ઉત્તરાખંડના જોશીમઠમાં બુધવારે સ્થિતિ વધુ કથળી હતી. બપોરના સમયે લગભગ વધુ 50 મકાનોમાં તિરાડો પડી ગઇ હતી. જેના લીધે લોકો ભયભીત થઇ બહાર મેદાનોમાં દોડી આવ્યા હતા. અફરાતફરી વચ્ચે વરસાદ પણ શરૂ થઇ ગયો. તંત્રને વિનંતી કરી હોવા છતાં લોકો પોતાનાં ઘર છોડવા તૈયાર નથી. લોકો એટલે રોષે ભરાયા છે કેમ કે મૂલ્યાંકન અને વળતર નક્કી થયા વિના જ તેઓ પોતાનાં ઘર છોડવા તૈયાર નથી.
અમુકને હોટલોમાં રોકાણ અપાયું છે. જોકે આ લોકો જ્યારે હોટલમાં પહોંચ્યા તો ત્યાં પણ તિરાડો પડી ગઇ હતી એટલા માટે તેમણે ત્યાં રહેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો અને કહ્યું કે જો મરવું જ છે તો પોતાના ઘરમાં જ કેમ ન મરીએ. વિરોધને કારણે જોશીમઠમાં બુધવારે બીજા દિવસે પણ મકાનોને તોડી પાડવાની કાર્યવાહી શરૂ થઈ શકી નહોતી.
તંત્રએ સમજાવ્યા છતાં લોકો પોતાનાં ઘરની બહાર અને તાલુકા પરિસરમાં ધરણાં પર બેઠાં છે. તેઓ કહે છે કે તેમની માગ પૂરી થવા સુધી તે ઘર નહીં છોડે. જોશીમઠમાં અલકનંદા નદીના કિનારે બનેલા સૈન્યની કેટલીક બેરેકમાં પણ તિરાડો પડી ગઈ છે.
પીડા: પહેલાં કહ્યું- મકાન સુરક્ષિત, એક દિવસ બાદ સરવે ટીમે આવીને કહ્યું - અડધો કલાકમાં જ મકાન ખાલી કરો
જોશમીઠના સિંહદ્વારના રમેશસિંહ નેગી કહે છે કે, મંગળવારે સરવે ટીમે મારું મકાન સુરક્ષિત ગણાવ્યું. પછી બુધવારે હું નોકરીએ ગયો. બપોરે પત્નીએ ફોન કરીને કહ્યું કે સરકારી માણસો અડધો કલાકમાં મકાન ખાલી કરવાનું કહે છે. હું તાત્કાલિક ઘરે આવ્યો તો પત્ની-બાળકો રડીને અધમૂઆ થઈ ગયાં હતાં. અડધો કલાકમાં મકાન કેવી રીતે ખાલી થાય? ક્યાં જઇએ? આજુબાજુનાં મકાનોમાં પણ આવી જ ઊથલ-પાથલ મચી હતી.
ઘરનો સામાન પેક કરી દીધો, એક રૂમમાં ત્રણ પરિવાર છે...
જે પરિવારોને મકાન ખાલી કરવા કહ્યું છે તેમણે સામાન પેક કરી દીધો છે. જોશીમઠની અંજુ ઉનિયાલ અને સુલોચના દેવી કહે છે કે થોડો સામાન પેક કરી પાડોશીના ઘરે મૂક્યો છે. આ પરિવાર રાતે પાડોશીના ઘરે કે હોમ સ્ટેમાં રહે છે. એક રૂમમાં 3-3 પરિવાર રહે છે. બાળકોવાળા પરિવારો માટે કાતિલ ઠંડીવાળી રાત દુ:સ્વપ્ન સમાન હોય છે. સવારે ફરી ઘરે જઇએ છીએ.
ધસતું ઉત્તરાખંડ... કર્ણપ્રયાગ, મસૂરી, ચંબાનાં મકાનોમાં તિરાડો
જોશીમઠની સાથે ઉત્તરાખંડના કર્ણપ્રયાગ, મસૂરી અને ચંબાના અનેક મકાનોમાં પણ તિરાડો પડી ગઇ છે.
કર્ણપ્રયાગમાં નદીની આસપાસ ધોવાણ| કર્ણપ્રયાગની સ્થિતિ જોશીમઠથી જુદી છે. કર્ણપ્રયાગમાં પિંડર અને અલકનંદા નદીનો સંગમ છે. પિંડર તરફના વસવાટ નજીક જમીન ધોવાઇ રહી છે કારણ કે, અહીં મોટા બાંધકામ ચાલે છે. અહીં સમયાંતરે રિપોર્ટ આવ્યા, છતાં સરકારે કોઈ કાર્યવાહી ના કરી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.