• Gujarati News
  • National
  • Security Is Tight, But Why Stop The PM's Car Due To Farmers' Protest On The Flyover?

PMનો કાફલો કઈ રીતે ચાલે છે?:વડાપ્રધાનના કાફલાની જવાબદારી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ સંભાળે છે, PMનો રુટ 7 કલાક પહેલાં જ નક્કી થાય છે

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
PMના કાફલામાં તેમની વિશેષ કાર જેવી જ બે ડમી કાર પણ હોય છે. સાથે જ કાફલામાં જામર પણ મહત્વના હોય છે - Divya Bhaskar
PMના કાફલામાં તેમની વિશેષ કાર જેવી જ બે ડમી કાર પણ હોય છે. સાથે જ કાફલામાં જામર પણ મહત્વના હોય છે

PM નરેન્દ્ર મોદી બુધવારે પંજાબના ફિરોઝપુરમાં એક રેલીને સંબોધિત કરવા જવાના હતા, જ્યાં અચાનક રેલીનો કાર્યક્રમ રદ થતાં PMનો કાફલો પરત ફર્યો હતો. ત્યારે જ બીજી બાજુ પ્રદર્શનકારી ખેડૂતો એકાએક વિરોધ કરવા આવી જતા PMનો કાફલો એક ફ્લાયઓવર પર લગભગ 20 મિનિટ સુધી અટકી ગયો હતો. જેને PMની સુરક્ષામાં મોટી ચૂક માનવામાં આવે છે. જો કે PMના કાફલાને લઈને પહેલાંથી જ રુટ અને વૈકલ્પિક માર્ગ નક્કી જ હોય છે. ત્યારે આવો જાણીએ કઈ રીતે ચાલે છે PMનો કાફલો અને કેવી હોય છે તેમની સુરક્ષા વ્યવસ્થા

PMના કાફલાની આવી હોય છે સુરક્ષા
વડાપ્રધાનની સુરક્ષા દેશમાં સૌથી ચુસ્ત હોય છે. જેની જવાબદારી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) પાસે હોય છે. SPGનું ગઠન વર્ષ 1988માં થયું હતું. SPG 4 ભાગમાં કામ કરે છે, જેમાં ઓપરેશન્સ, ટ્રેનિંગ, ઈન્ટેલિજન્સ એન્ડ ટૂર્સ અને એડમિનિસ્ટ્રેશન છે.

વડાપ્રધાન બુલેટપ્રુફ, રેન્જ રોવર, મર્સિડીઝ અને BMW 760Liમાં સફર કરે છે. હાલમાં જ વડાપ્રધાનના કાફલામાં મર્સિડીઝની મેબેક S650 Guard પણ સામેલ કરવામાં આવી છે. આ કાર અનેક સુરક્ષા વ્યવસ્થાઓથી સજ્જ હોય છે.

મર્સિડીઝ મેયબેક S650 Guard કારમાં VR10 સ્તરની સુરક્ષા છે. જેની બોડી વિશેષ મર્ટીરિયલથી બુલેટપ્રુફ બનાવવામાં આવી છે. આ કાર 2 મીટર દૂરથી કરવામાં આવેલા 15 કિલોગ્રામ TNTના વિસ્ફોટકને પણ સહન કરી શકે છે. એટલું જ નહીં આ કાર પર પોલીકાર્બોનેટની કોટિંગ છે જે કારમાં બેઠેલા લોકોને વિસ્ફોટથી બચાવે છે.

જો PMના કાફલા પર ગેસ એટેક કરવામાં આવે છે તો આ કારની કેબિન ગેસ સેફ ચેમ્બરમાં બદલાઈ જાય છે. બેકઅપ તરીકે કારમાં ઓક્સિજન ટેન્કની પણ વ્યવસ્થા છે. આ કારમાં સેલ્ફ સીલિંગ ફ્યૂલ ટેન્ક પણ છે જેમાં કોઈ પણ સ્થિતિએ વિસ્ફોટ નથી થતો. આ ઉપરાંત કારની નીચે આર્મર પ્લેટ્સ પણ છે જે સુરંગ અને બોમ્બને પણ ખમી શકે છે. આ ઉપરાંત કારમાં ઈમરજન્સી એક્ઝિટ હોય છે. એટલું જ નહીં કારના ગ્લાસ (કાચ) પણ બુલેટપ્રુફ છે. સાથે જ મહત્વનું છે કે જો PMની કારનું ટાયર પણ પંચર થઈ જાય તો પણ આ કાર 90 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી 320 કિલોમીટરનું અંતર કાપી શકે છે.

