ચીન સરહદે ભગીરથી નદીની તળેટીમાં ઉત્તરાખંડનું હર્ષિલ ગામ વસ્યું છે. અહીંના લોકોએ 1962માં ભારત-ચીન યુદ્ધ પછી અત્યંત ગરીબી જોઈ પછી અહીંના યુવાનોએ દુર્ગમ પહાડીઓમાં સફરજનના બગીચા તૈયાર કરી પોતાનું નસીબ બદલી નાખ્યું. આજે આ ક્ષેત્રના 8 ગામમાં દરેક પરિવાર સફરજનના વેપાર સાથે જોડાયેલો છે. 10 હજાર એક્ટરમાં સફરજનના બગીચા છે. જેમાં 20,500 મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. તેમાં દોઢ લાખ પેટી સફરજનની સૌથી શ્રેષ્ઠ ગુણવત્તાની ગોલ્ડન, રેડ ડેલિસિયસની હોય છે. તે અમેરિકા સહિત વિવિધ બજારોમાં 10 કરોડ સુધીમાં વેચાય છે. આ ગામમાં સફરજનનો નાનો ખેડૂત પણ વાર્ષિક 5 લાખ પણ કમાય છે. ઘણા એવા પણ છે જેઓ દેશ-વિદેશમાં સફરજન વેચી 25 લાખ સુધીની કમાણી કરે છે.
દરાલી ગામના ખેડૂત સચેન્દ્ર પંવાર કહે છે કે સેંકડો વર્ષથી તેમના પૂર્વજો પશુપાલન અને ઊનના કપડાં વેચી આજીવિકા ચલાવતા હતા. ભારત-ચીન યુદ્ધ પછી વેપાર બંધ થઈ ગયો. ત્યાર પછી સમગ્ર વિસ્તારમાં બેહદ ગરીબી આવી. અન્ય એક ખેડૂત માધવેન્દ્ર કહે છે કે 1978માં આ વિસ્તારમાં ભીષણ પૂર આવ્યું. તે સમયે કેટલાક લોકો પોતાને ખાવા માટે સફરજન ઉગાડતા હતા. પરંતુ પૂર પછી આર્થિક રીતે તૂટી ચૂકેલા લોકોએ જોયું કે ઝાલા ગામના રામસિંહના સફરજન ભારતીય આર્મીએ 10 હજાર રૂપિયામાં ખરીદી લીધા. તે સમયે આ મોટી રકમ હતી. આ સોદાની ઘણી ચર્ચા થઈ. આજે આ રાજ્યનો સૌથી સમૃદ્ધ વિસ્તાર છે. અમારા બાળકો ઉત્તર કાશીની શાળામાં ભણી રહ્યા છે. મુખવા ગામના સોમેશ સેમવાલ કહે છે કે તેમને પોતાના ઘરે સફરજનમાંથી ચીપ્સ બનાવવાનું મશીન નાખ્યું છે. 30 ટકા સફરજન તો પર્યટકો જ ગામમાંથી ખરીદી લે છે. અહીં પુરુષ અને મહિલાઓ સુતર કાંતતા દેખાય છે.
બ્રિટિશ આર્મીના અધિકારીએ ખેતી શરૂ કરી હતી
આ બેલ્ટમાં આઝાદીના બહુ પહેલાથી બ્રિટિશ આર્મી ઓફિસર ફેડ્રીક વિલ્સને સફરજનની ખેતી શરૂ કરી હતી. તેમણે ઉત્તરાખંડમાં પહાડી વિલ્સન નામથી પણ ઓળખાય છે. 1925માં તેમણે ગોલ્ડન ડેલિસિયસ અને રેડ ડેલિસિયસ પ્રજાતિના સફરજનના બગીચા સ્થાપ્યા હતા. હર્ષિલ અને તેની આસપાસની વસ્તીએ 1960થી આ ખેતી શરૂ કરી હતી. રોબર્ટ હચિન્સનના પુસ્તક ધ રાજા ઓફ હર્ષિલમાં પણ વિલ્સનનું વર્ણન જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.