તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી બાદ અદાર પૂનાવાલાને સુરક્ષાકવચ:કોવિશીલ્ડ બનાવનાર સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEOને ‘Y’ શ્રેણીની સુરક્ષા પ્રદાન કરાઈ

3 મહિનો પહેલા
  • ધમકીના અહેવાલો પછી સરકારનો નિર્ણય, સમગ્ર દેશમાં કોઈપણ સ્થળે પૂનાવાલાની સુરક્ષામાં તહેનાત રહેશે CRPFના જવાનો

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના સીઈઓ અદાર પૂનાવાલાને ‘સંભવિત જોખમ’ને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં ‘વાય’ શ્રેણીની સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે જોખમને ધ્યાનમાં રાખીને પૂનાવાલાને સુરક્ષા પ્રદાન કરાઈ છે. તેમને ધમકીઓ મળી રહી હતી.

હવે કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)ના સશસ્ત્ર કમાન્ડો દરેક સમયે પૂનાવાલાની સાથે રહેશે અને તેઓ પૂનાવાલાની સાથે ત્યારે પણ રહેશે જ્યારે તેઓ દેશના કોઈપણ હિસ્સામાં મુસાફરી કરી રહ્યા હશે. અધિકારીઓના અનુસાર, ‘વાય’ શ્રેણીની સુરક્ષા અંતર્ગત પૂનાવાલાની સાથે લગભગ 4-5 સશસ્ત્ર કમાન્ડો રહેશે.

ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને સુરક્ષા માટે અનુરોધ કરાયો હતો
વાસ્તવમાં, પૂણે સ્થિતિ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સરકાર તથા નિયમન કાર્યના ડિરેક્ટર પ્રકાશ કુમાર સિંહે 16 એપ્રિલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને પૂનાવાલાને સુરક્ષા પ્રદાન કરવા અનુરોધ કર્યો હતો જેના પછી કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે.

કોવિશીલ્ડ રસીનું ઉત્પાદન કરે છે પૂનાવાલાની SII
ભારતમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં કોવિશીલ્ડ વેક્સિનનું ઉત્પાદન સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે. પોતાના પત્રમાં પ્રકાશ કુમાર સિંહે કહ્યું હતું કે કોવિડ-19ની રસીની સપ્લાઈ અંગે વિવિધ સમૂહો દ્વારા પૂનાવાલાને ધમકીઓ મળી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું, ‘અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઊર્જાવાન નેતૃત્વમાં ભારત સરકારની સાથે ખભે ખભો મિલાવીને કોવિડ-19 મહામારી વિરુદ્ધ લડી રહ્યા છીએ.’

સીરમે રસીની કિંમત ઘટાડી

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના CEO અદાર પૂનાવાલાએ તેમની વેક્સિનની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. SII એ પોતાની કોવિડ-19 વેક્સિન કોવિશીલ્ડની રાજ્ય સરકારો માટેની કિંમત રૂપિયા 400 નક્કી કરી હતી, જે હવે ઘટાડીને રૂપિયા 300 કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી હતી. આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતું કે કિંમતમાં આ ઘટાડો તાત્કાલિક અસરથી અમલી બને છે. તેનાથી રાજ્યોને હજારો કરોડ રૂપિયાની બચત થશે અને વધારે પ્રમાણમાં વેક્સિનેશન કરી શકાશે તથા અનેક લોકોના જીવનને બચાવી શકાશે.