સાથે દોડે છે બે ડમી કાર
PMના કાફલામાં તેમની વિશેષ કાર જેવી જ બે ડમી કાર પણ હોય છે. સાથે જ કાફલામાં જામર પણ મહત્વના હોય છે, જેની પર અનેક એન્ટીના લગાડવામાં આવ્યા છે. જામરના એન્ટીના રસ્તાની બંને બાજુ 100 મીટરના અંતર સુધી રાખવામાં આવેલા વિસ્ફોટકોને ડિફ્યૂઝ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. કાફલામાં ચાલતી તમામ ગાડીઓમાં NSGના શાર્પશૂટર કમાન્ડો તહેનાત હોય છે. વડાપ્રધાનના કાફલામાં તેમની સુરક્ષા માટે લગભગ 100 લોકોની સિક્યોરિટી ટીમ ચાલતી હોય છે.

જ્યારે વડાપ્રધાન દિલ્હી કે અન્ય કોઈ રાજ્યમાં કયાંય જાય છે તો સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમનો રુટ લગભગ 7 કલાક પહેલાં જ નક્કી થાય છે. આ સાથે જ વૈકલ્પિક માર્ગ પણ નક્કી હોય છે, જેના પર પહેલાંથી જ રિહર્સલ થાય છે. જે રસ્તે વડાપ્રધાન પસાર થવાના હોય છે તે રસ્તા પર 4થી 5 કલાક પહેલાં જ બંને તરફ 50થી 100 મીટરના અંતરે પોલીસવાળા તહેનાત હોય છે. PMનો કાફલો પસાર થવાનો હોય તેની 10થી 15 મિનિટ પહેલાં જ આ રુટ પર સામાન્ય લોકો માટે અવરજવર સંપૂર્ણરીતે બંધ કરી દેવામાં આવે છે. અને લોકલ પોલીસ રસ્તાની બંને બાજુ તહેનાત હોય છે.

જે-તે રાજ્યની પોલીસ કાફલામાં આગળ ચાલે છે
PMનો કાફલો દિલ્હી કે સંબંધિત રાજ્યમાં હોય છે ત્યારે તેની સાથે જે-તે રાજ્યની પોલીસની ગાડીઓ ચાલે છે, જેઓ રુટ ક્લીયર કરે છે. સ્થાનિક પોલીસ જ SPGને રસ્તા પર આગળ વધવાની સુચના આપે છે. જે બાદ કાફલો આગળ ચાલે છે. PMના કાફલા માટે હંમેશા બે વૈકલ્પિક માર્ગ પણ નિશ્ચિત કરવામાં આવે છે. મુખ્ય માર્ગમાં કોઈ ટેકનિકલ કે અન્ય સમસ્યા આવતા SPG વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરે છે. જો PM હવાઈ માર્ગે યાત્રા કરતા હોય અને હવામાન ખરાબ થાય તો વૈકલ્પિક સડક માર્ગે જ યાત્રા કરે છે જે પણ પહેલેથી જ નક્કી હોય છે.

જ્યારે વડાપ્રધાનનો કાફલો દિલ્હી ઉપરાંત કોઈ અન્ય રાજ્યમાં જાય છે ત્યારે તેની સુરક્ષામાં બહારના ઘેરાવની જવાબદારી સ્થાનિક પોલીસની હોય છે. PMની મુલાકાત થવાની હોય તેના ઠીક 3-4 દિવસ પહેલા SPG આખા રસ્તાનું અવલોકન કરીને રુટ નક્કી કરે છે. સાથે જ બે વૈકલ્પિક રુટ પણ નક્કી કરવામાં આવે છે અને બંને વૈકલ્પિક રસ્તાઓ પર પણ મુખ્ય માર્ગની જેમ સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા રાખવામાં આવે છે. જો કોઈ પણ સ્થિતિમાં PMનો રુટ બદલાય છે તો SPG તેની જાણકારી સ્થાનિક પોલીસની સાથે શેર કરે છે. છેલ્લી ઘડી સુધી તે નક્કી નથી થતું કે PM કયા રુટ પરથી નીકળશે, આ બધું જ સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.