• Gujarati News
  • National
  • Sheena Bora Murder Case; Indrani Mukerjea Says CBI Her Daughter Is Alive And She Is In Kashmir 

શીના બોરા કેસમાં સૌથી મોટો યુ-ટર્ન:હત્યાની આરોપી માતા ઈન્દ્રાણીનો દાવો- મારી દીકરી જીવતી છે, CBI કાશ્મીર જઈને શોધે

એક મહિનો પહેલા

મુંબઈમાં 2012માં થયેલા શીના બોરા હત્યાકાંડમાં સૌથી મોટો યુ-ટર્ન આવ્યો છે. શીનાની હત્યાની આરોપી તેની માતા ઈન્દ્રાણી મુખર્જીએ જ દાવો કર્યો છે કે તેની દીકરી જીવતી છે. ઈન્દ્રાણી હાલ ભાયખલા જેલમાં બંધ છે. ઈન્દ્રાણીનો દાવો છે કે જેલમાં બંધ એકસાથી મહિલા કેદીએ શીના સાથે કાશ્મીરમાં મુલાકાત કરી છે.

ઈન્દ્રાણીએ CBI ડિરેક્ટરને આ વિશે એક ચિઠ્ઠી લખી છે. તેણે અપીલ કરી છે કે શીના બોરાને કાશ્મીરમાં શોધવામાં આવે. આ કેસની તપાસ CBI કરી રહી છે. ઈન્દ્રાણી પર તેની દીકરીને કારમાં ગળું દબાવીને હત્યા કરવાનો અને તેની લાશને જમીનમાં દાટી દેવાનો આરોપ છે.

28 ડિસેમ્બરે સ્પેશિયલ કોર્ટમાં ચિઠ્ઠી રજૂ કરવામાં આવશે
ઈન્દ્રાણીની આ ચિઠ્ઠીને 28 ડિસેમ્બરે CBIની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ દિવસે તેની જામીન અરજી વિશે પણ સુનાવણી થવાની છે. આ પહેલાં ઈન્દ્રાણીની જામીન અરજી 6 વાર ફગાવી દેવામાં આવી છે. દર વખતે ઈન્દ્રાણી જામીન માટે અલગ અલગ કારણ રજૂ કર્યા છે.

ઈન્દ્રાણી 2015થી મુંબઈની ભાયખલા જેલમાં બંધ છે, 6 વાર જુદાં-જુદાં કારણોથી તેના જામીન રદ કરવામાં આવ્યા છે.
ઈન્દ્રાણી 2015થી મુંબઈની ભાયખલા જેલમાં બંધ છે, 6 વાર જુદાં-જુદાં કારણોથી તેના જામીન રદ કરવામાં આવ્યા છે.

CBI શીના બોર કેસ ક્લોઝ કરવા માગે છે
CBIએ શીના બોરા મર્ડર કેસમાં તપાસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. થોડા દિવસ પહેલાં CBIએ મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં કહ્યું હતું કે 2012માં થયેલા આ મર્ડર કેસની તપાસ પૂરી થઈ ગઈ છે. CBIએ આ કેસમાં બે ચાર્જશીટ અને બે સપ્લિમેન્ટરી ચાર્જશીટ ફાઈલ કરી છે. એમાં ઈન્દ્રાણી મુખર્જી, તેના ડ્રાઈવર શ્યામ રાય, પૂર્વ પતિ સંજીવ ખન્ના અને પીટર મુખર્જીને આરોપી બનાવવામાં આવ્યા છે.

શું છે શીના બોરા હત્યાકાંડ?

  • શીના બોરા હત્યાકાંડનો ઘટસ્ફોટ ત્યારે થયો ત્યારે પોલીસે ઈન્દ્રાણી મુખર્જીના ડ્રાઈવર શ્યામવર રાયની બંદૂક સાથે ધરપકડ કરી હતી. રાયે જણાવ્યું હતું કે શીનાની હત્યા વર્ષ 2012માં ઈન્દ્રાણી મુખર્જીએ ગળું દબાવીને કરી હતી.
  • ઈન્દ્રાણીની ધરપકડ પછી તેના પૂર્વ પતિ સંજીવ ખન્નાની પણ દીકરીની હત્યામાં મદદ કરવા અને પુરાવાનો નાશ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
  • પોતાના બીજા પતિ પીટર મુખર્જીને ઈન્દ્રાણીએ જણાવ્યું હતું કે શિના તેની બહેન છે. શીના બોરા અને પીટર મુખર્જીના દીકરા રાહુલ મુખર્જી એકબીજાનાં ઘણાં ક્લોઝ હતાં.
  • શીના અચાનક વર્ષ 2012માં ગાયબ થઈ જતાં રાહુલે તેને શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો. જ્યારે ઘટના સામે આવી ત્યારે ખબર પડી કે ઈન્દ્રાણીએ મુંબઈના બાંદ્રામાં શીનાનું ગળું દબાવીને હત્યા કરી દીધી છે અને તેની લાશને રાયગઢ જિલ્લામાં દાટી દીધી હતી.
  • તપાસ એજન્સીએ દાવો કર્યો હતો કે ત્યાંથી શીના બોરાના અવશેષો મળ્યા હતા. જોકે ઈન્દ્રાણીએ આ વાત નકારી દીધી હતી.
  • ઈન્દ્રાણી પછી CBIએ તેના પતિ પીટર મુખર્જીની પણ ધરપકડ કરી હતી. તેમને 2020માં જામીન મળી ગયા હતા. ટ્રાયલ દરમિયાન ઈન્દ્રાણી અને પીટરે તેમના 17 વર્ષના લગ્ન પછી 2019માં ડિવોર્સ લીધાં હતાં.

આ 6 તારીખોમાં શીનાની હત્યાનું રહસ્ય ખૂલ્યું
24 એપ્રિલ, 2012માં શીના બોરાની રાયગઢ જિલ્લામાં હત્યા કરાઈ. શીનાનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. ત્યાર પછી તેના પર પેટ્રોલ છાંટીને સળગાવી દેવામાં આવી હતી. લાશને એક સૂટકેસમાં મૂકીને ખોપોલી રોડ પર ફેંકી દેવામાં આવી.
23 મે, 2012 પોલીસને એક સડેલી લાશના અવશેષો મળ્યા.
21 ઓગસ્ટ 2015ના રોજ શ્યામવર રાયની હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી.
22 ઓગસ્ટ 2015ના રોજ રાયે ઘટસ્ફોટ કર્યો કે ઈન્દ્રાણીએ શીનાની હત્યા કરી હતી.
25 ઓગસ્ટ 2015ના રોજ ખાર પોલીસે ઈન્દ્રાણીની ધરપકડ કરી.
26 ઓગસ્ટ 2015ના રોજ પોલીસે ઈન્દ્રાણીના પૂર્વ પતિ અને શીના બોરા મર્ડર કેસમાં સહઆરોપી સંજીવ ખન્નાની ધરપકડ કરી.

અન્ય સમાચારો પણ છે...