર્ષથી કોંગ્રેસને વફાદાર રહેલા આઝાદ સામે ગત ઓગસ્ટમાં બળવાનો આક્ષેપ થયો હતો કે જ્યારે તેમણે 23 નેતા સાથે મળીને સોનિયા ગાંધીના નેતૃત્ત્વને પત્ર લખ્યો હતો. ગત મંગળવારે આઝાદની રાજ્યસભામાંથી સત્તાવાર વિદાય હતી ત્યારે વડાપ્રધાનની લાગણીસભર વાતો અને આંસુંએ સૌને ચોંકાવી દીધા. આઝાદને પણ તેની આશા નહોતી.
મોદીએ કહ્યું કે તેઓ આઝાદને રિટાયર નહીં થવા દે. તેથી અટકળો કરાતી હતી કે આજીવન કોંગ્રેસી રહેલા આઝાદ ભાજપમાં જોડાઇ રહ્યા છે? જોકે, લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં તેમણે સ્પષ્ટ કરી દીધું કે ભાજપમાં જવાનો તેમનો કોઇ વિચાર નથી. તેમને કોંગ્રેસમાં કોઇ પદની પણ આકાંક્ષા નથી. ગત સપ્ટે.માં પત્રવિવાદ બાદ સોનિયાએ આઝાદને કોંગ્રેસ મહામંત્રીપદેથી હટાવી દીધા હતા. ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના ખાસ રહેલા આઝાદે કોંગ્રેસને ઘણીવાર મુશ્કેલ સમયમાંથી બહાર કાઢી છે. આઝાદ રાજકારણમાંથી નિવૃત્તિ બાદ હવે તેમના વતન ડોડામાં સમય વિતાવવાની ઇચ્છા ધરાવે છે.
અંગત જીવન: ફૂલોનો શોખ, બીજ પણ જાતે જ પસંદ કરે છે
આઝાદના ઘરના બગીચામાં 25-26 જાતનાં ફૂલ છે. 2005થી 2008 સુધી જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે એશિયાનો પહેલો ટ્યૂલિપ ગાર્ડન કાશ્મીરમાં બનાવડાવ્યો હતો, જે આજે એક પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે. આઝાદે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તેઓ ફૂલોના શોખીન હોવા ઉપરાંત ફૂલોના બીજ પણ જાતે પસંદ કરે છે અને ભેગા કરે છે. તેમના પત્ની શમીમ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ખ્યાતનામ ગાયિકા છે. તેમણે જણાવ્યું કે આઝાદ શાયરી લખવાના પણ શોખીન છે.
વિવાદ: હિંસા ભડકતાં આઝાદે નિર્ણય પાછો ખેંચવો પડ્યો હતો
2008 -જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે રાજ્યમાં ચૂંટણીના 2 મહિના અગાઉ હિન્દુ મંદિરોને બીજી જમીન પર ખસેડવાની યોજનાને મંજૂરી આપતાં અફવા ફેલાઇ કે દેશભરમાંથી લોકો અહીં આવીને જમીન ખરીદી શકશે. તેના કારણે ખીણમાં હિંસા ભડકી. આઝાદે દબાણવશ નિર્ણય પાછો ખેંચ્યો અને મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપી દીધું.
2009 - કેન્દ્રીય સ્વાસ્થ્ય-પરિવાર કલ્યાણ મંત્રી રહેલા આઝાદે વસતી નિયંત્રણ માટે કરેલું એક સૂચન પણ વિવાદોમાં રહ્યું. તેમણે કહેલું કે ગામડાંમાં ઘેર-ઘેર વીજળી પહોંચાડવાથી લોકો ટીવી જોઇ શકશે. મનોરંજનના સાધન હોવાથી કુટુંબ નિયોજન સરળ બની જશે. આઝાદે લગ્નની ઉંમર પણ 25-30 વર્ષ કરવાનું સૂચન કર્યું હતું.
2019 - તે વર્ષે ઓગસ્ટમાં ‘લેટર બોમ્બ’નો ભારે વિવાદ રહ્યો. આઝાદે કોંગ્રેસના નેતૃત્ત્વમાં ધરમૂળથી પરિવર્તન અને પારદર્શિતાની માગ સાથે બ્લોક લેવલથી ટોચના નેતૃત્ત્વ માટે પણ ચૂંટણીની તરફેણ કરી હતી. પત્ર લખનારા વરિષ્ઠ નેતાઓના જૂથ જી-23નું નેતૃત્ત્વ કર્યું હતું. ત્યાર બાદ તેમને પક્ષના મહામંત્રીપદેથી હટાવી દેવાયા હતા.
રાજકારણ: બે વખત જમ્મુ-કાશ્મીરનું મુખ્યમંત્રીપદ ઠુકરાવ્યું
આઝાદ 1973માં કોંગ્રેસમાં જોડાયા. 24 વર્ષની ઉંમરે જમ્મુના ડોડા જિલ્લામાં ભાલેસા બ્લોક કમિટીના સચિવ હતા. સરળ પણ આખાબોલા હોવાના કારણે ઓછા સમયમાં તેમણે પોતાની ઓળખ બનાવી લીધી. જમ્મુની મુલાકાતે ગયેલાં ઇન્દિરા ગાંધી પણ આઝાદથી પ્રભાવિત થયા. 1975માં આઝાદ જમ્મુ-કાશ્મીર યુથ કોંગ્રેસના અધ્યક્ષ, 1980માં યુવક કોંગ્રેસના અખિલ ભારતીય અધ્યક્ષ બન્યા. તે જ વર્ષે મહારાષ્ટ્રના વાશિમથી લોકસભા ચૂંટણી જીતીને સંસદમાં ગયા. ઇન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીએ પણ પક્ષના અગ્રણી નેતાઓમાં આઝાદને આગળ રાખ્યા. આઝાદે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે રાજીવ ગાંધી સાથે તેમણે 1 હજાર કલાક વીતાવ્યા છે. 1986માં ખાદ્યાન્ન-પુરવઠા મંત્રાલયના રાજ્યમંત્રી આઝાદને રાજીવે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બનવા આગ્રહ કર્યો હતો પણ આઝાદે એમ જણાવી ઇનકાર કર્યો હતો કે તેમને રાજ્યના રાજકારણમાં રુચિ નથી. ત્યાર બાદ 1995-96માં નરસિંહ રાવે પણ આઝાદને જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી વખતે મુખ્યમંત્રીપદના ઉમેદવાર બનવા આગ્રહ કર્યો હતો.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.