કઠુઆ રેપ-મર્ડર કેસ:SCએ હાઇકોર્ટના આદેશને રદ કર્યા, સગીર આરોપી સામે હવે એડલ્ટ કોર્ટમાં કાર્યવાહી કરાશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કઠુઆ રેપ-મર્ડર કેસના આરોપી શુભમ સંગ્રા પર ફરીથી કેસ ચલાવાશે. સુપ્રીમ કોર્ટે શુભમને સગીર જાહેર કરતાં નીચલી કોર્ટ અને હાઇકોર્ટના આદેશોને રદ કર્યા હતા. કોર્ટે તેને પુખ્ત ગણાવ્યો છે. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે બુધવારે જમ્મુ-કાશ્મીર પ્રશાસનની અપીલ સ્વીકારી લીધી અને કહ્યું હતું કે તથ્યો અને મેડિકલ પુરાવાના આધારે એ સ્પષ્ટ છે કે ઘટના સમયે શુભમ સગીર નહોતો. તેણે 18 વર્ષની ઉંમર પૂર્ણ કરી હતી. કોર્ટના મતે તેની ઉંમર સગીર સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજી પુરાવા નથી.

શું છે સમગ્ર કેસ
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના એક ગામમાં 10 જાન્યુઆરી 2018ના રોજ 8 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. 12 જાન્યુઆરીએ હીરાનગર પોલીસે FIR નોંધી હતી. બાળકીને ચાર દિવસ સુધી બંધક બનાવીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેની હત્યા કરવામાં આવી હતી. 17 જાન્યુઆરીએ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

22 જાન્યુઆરી 2018ના રોજ આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. તપાસ પછી સાંઝી રામ (તત્કાલીન ગ્રામપંચાયત પ્રમુખ), તેમના પુત્ર વિશાલ, વિશેષ પોલીસ અધિકારીઓ દીપક ખજૂરિયા ઉર્ફે દીપુ, સુરેન્દ્ર કુમાર, પરવેશ કુમાર ઉર્ફે મન્નુ, હેડ કોન્સ્ટેબલ તિલક રાજ અને સબ-ઇન્સ્પેક્ટર આનંદ દત્તા સહિત 7 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સાંઝી રામના ભત્રીજા શુભમ સંગ્રાની પણ 8મા આરોપી તરીકે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેનો કેસ જુવેનાઈલ જસ્ટિસ બોર્ડને ટ્રાન્સફર કરાયો હતો.

બાળકીને ન્યાય મળે એ માટે દેશભરમાં દેખાવો થયા હતા.
બાળકીને ન્યાય મળે એ માટે દેશભરમાં દેખાવો થયા હતા.

સુપ્રીમ કોર્ટે આ કેસને પઠાણકોટમાં ટ્રાન્સફર કર્યો હતો
16 એપ્રિલે કઠુઆની સેશન્સ કોર્ટમાં ટ્રાયલ શરૂ થઈ હતી, પરંતુ 7 મે 2018ના રોજ સુપ્રીમ કોર્ટે કેસને કઠુઆથી લગભગ 30 કિલોમીટર દૂર પડોશી રાજ્ય પંજાબના પઠાણકોટની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો, કારણ કે જમ્મુ-કાશ્મીર સરકાર અને કેટલાક વકીલોએ કઠુઆમાં ન્યાયી સુનાવણી ન થવાની આશંકા વ્યક્ત કરી હતી. જૂન 2018ના પ્રથમ અઠવાડિયામાં સુનાવણી શરૂ થઈ હતી.

2018માં 7 આરોપીને જેલમાં મોકલવામાં આવ્યા હતા
​​​​​​​
જૂન 2018માં કોર્ટે સાત આરોપી સામે જમ્મુ અને કાશ્મીરના રણબીર દંડસંહિતાની કલમ 120B (ગુનાહિત કાવતરું), 302 (હત્યા) અને 376D (સામૂહિક બળાત્કાર) હેઠળ આરોપો ઘડ્યા હતા. સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ બાદ કિશોર આરોપી સિવાયના તમામ આરોપીઓને ગુરદાસપુર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

3 આરોપીને આજીવન કેદ, 3ને 5 વર્ષની સજા
3 જૂન 2019ના રોજ આ કેસની સુનાવણી પૂર્ણ થઈ હતી. સેશન્સ કોર્ટમાં સતત 245 દિવસ સુધી સુનાવણી ચાલી. પબ્લિક પ્રોસિક્યુટર્સ દ્વારા 114 સાક્ષી રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે બચાવ પક્ષ દ્વારા માત્ર 20 દિવસમાં 18 સાક્ષી રજૂ કરવામાં આવ્યા હતા. 10 જૂનના રોજ સ્પેશિયલ કોર્ટે ગામના વડા સાંઝી રામ, દીપક ખજૂરિયા અને પ્રવેશ કુમારને 25 વર્ષની કેદની સજા સંભળાવી હતી. આ સાથે સુરેન્દ્ર કુમાર, આનંદ દત્તા, તિલક રાજને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે સાંઝી રામના પુત્ર વિશાલને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...